Maharashtra Political News : મુંબઈની સૌથી મહત્ત્વની ગણાતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ની ચૂંટણીના પરિણામ સામે આવી ગયા બાદ હવે મેયર પદને લઈ ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો ભાજપે જીતી છે. ભાજપ, શિંદેની શિવસેના અને એનસીપીના ગઠબંધન મહાયુતિની વાત કરીએ તો આ ગઠબંધને સ્પષ્ટ બહુમતી મેળવીને 121 બેઠકો જીતી છે, જ્યારે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, MNS, કોંગ્રેસ સહિતની વિપક્ષની પાર્ટીઓએ 106 બેઠકો જીતી છે. રસપ્રદ વાત એ છે કે, મહાયુતિએ સ્પષ્ટ બહુમતી મેળવી હોવા છતાં એકનાથ શિંદે ટેન્શનમાં આવી ગયા છે.
શિંદેને શિવસૈનિકો વેંચાઈ જવાનો ડર
ચૂંટણીના પરિણામો મુજબ સૌથી વધુ બેઠકો ભાજપે મેળવી હોવાથી મેયર પણ ભાજપનો જ બનવાની સંભાવના છે. બીજીતરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું કહેવું છે કે, એકનાથ શિંદેની શિવસેના સાથે વાતચીત કર્યા બાદ જ મેયરની ચૂંટણી યોજવામાં આવશે. ચોંકાવનારી વાત એ છે કે, સ્પષ્ટ બહુમતી છતાં શિંદેને પોતાના શિવસૈનિકો વેંચાઈ જવાનો ડર સતાવી રહ્યો છે, જેના કારણે તેમણે પોતાના કોર્પોરેટરોને તાત્કાલીક ફાઈવર સ્ટાર હોટલમાં શિફ્ટ કરી દીધા છે.
ઠાકરેના નિવેદનથી શિંદે ટેન્શનમાં
કોઈ શિવસેનાના કોર્પોરેટરોને ખરીદી ન લે તે માટે શિંદેએ પોતાના જીતેલા કોર્પોરેટરોને બાંદ્રાની એક ફાઈવ સ્ટાર હોટલમાં શિફ્ટ કરી દીધા છે. વાસ્તવમાં ઉદ્ધવ ઠાકરએ પોતાના કાર્યકર્તાઓને એક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ઠાકરે ભારતની સૌથી અમીર મ્યુનિસિપલ કોર્પોરેશન પર કંટ્રોલ ખોયા બાદ બોલ્યા હતા કે, મુંબઈમાં શિવસેના યુબીટીનો મેયર જોવો તેમનું સ્વપ્ન છે. તેમણે એવું પણ કહ્યું હતું કે, જો ભગવાન ઈચ્છશે તો મારું સ્વપ્ન પુરું થશે. ત્યારે ઠાકરેના આ જ નિવેદનના કારણે શિંદના કોર્પોરેટર કેમ્પમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.
...તો મહાયુતિને થશે મોટું નુકસાન
શિંદેના નેતાઓનું પણ કહેવું છે કે, શિવસેનાએ સાવચેતીના ભાગરૂપે જીતેલા કોર્પોરેટરોને હોટલમાં શિફ્ટ કર્યા છે, જેથી તેઓને પાર્ટી બદલવાથી અટકાવી શકાય. એમ પણ બંને ગઠબંધનની બેઠક જીતવાનો આંકડો નજીક છે. મેયરની ચૂંટણી પણ ટૂંક સમયમાં યોજાવાની છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, શિંદેએ તમામ જીતેલા 29 કોર્પોરેટરોને ત્રણ દિવસ સુધી પાંચ સિતારા હોટલમાં રાખવામાં આવશે. શિવેસનાને ડર છે કે, ઉદ્ધવની શિવસેના યુબીટી શિવસેનાના કોર્પોરેટરોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી શકે છે. જો શિંદેના કોર્પોરેટરો પલટી મારશે તો આવી સ્થિતિમાં મહાયુતિને મોટું નુકસાન થઈ શકે છે.
આ પણ વાંચો : બંગાળમાં 15 વર્ષના ‘મહા જંગલરાજ’ને હટાવવાનો સમય... સિંગુરથી વડાપ્રધાન મોદીનો હુંકાર
ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ !
બીજીતરફ મેયર પદને લઈને ભાજપ અને શિવસેના સામે-સામે આવી ગઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. રિપોર્ટ મુજબ મેયર પદને લઈ અઢી-અઢી વર્ષના કાર્યકાળની માંગ ચાલી રહી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બીએમસીમાં મહાયુતિ ગઠબંધનમાં ભાજપ બાદ સૌથી વધુ શિવસેનાએ 29 બેઠકો જીતી છે, જેના કારણે શિંદેએ મેયર પદ પર દાવો ઠોક્યો છે. શિવસેનાની માંગ છે કે, બીએમસીમાં ભાજપ અને શિવસેનાનો મેયર અઢી-અઢી વર્ષ સુધી કાર્યકાળ સંભાળે. જોકે આ મુદ્દે ફડણવીસે સ્પષ્ટ કહ્યું છે કે, મેયર પદને લઈ શિવેસના સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.
BMC ચૂંટણીની ગણતરી
બીએમસીમાં કુલ સભ્યોની સંખ્યા 227 છે, જ્યારે બહુમતીનો આંકડો 114 છે. મહાયુતિના સાથી પક્ષ ભાજપે 89, એકનાથ શિંદેની શિવસેનાએ 29, અજિત પવારની NCPએ ત્રણ બેઠકો જીતી છે. આમ ગઠબંધને કુલ 121 બેઠકો જીતી છે. એટલે કે ગઠબંધન બુહમતીના આંકડાથી સાત બેઠકો વધુ જીતી છે. બીજીતરફ વિપક્ષની પાર્ટીઓ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ 65, રાજ ઠાકરેની MNSએ 6, કોંગ્રેસે 24 બેઠકો સહિત વિપક્ષે કુલ 106 બેઠકો જીતી છે, જે બહુમતીના આંકડાથી આઠ બેઠકો દૂર છે. આવી સ્થિતિમાં BMCમાં હજુ પણ મોટો ખેલ થવાની સંભાવના છે.
જો 15-20 કોર્પોરેટર પક્ષ પલટો કરશે તો....
BMC ચૂંટણીના ગણિત મુજબ... જો શિંદેના 15થી 20 કોર્પોરેટર પક્ષ પલટો કરે તો મહાયુતિ સાથે મોટો ખેલ થઈ શકે છે. અત્યાર સુધી શિંદે જૂથ અને ઉદ્ધવ જૂથે મળીને બીએમસી પર રાજ કર્યું હતું. ઉદ્ધવની શિવસેનાનો બીએમસીમાં છેલ્લા 25 વર્ષ સુધી રાજ કર્યું છે. આ જ કારણે શિંદેની શિવસેના અઢી વર્ષના કાર્યકાળની માંગ કરી રહ્યું છે. પરંતુ ભાજપે વધુ બેઠકો જીતી હોવાથી એવું લાગી રહ્યું છે કે, ભાજપ શિંદે જૂથની વાત નહીં માને.
આ પણ વાંચો : BMCમાં સત્તાની ખેંચતાણ: ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો ટોણો


