LPGની અછત વચ્ચે 524 સિલિન્ડર ભરેલી ટ્રકની ચોરી, ઝાંસી પોલીસ દોડતી થઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

LPG Cylinder Theft in Jhansi: ઈઝરાયલ અને અમેરિકાના હુમલા બાદ પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિની સીધી અસર ભારતના રસોડા સુધી પહોંચી છે. ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સપ્લાય ખોરવી નાખવામાં આવતા ભારતમાં LPG ગેસની અછત સર્જાઈ છે. આ વચ્ચે હવે ઉત્તર પ્રદેશના ઝાંસીથી LPG સિલિન્ડર ભરેલા ટ્રકની ચોરી થવાનો એક સનસનીખેજ મામલો સામે આવ્યો છે, જેનાથી ખળભળાટ મચી ગયો છે.
524 ગેસ સિલિન્ડર ભરેલ ટ્રકની ચોરી
પ્રાપ્ત માહિતી પ્રમાણે ટ્રકમાં લગભગ 524 ભરેલા LPG સિલિન્ડર હતા, જેની કિંમત લગભગ 18 લાખ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ ઘટના ઝાંસીના સિપરી બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. ટ્રક માલિકની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ચોરો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
ટ્રક માલિક નીરજ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે તેમનો ટ્રક નંબર UP 93 BT 3341, ઝાંસીના કરાડી સ્થિત ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન પ્લાન્ટ સાથે જોડાયેલ છે. 2 માર્ચના રોજ પ્લાન્ટમાંથી ટ્રકમાં 524 ગેસ સિલિન્ડર લોડ કરવામાં આવ્યા હતા અને કાનપુર દેહાતના ગજનેર મોકલવાના હતા.
હોળીના તહેવારના કારણે ટ્રક ડ્રાઈવર રાજકુમાર ટ્રકને પ્લાન્ટની બહાર પાર્ક કરીને ઘરે જતો રહ્યો હતો. થોડા દિવસો બાદ 6 માર્ચે માહિતી મળી કે ટ્રક ઝાંસીના બારાગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પારીછા નજીક હાઈવે પર છે. જ્યારે ટ્રક માલિક પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે, ટ્રકમાંથી બધા ગેસ સિલિન્ડર ગાયબ હતા વાહનની GPS સિસ્ટમ પણ તોડી નાખવામાં આવી હતી.
ઝાંસી પોલીસ દોડતી થઈ
ત્યારબાદ ટ્રક માલિકે તાત્કાલિક સીપરી બજાર પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી. પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે અને નજીકના સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: દેશમાં ગેસની અછત મુદ્દે PM મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક, જયશંકર અને હરદીપ પુરી રહ્યા હાજર
સ્ટેશન ઈન્ચાર્જ જયપ્રકાશ ચૌબેએ જણાવ્યું કે, ફરિયાદના આધારે અજાણ્યા લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે ટ્રક કબજે કરી છે અને ચોરાયેલા ગેસ સિલિન્ડર શોધવા માટે ટીમો તહેનાત કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે, અમે ટૂંક સમયમાં આરોપીઓની માહિતી મેળવીને કાર્યવાહી કરીશું. હાલમાં પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, વિદેશથી LPGનો પુરવઠો ઓછો થવાને કારણે કેન્દ્ર સરકારે LPGના કમર્શિયલ ઉપયોગને નિયંત્રિત કર્યો છે.









