Terrorists Fire On Indian Army In Jammu And Kashmir : જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ઉપરવાસમાં આવેલા સિંહપોરા વિસ્તારમાં રવિવારે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ શરૂ થઈ છે. આ ગોળીબારમાં ત્રણ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલમાં આખા વિસ્તારને ચારેબાજુથી ઘેરી લેવામાં આવ્યો છે અને સુરક્ષાદળોએ રાત્રિ દરમિયાન પણ આતંકીઓને પકડવાના ચક્રો ગતિમાન કરી દીધા છે.
સર્ચ ઓપરેશન દરમિયાન અચાનક હુમલો
ગુપ્તચર એજન્સીઓ પાસેથી સિંહપોરાના જંગલ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની ચોક્કસ માહિતી મળી હતી. આ જાણકારીના આધારે ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સંયુક્ત રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર અચાનક અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો, જેનો સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો : BMCની ચૂંટણી બાદ ઉદ્ધવ ઠાકરેના મેસેજથી શિંદેનું ટેન્શન વધ્યું, મોટો ખેલ થવાના એંધાણ
2થી 3 આતંકીઓ ઘેરાયા હોવાની આશંકા
સૂત્રોના જણાવ્યા અનુસાર, જંગલ વિસ્તારમાં 2થી 3 આતંકીઓ છુપાયેલા છે. એવી શંકા સેવાઈ રહી છે કે આ આતંકીઓ પ્રતિબંધિત સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા હોઈ શકે છે. સુરક્ષાદળોએ આતંકીઓની નાસી છૂટવાની તમામ ગલીઓ બંધ કરી દીધી છે અને વધારાની ટીમ પણ ઘટનાસ્થળે બોલાવી લેવામાં આવી છે.
સ્થાનિકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
અથડામણની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આસપાસના વિસ્તારોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સ્થાનિક નાગરિકોને સુરક્ષિત સ્થળો પર રહેવા અને જંગલ તરફ ન જવા માટે કડક સૂચના આપવામાં આવી છે. હાલમાં બંને તરફથી ગોળીબાર ચાલુ છે અને ઓપરેશન પૂર્ણ થયા બાદ જ આતંકીઓના સફાયા અંગે સત્તાવાર માહિતી પ્રાપ્ત થશે.
આ પણ વાંચો : ન્યાય મળે તે પહેલા જ દુષ્કર્મ પીડિત યુવતીનું મોત, માતાએ ઠાલવી વેદના


