26 વર્ષથી પોલીસમાં કાર્યરત, હવે સરકારે કહ્યું- તમે પાકિસ્તાની છો, તાત્કાલિક દેશ છોડો
Pahalgam Attack: જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં એક પોલીસકર્મી સહિત 9 જણના પરિવારની અટકાયત કરવામાં આવી હતી. આ પછી 30 એપ્રિલે, તેમને પાકિસ્તાન પરત મોકલવા માટે પંજાબ લઈ જવામાં આવ્યા. આ સમયગાળા દરમિયાન, જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટના એક આદેશની અવગણના કરવામાં આવી હતી. જાણીએ કે આ ઓર્ડર શું હતો.
POKની સેંકડો મહિલાઓએ જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓ સાથે લગ્ન કર્યા
આ લોકોને પાકિસ્તાન મોકલવાની જરૂર એટલા માટે ઊભી થઈ છે કારણ કે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(POK)ની સેંકડો મહિલાઓએ જમ્મુ અને કાશ્મીરના રહેવાસીઓ સાથે લગ્ન કર્યા છે. પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત સરકારે તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાનો આદેશ આપ્યો છે. ત્યારથી, આવા પરિવારો મુશ્કેલીમાં મૂકાયા છે.
કોન્સ્ટેબલ ઇફ્તિખાર અલીને દેશ છોડવાનું કહેવામાં આવ્યું
જેમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના કોન્સ્ટેબલ ઇફ્તિખાર અલી, તેના ત્રણ ભાઈઓ અને પાંચ બહેનોને પંજાબ મોકલવામાં આવ્યા છે. પીટીઆઇના અહેવાલ મુજબ, કોન્સ્ટેબલ ઇફ્તિખાર અલી હજુ પણ જમ્મુ અને કાશ્મીર પોલીસમાં ફરજ બજાવી રહ્યા છે અને હાલમાં માતા વૈષ્ણો દેવી મંદિરના કટરા બેઝ કેમ્પમાં તૈનાત છે.
26 વર્ષ સુધી જમ્મુ અને કાશ્મીર પોલીસમાં કામ કર્યું
ઇફ્તિખાર અલીની પત્નીએ મીડિયાને જણાવ્યું કે, 'અમારા ત્રણ બાળકો છે અને તેના પિતાને પાકિસ્તાન મોકલવા માટે લઈ જવામાં આવ્યા છે. ઇફ્તિખાર અલીએ 26 વર્ષ સુધી જમ્મુ અને કાશ્મીર પોલીસમાં કામ કર્યું, તો હવે તે પાકિસ્તાની કેવી રીતે બન્યો?'
આ પણ વાંચો: પાકિસ્તાનનો 'મિસાઈલ મિસ્ડકૉલ', ચાર વખત ગ્રીન નોટિફિકેશન જાહેર કરી ગાયબ
હાઇકોર્ટે શું કહ્યું?
29 એપ્રિલના રોજ, પરિવારે આવી કાર્યવાહી પર રોક લગાવવા માટે જમ્મુ અને કાશ્મીર હાઇકોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે કહ્યું કે, 'અરજદારોને જમ્મુ-કાશ્મીર છોડવા માટે ન તો કહેવામાં આવે કે ન તો તેમને દબાણ કરવામાં આવે.'
જસ્ટિસ રાહુલ ભારતીએ પૂંચના ડેપ્યુટી કમિશ્નરને અરજદારોની મિલકતની સ્થિતિ અંગે સોગંદનામું દાખલ કરવાનો આદેશ પણ આપ્યો હતો.
કોર્ટના આદેશ બાદ, અલીની પત્નીએ ડેપ્યુટી કમિશ્નર અને સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસ (SSP) બંનેનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ ક્યાંયથી કોઈ મદદ મળી નહીં. તેણી કહે છે કે, 'મને સમજાતું નથી કે કોર્ટના આદેશ છતાં મારા પતિને પંજાબ કેમ લઈ જવામાં આવ્યો?'