મૃતકના નામે રાશન લેવાનું કૌભાંડ : ઝારખંડમાં 50,000 મૃતકના નામ હટાવાયા
Jharkhand News : દેશમાં મૃતકોના નામે રાશન લેવાના કૌભાંડનો ચોંકાવનારો ખુલાસો થયો છે. કેન્દ્ર સરકારના આદેશ બાદ વિવિધ રાજ્યોમાં રાશનમાં નામો અંગે ચકાસણી થઈ રહી છે, જેમાં ઝારખંડમાં 50 હજાર મૃત લાભાર્થીઓના નામ રાશન કાર્ડમાંથી હટાવાયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાંથી બનાવટી રાશન કાર્ડની પુષ્ટી થયા બાદ 2.36 લાખ રાશન કાર્ડ રદ કરવામાં આવ્યા છે. તપાસમાં ખુલાસો થયો છે કે, 2.36 લાખ બનાવટી રાશનકાર્ડ ધારકો ઘણા વર્ષોથી રાશનનો લાભ લઈ રહ્યા છે.
કેટલાક લોકો પાસે બે-બે રાજ્યોના રાશન કાર્ડ
રાશન કાર્ડની તપાસમાં એવા લોકોના નામ પણ છે, જેઓ બિહાર, ઉત્તર પ્રદેશ, દિલ્હી, હરિયાણા, પશ્ચિમ બંગાલ અને ઓડિશાનું પણ રાશન કાર્ડ ધરાવે છે. આવી સ્થિતિમાં સક્ષમ હોવા છતાં બનાવટી રાશન કાર્ડ બનાવી મફત રાશનનો લાભ ઉઠાવનારા લોકોની સંખ્યા હજારોમાં હોઈ શકે છે. અનેક મામલ સામે આવ્યા બાદ ખાદ્ય, જાહેર વિતરણ અને ગ્રાહક બાબતો વિભાગે બનાવટી રાશન કાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
હજુ બે લાખ રાશન કાર્ડની ચકાસણી બાકી
વાસ્તવમાં કેન્દ્ર સરકારે ઝારખંડ સરકારને 2,54,857 મૃતક લાભાર્થીઓની યાદી સોંપી હતી અને ચકાસણી કર્યા બાદ રાશન કાર્ડમાંથી નામ હટાવવાનો આદેશ આપ્યો છે. જોકે અત્યાર સુધીમાં માત્ર 50,000 નામોની જ ચકાસણી કર્યા બાદ નામ કાઢી નાખવામાં આવ્યા છે. જ્યારે લગભગ 2 લાખથી વધુ લાભાર્થીઓના નામની ચકાસણી કરવાની બાકી છે.
રાશન કાર્ડ સાથે આધાર લિંક વખતે થયો ખુલાસો
ઝારખંડમાં રાશન કૌભાંડનો ખુલાસો ત્યારે થયો, જ્યારે ખાદ્ય, જાહેર વિતરણ અને ગ્રાહક બાબતો વિભાગે તપાસ હાથ ધરી હતી. વિભાગે પહેલી ફેબ્રુઆરીથી 21 ફેબ્રુઆરી સુધીમાં ‘વન નેશન કાર્ડ યોજના’ની તપાસ કરી હતી. આ સાથે રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક કરાવવાનું અભિયાન પણ ચલાવ્યું હતું. આધાર કાર્ડ લિંક થયા બાદ ઈ-પોશ મશીન પર અંગુઠાનું નિશાન લેવામાં આવ્યું ત્યારે કેટલાક રાશન કાર્ડધારકો બનાવટી આધાર કાર્ડના આધારે રાશન મેળવી રહ્યા હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચો : ‘આઝાદીમાં યોગદાન નથી ને બંધારણ વિરુદ્ધ વાતો કરી રહ્યા છે’ ખડગેના PM મોદી પર પ્રહાર