વધુ એક રાજ્યમાં મહારાષ્ટ્ર જેવો 'ખેલ' કરશે ભાજપ! કોંગ્રેસનું ગઠબંધન તૂટે તેવી અટકળો તેજ

Jharkhand Political News : બિહાર વિધાનસભા ચૂંટણી સમાપ્ત થતાંની સાથે જ હવે ઝારખંડનું રાજકારણ કેન્દ્રમાં આવ્યું છે. ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની પાર્ટી JMM અને ભાજપ વચ્ચે સંભવિત ગઠબંધનની અટકળો શરુ થઈ ગઈ છે અને આ કારણે મહારાષ્ટ્રની જેમ ઝારખંડમાં પણ રાજકીય ઉથલપાથલ થવાની શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. તાજેતરમાં હેમંત સોરેન અને તેમની પત્ની કલ્પના સોરેને દિલ્હીનો પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ ઝારખંડના રાજ્યપાલે ગૃહમંત્રી સાથે મુલાકાત કરી હતી, આ તમામ ઘટનાક્રમ સામે આવ્યા બાદ ગઠબંધનની અટકળો શરુ થઈ ગઈ છે.
JMMના RJD-કોંગ્રેસ સાથે સંબંધો બગડ્યા
ઝારખંડમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ પાછળનું કારણ સત્તાધારી ઇન્ડિયા ગઠબંધનમાં પડેલી તિરાડો છે. સૂત્રોના જણાવ્યા મુજબ, કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (RJD) સાથે ઝારખંડ મુક્તિ મોરચા(JMM)ના સંબંધોમાં ખટાશ છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં JMMને સાત બેઠકો અપાઈ નથી, જેના કારણે મુખ્યમંત્રી સોરેન (CM Hemant Soren) નારાજ છે. જેએમએમના પ્રવક્તાએ તે સમયે જ કહી દીધું હતું કે, પાર્ટી રાજ્યમાં પણ ગઠબંધન કરવાની સમીક્ષા કરશે.
ઝારખંડ વિધાનસભાનું ચિત્ર... જો JMM-BJP વચ્ચે ગઠબંધન થાય તો...
ઝારખંડ વિધાનસભાનું રાજકીય સમીકરણની વાત કરીએ તો હાલ રાજ્યમાં જેએમએમ, કોંગ્રેસ, આરજેડી અને ડાબેરી પક્ષનું ગઠબંધન છે. રાજ્યના વિધાનસભાની કુલ 81 બેઠક હોવાથી 41 ધારાસભ્યોનું સમર્થન જરૂરી છે. વર્તમાનમાં જેએમએમ પાસે 34, કોંગ્રેસ પાસે 16, આરજેડી પાસે ચાર જ્યારે ડાબેરી પક્ષ સાથે બે ધારાસભ્યો સહિત કુલ 56 ધારાસભ્યો છે. જો જેએમએમ ભાજપ સાથે ગઠબંધન કરી દે તો જેએમએમ પાસે 34, ભાજપ પાસે 21, એલજેપી પાસે એક, એજેએસયુ પાસે એક, જેડીયુ પાસે એક ધારાસભ્ય હોવાથી આ ગઠબંધનની કુલ બેઠકો 58 પર પહોંચી જશે. એટલે કે આ આંકડો બહુમતીથી ઘણો વધુ છે.
JMMએ તમામ દાવાઓને રદિયો આપ્યો
બીજીતરફ JMMએ આ તમામ દાવાઓને રદિયો આપ્યો છે. પાર્ટીએ સ્પષ્ટતા કરી છે કે, ઝારખંડનું વર્તમાન ગઠબંધન યથાવત્ રહેશે. પરંતુ રાજકારણમાં સ્થાયી કંઈ હોતું નથી અને હેમંત સોરેનનો નિર્ણય આગામી દિવસોમાં ઝારખંડની રાજનીતિનું ભવિષ્ય નક્કી કરશે.
આ પણ વાંચો : આજકાલ જજો બહુ બોલવા લાગ્યા છે...' CJIની ટિપ્પણી સામે આ શું બોલી ગયા TMC સાંસદ

