નીતિશ કુમારની જેડીયુએ 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી, ચિરાગને લાગશે ઝટકો!

JDU First Candidate List: બિહાર ચૂંટણી માટે જનતા દળ યુનાઇટેડે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. તેણે 57 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. એનડીએ સાથે ગઠબંધન હેઠળ જેડીયુને 101 બેઠક મળી છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ઉમેદવારોના નામ પર અંતિમ મહોર લગાવી છે. ઉલ્લેખનીય છે, જેડીપી અને લોજપા (રામવિલાસ) વચ્ચે બેઠક ફાળવણી મુદ્દે ચડભડ થઈ હતી. જેડીયુએ પોતાની પ્રથમ યાદીમાં લોજપાએ માગેલી ચાર બેઠક પર પણ ઉમેદવારોની જાહેરાત કરી છે. જેનાથી ચિરાગ પાસવાનને મોટો ઝટકો વાગી શકે છે.
આ લિસ્ટમાં અનેક દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. મંત્રી વિજય કુમાર ચૌધરીને સરાય રંજનમાંથી ટિકિટ આપવામાં આવી છે. આલમનગરમાંથી નરેન્દ્ર નારાયણ યાદવ, બિહારીગંજમાંથી નિરંજનકુમાર મહેતા, સિંઘેશ્વરમાંથી રમેશ ઋષિદેવ, મધેપુરામાંથી કવિતા સાહા, માહિથીમાંથી ગંધેશ્વર શાહ અને કુશેશ્વરસ્થાનમાંથી અતિરેક કુમારને મેદાનમાં ઉતાર્યા છે.
જેડીયુની આ યાદી સહયોગી પક્ષો સાથે બેઠક ફાળવણી પર સહમતિ થયા બાદ જાહેર કરવામાં આવી છે. પક્ષના કાર્યકારી અધ્યક્ષ સંજય જ્હાંએ કહ્યું કે, એનડીએ સંપૂર્ણપણે એકજૂટ છે, અને બિહારના વિકાસના મુદ્દા પર ચૂંટણી લડશે.