હવે કેવી રીતે થશે શાંતિ મંત્રણા? ઝેલેન્સ્કીએ ઠુકરાવી પુતિનની ઓફર, કહ્યું- હું આતંકવાદી દેશમાં પગ નહીં મૂકું
Zelenskyy rejects Putin Invitation: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે અલગ-અલગ મુલાકાત કરી હતી. આ મુલાકાતથી યુદ્ધ રોકવા માટે નક્કર પગલાં લેવાશે એવી આશા જન્મી હતી, જેના ભાગરૂપે દ્વિપક્ષીય અને ત્રિપક્ષીય બેઠકની ચર્ચા થઈ. જોકે, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન દ્વારા મોસ્કોમાં વાટાઘાટો માટે અપાયેલું આમંત્રણ નામંજૂર કર્યું છે.
હું આતંકવાદી દેશમાં પગ નહીં મૂકું: ઝેલેન્સ્કી
ઝેલેન્સકીએ સ્પષ્ટ કહ્યું છે કે, 'હું યુક્રેન પર રોજ મિસાઇલ હુમલા કરતાં દેશની રાજધાનીની મુલાકાત ન લઈ શકું.' એક ઇન્ટરવ્યુમાં, યુક્રેનના રાષ્ટ્રપતિએ જણાવ્યું કે, 'જો પુતિન વાતચીત કરવા ઇચ્છતા હોય, તો તેમણે કિવ (યુક્રેન) આવવું પડશે. જ્યારે મારો દેશ દરરોજ હુમલાઓનો શિકાર થઈ રહ્યો છે, ત્યારે હું આ આતંકવાદીની રાજધાની મોસ્કોમાં પગ નહીં મૂકું. પુતિન અહીં કિવ આવી શકે છે.'
પુતિને મુલાકાતની ઇચ્છા વ્યક્ત કરી હતી
ઝેલેન્સકીએ પુતિન પર રાજકીય દાવપેચનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, 'તેઓ વાતચીતમાં વિલંબ કરી રહ્યા છે અને અમેરિકા સાથે રમત રમી રહ્યા છે. પુતિન માત્ર બેઠકને મુલતવી રાખવા માટે આ બધું કરી રહ્યા છે.' આ આકરી ટિપ્પણી એવા સમયે આવી છે જ્યારે પુતિને થોડા દિવસો પહેલા જ ઝેલેન્સકીને મળવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પુતિને કહ્યું હતું કે બેઠક મોસ્કોમાં થઈ શકે છે.
બેઠકના સ્થળને લઈને વિવાદ ઊભો થઈ રહ્યો છે
ઉલ્લેખનીય છે કે, પુતિને અગાઉ કહ્યું હતું કે, 'મેં પહેલા જ કહ્યું છે કે મેં આવી કોઈ બેઠકની શક્યતાનો ક્યારેય ઇન્કાર કર્યો નથી, પરંતુ શું તે યુક્રેનના બંધારણ મુજબ સાર્થક હોઈ શકે છે? તે શક્ય છે? હું તેનો ક્યારેય ઇન્કાર કરતો નથી. જો બેઠક સારી રીતે તૈયાર કરવામાં આવે અને તેના સકારાત્મક પરિણામો આવે તો તે શક્ય છે અને ડોનાલ્ડ ટ્રમ્પે મને પૂછ્યું હતું કે શું આવી બેઠક શક્ય છે અને મેં કહ્યું કે તે શક્ય છે. જો ઝેલેન્સકી તૈયાર હોય તો તે મોસ્કો આવી શકે છે.'
આ પણ વાંચો: 'ભારતના ટેરિફને કારણે અમેરિકામાં નોકરીઓ ખતમ...', ટ્રમ્પ સહયોગી નવારોએ ફરી ઝેર ઓક્યું
હવે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે શું ડોનાલ્ડ ટ્રમ્પનો યુદ્ધ અટકાવવાનો પ્રયાસ નિષ્ફળ થઈ રહ્યો છે. ટ્રમ્પ સાથેની મુલાકાત દરમિયાન બંને દેશોએ વાતચીત કરવા સંમતિ આપી હતી, પરંતુ હવે બેઠકના સ્થળને લઈને વિવાદ ઊભો થઈ રહ્યો છે.