2023માં જમ્મુ-કાશ્મીરમાં G20 સમિટનું આયોજન થશે, 5 સભ્યોની સમિતિની રચના

શ્રીનગર, તા. 24 જૂન 2022 શુક્રવાર
કાશ્મીર મુદ્દે ભારતને મોટી સફળતા મળી છે. કાશ્મીર મુદ્દે ભારત સરકાર પાકિસ્તાનને એક આકરો આંચકો આપવાની છે. દુનિયાની પ્રમુખ અર્થવ્યવસ્થાઓના પ્રભાવશાળી જૂથ G-20 ની બેઠક 2023માં જમ્મુ કાશ્મીરમાં થશે. આ બેઠકમાં ચીન, કેનેડા, અમેરિકા, જર્મની, તુર્કી સહિત 20 દેશ ભાગ લેશે. આ સંમેલન દ્વારા કાશ્મીર પર પાકિસ્તાનના દાવાને ફગાવવાના રૂપમાં જોવામાં આવી રહ્યુ છે.
પાંચ ઓગસ્ટ 2019એ જમ્મુ-કાશ્મીરને પ્રાપ્ત વિશેષ દરજ્જો રદ અને આને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વિભાજિત કર્યા બાદ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં આયોજિત થનારુ આ પહેલુ મોટુ આંતરરાષ્ટ્રીય શિખર સંમેલન હશે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલને જી-20 માટે ભારતના દૂત નિયુક્ત કરવામાં આવ્યા હતા.
ભારત સરકારના જારી એક સત્તાકીય આદેશ અનુસાર કેન્દ્ર શાસિત પ્રદેશના આવાસ અને શહેરી વિકાસ વિભાગની અગ્ર સચિવ સમિતિના અધ્યક્ષ હશે, જેની રચના વિદેશ મંત્રાલયના 4 જૂનના પત્ર બાદ કરવામાં આવી છે. અગ્ર સચિવ, સામાન્ય વહીવટ વિભાગ મનોજ કુમાર દ્વિવેદી દ્વારા જારી આદેશમાં કહેવામાં આવ્યુ છે, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં થનારી જી-20 બેઠકોના સમગ્ર સમન્વય માટે એક સમિતિની રચનાને મંજૂરી આપવામાં આવે છે.
સમિતિના સદસ્યોમાં કમિશનર સચિવ (પરિવહન), વહીવટી સચિવ (પર્યટન), વહીવટી સચિવ (આતિથ્ય અને પ્રોટોકોલ) અને વહીવટી સચિવ (સંસ્કૃતિ) સામેલ છે. આદેશમાં કહેવામાં આવ્યુ છે કે આ સિવાય, કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ-કાશ્મીરમાં જી-20 બેઠકોની વ્યવસ્થાના સમન્વય માટે સરકારના પ્રધાન સચિવ (આવાસ અને શહેરી વિકાસ વિભાગ)ને કેન્દ્ર શાસિત પ્રદેશ સ્તરના નોડલ અધિકારી તરીકે નામાંકિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે ભારત 1999માં જી-20ની સ્થાપના બાદથી જ આ સંગઠનનુ સદસ્ય છે.

