જમ્મુ-કાશ્મીરના ઉરીમાં LoC પર અથડામણ, એક આતંકી ઠાર, ગોળીબારમાં એક જવાન શહીદ
Image Source: Twitter
Uri Encounter: સ્વતંત્રતા દિવસના બે દિવસ પહેલા સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો છે. જો કે, આ દરમિયાન ગોળીબારમાં એક જવાન શહીદ થઈ ગયો છે. આ એન્કાઉન્ટરમાં એક આતંકી પણ ઠાર થયો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
અધિકારીઓએ જણાવ્યું કે, 'બુધવારે જમ્મુ-કાશ્મીરના ઉરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર સેનાએ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો જેમાં એક સૈનિક શહીદ થઈ ગયો. સૈનિકોએ ઉત્તર કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉરીના ચુરુન્ડા વિસ્તારમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો.'
ઘૂસણખોરીની આશંકા વચ્ચે એલર્ટ મોડ પર જવાન
ગત મંગળવારે બીએસએફ કાશ્મીર ફ્રન્ટિયરના ઈન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે જણાવ્યું હતું કે, 'પાકિસ્તાન સતત જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઉત્તર કાશ્મીરમાં નિયંત્રણ રેખા પાર લોન્ચિંગ પેડ્સ પર આતંકવાદીઓની ગતિવિધિઓ વધી રહી છે, પરંતુ બીએસએફે અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સંકલનમાં રહીને ઘૂસણખોરીના દરેક પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે.'
બાંદીપોરામાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે આયોજિત 79 કિલોમીટર લાંબી સાયકલ રેલીને લીલી ઝંડી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, બીએસએફ અને સેના ઘૂસણખોરીને રોકવા માટે સંયુક્ત રણનીતિ હેઠળ કામ કરી રહી છે.
આ પણ વાંચો: 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદની બિડને IOAની મંજૂરી
સેના સાથે મળીને કરી રહ્યા કામ
અમે સેના સાથે મળીને કામ કરીએ છીએ અને કોઈપણ ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે અમારા પ્રયાસોનું સંકલન કરીએ છીએ. આ હેતુ માટે નિયમિતપણે સંયુક્ત ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. પાકિસ્તાનની ગતિવિધિઓ અંગે બીએસએફ કાશ્મીર આઈજીએ પુનરોચ્ચાર કર્યો કે, પડોશી દેશના આતંકવાદીઓને મોકલવાના પ્રયાસો ચાલુ જ છે.