નીતીશ કુમારની પાર્ટીમાંથી અનંત સિંહ અને તેમની પત્નીની 6 વર્ષ માટે હકાલપટ્ટી, સભ્યપદ રદ કરવા ભલામણ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Anant Singh JDU Expulsion : બિહારમાં નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઇટેડ (JDU) દ્વારા મોકામાના બાહુબલી ધારાસભ્ય અનંત સિંહ સામે આકરું પગલું ભરવામાં આવ્યું છે. પક્ષવિરોધી પ્રવૃત્તિઓ અને પક્ષના નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ અનંત સિંહ અને તેમના પત્ની તેમજ પૂર્વ ધારાસભ્ય નીલમ દેવીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવી દેવામાં આવ્યો છે. આ સાથે જ બંનેનું પ્રાથમિક સભ્યપદ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવ્યું છે.
કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ
બિહાર વિધાન પરિષદ (MLC) ચૂંટણી દરમિયાન પટના ગ્રેજ્યુએટ બેઠક પર JDU ઉમેદવાર નીરજ કુમાર સામે વિરોધ કરવો અનંત સિંહને ભારે પડી ગયો. અનંત સિંહે પક્ષના ઉમેદવારનો ખુલ્લેઆમ વિરોધ કરીને ‘જન સુરાજ’ના ઉમેદવાર અનુજ કુમાર સિંહનું સમર્થન કર્યું હતું અને તેમના પ્રચારમાં પણ જોડાયા હતા. આ ઉપરાંત, JDUના પ્રદેશ અધ્યક્ષ ઉમેશ કુશવાહાના જણાવ્યા અનુસાર, અનંત સિંહ સતત પક્ષના આદેશોની અવગણના કરતા હતા અને પક્ષના ટોચના નેતૃત્વ સામે અભદ્ર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા હતા. મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે પાર્ટીએ આ કડક નિર્ણય લીધો છે.
ધારાસભ્ય પદ પણ જોખમમાં: સ્પીકરને ભલામણ પત્ર
પાર્ટીમાંથી હાંકી કાઢવાની સાથે અનંત સિંહની ધારાસભ્ય તરીકેની ખુરશી પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે. JDU પ્રદેશ અધ્યક્ષે બિહાર વિધાનસભાના સ્પીકર પ્રેમ કુમારને પત્ર લખીને ભારતીય બંધારણની 10મી અનુસૂચિ (પક્ષપલટા વિરોધી કાયદો) હેઠળ અનંત સિંહનું વિધાનસભા સભ્યપદ તાત્કાલિક રદ કરવા ભલામણ કરી છે. જોકે, ધારાસભ્ય પદ રદ કરવાનો આખરી નિર્ણય નિયમો અનુસાર વિધાનસભા અધ્યક્ષે કરવાનો રહેશે.
પત્ની નીલમ દેવી સામે પણ શિસ્તભંગના પગલાં
અનંત સિંહની સાથે તેમના પત્ની અને પૂર્વ ધારાસભ્ય નીલમ દેવી સામે પણ શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. અનંત સિંહ જેલમાં હતા તે સમયગાળા દરમિયાન નીલમ દેવી મોકામાથી ધારાસભ્ય બન્યા હતા. તેમના પર પણ પક્ષવિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહેવાનો આરોપ મૂકીને 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પટના જિલ્લાની મોકામા બેઠક પરથી 6 વખત ધારાસભ્ય રહી ચૂકેલા અનંત સિંહ વિરુદ્ધ લેવાયેલા આ કડક પગલાથી બિહારના રાજકારણમાં ભારે ચર્ચા જાગી છે. આ ચૂંટણીનું પરિણામ 27 ઑક્ટોબરના રોજ જાહેર થશે.




