2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે અમદાવાદની બિડને IOAની મંજૂરી
IOA and Ahmedabad News: ભારતે કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે બિડને મંજૂરી આપી છે. ભારતીય ઓલિમ્પિક ઍસોસિએશને (IOA) ઓફિશ્યલી કોમનવેલ્થ ગેમ્સ માટે મંજૂરી આપી દીધી છે. જેનાથી દેશની આશાઓ વધી છે. કોમનવેલ્થ ગેમ્સ 2030નો સંપૂર્ણ ખર્ચ સરકાર ભોગવશે અને જો ભારતને યજમાની મળશે તો તેનું આયોજન અમદાવાદમાં કરાશે. આઇઓએ દ્વારા તેની સ્પેશિયલ જનરલ એસેમ્બલીમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ બિડને મંજૂરી આપવામાં આવી હતી. આ બિડના દસ્તાવેજ જમા કરવાની છેલ્લી તારીખ 31 ઑગસ્ટ છે.
જો મંજૂરી મળી તો અમદાવાદમાં યોજાશે CWG
ભારતે અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ 2030નું આયોજન કરવા માટે એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ રજૂ કરી દીધા છે. જેના માટે 31 ઑગસ્ટ સુધીમાં ભારતે ફાઇનલ બીડનો પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. કેનેડાએ કોમન વેલ્થ ગેમ્સની યજમાનીનું બિડ પાછું ખેંચી લેતાં ભારત માટે તકો વધી છે.
કોમનવેલ્થ સ્પોર્ટનું ડેલિગેશન અમદાવાદ આવશે
ભારતના કોમનવેલ્થ ગેમ્સ 2030ના બિડને ધ્યાનમાં લેતાં કોમનવેલ્થ સ્પોર્ટના ડિરેક્ટર ગેમ્સ ડેરેન હોલે હાલમાં જ અમદાવાદમાં સ્થળની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું. તેમજ ગુજરાત સરકારના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ મહિનાના અંતમાં કોમનવેલ્થ સ્પોર્ટનું વધુ એક મોટું ડેલિગેશન અમદાવાદ આવી શકે છે.
નવેમ્બરના અંત સુધી લેવાશે નિર્ણય
કોમવેલ્થ 2030ની યજમાની માટે દેશની પસંદગીનો નિર્ણય નવેમ્બરના અંતિમ સપ્તાહ સુધી લેવાઈ શકે છે. કોમનવેલ્થ સ્પોર્ટના જનરલ એસેમ્બલી આ અંગે અંતિમ નિર્ણય લેશે. અગાઉ 2010માં ભારતે કોમનવેલ્થની યજમાની કરી હતી. નવી દિલ્હી ખાતે મલ્ટી સ્પોર્ટ ગેમ્સ યોજાઈ હતી.