Get The App

ઢાકા પહોંચેલા એસ. જયશંકરે તારિક રહેમાનનો સોંપ્યો PM મોદીનો ખાસ પત્ર, જાણો શું લખ્યું

Updated: Dec 31st, 2025

GS TEAM

Google News
Google News
ઢાકા પહોંચેલા એસ. જયશંકરે તારિક રહેમાનનો સોંપ્યો PM મોદીનો ખાસ પત્ર, જાણો શું લખ્યું 1 - image


Khaleda Zia Death : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન અને બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના અધ્યક્ષ ખાલિદા ઝિયાને બુધવારે સંપૂર્ણ સન્માન સાથે સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. લાંબી માંદગી બાદ 80 વર્ષની વયે તેમનું અવસાન થતા બાંગ્લાદેશમાં રાષ્ટ્રીય શોકનો માહોલ છે. આ દુઃખદ સમયે ભારત તરફથી વિદેશ મંત્રી એસ. જયશંકર ખાસ અંતિમ વિદાય આપવા માટે ઢાકા પહોંચ્યા હતા. જ્યાં તેમણે ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાન સાથે મુલાકાત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિશેષ શોક સંદેશ સોંપ્યો હતો.

પૂર્વ PM ખાલિદા ઝિયાના નિધન પર PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારિક રહેમાનને સંબોધીને લખેલા આ પત્રમાં સંવેદના વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ‘પ્રિય તારિક રહેમાન સાહેબ, તમારી માતા અને બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાના નિધનના સમાચાર સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું છે. આ વ્યક્તિગત ક્ષતિ પર મારી સંવેદનાઓ સ્વીકારો. ઈશ્વર તેમના આત્માને શાંતિ આપે.’

ઢાકા પહોંચેલા એસ. જયશંકરે તારિક રહેમાનનો સોંપ્યો PM મોદીનો ખાસ પત્ર, જાણો શું લખ્યું 2 - image

‘બંને દેશોના સંબંધો મજબૂત બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી’

વડાપ્રધાન મોદીએ વર્ષ 2015ની મુલાકાતને યાદ કરતા પત્રમાં લખ્યું હતું કે, ‘મને જૂન 2015માં ઢાકા ખાતે બેગમ સાહિબા સાથે થયેલી મુલાકાત અને ચર્ચાઓ આજે પણ યાદ છે. તેઓ અદમ્ય સંકલ્પ અને દ્રઢ વિશ્વાસ ધરાવતા અસાધારણ નેતા હતા. બાંગ્લાદેશના પ્રથમ મહિલા વડાપ્રધાન હોવાનું ગૌરવ તેમને પ્રાપ્ત હતું. તેમણે માત્ર બાંગ્લાદેશના વિકાસમાં જ નહીં, પરંતુ ભારત-બાંગ્લાદેશના સંબંધોને મજબૂત બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.’

વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ‘ખાલિદા ઝિયાના નિધનથી પડેલી ખોટ ક્યારેય પુરાય તેમ નથી, પરંતુ તેમનો દ્રષ્ટિકોણ હંમેશા જીવંત રહેશે. મને પૂર્ણ વિશ્વાસ છે કે બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP)ના તમારા સક્ષમ નેતૃત્વમાં તેમના આદર્શો આગળ વધશે અને ભારત-બાંગ્લાદેશના ઐતિહાસિક સંબંધોને નવી દિશા અને ઉર્જા મળશે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ બાંગ્લાદેશની જનતા સાથે છે. હું પ્રાર્થના કરું છું કે ઈશ્વર તમને અને તમારા પરિવારને આ કપરા સમયમાંથી બહાર આવવાની શક્તિ અને ધૈર્ય આપે.’

આ પણ વાંચો : ભારતના ‘પ્રલય’થી કાંપી ઉઠશે દુશ્મન દેશો, બે વખત પરીક્ષણ સફળ

બાંગ્લાદેશના ઈતિહાસમાં ખાલિદા ઝિયા ત્રણ વખત PM બન્યા

ઉલ્લેખનીય છે કે ખાલિદા ઝિયા બાંગ્લાદેશના ઈતિહાસમાં ત્રણ વખત વડાપ્રધાન પદ સંભાળી ચૂક્યા હતા. ભારતના વિદેશ મંત્રીની હાજરી અને પીએમ મોદીનો આ અંગત પત્ર બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધોની ગંભીરતા અને સૌહાર્દ દર્શાવે છે. ખાલિદા ઝિયા છેલ્લા લાંબા સમયથી લિવરની બીમારી, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી ગંભીર સમસ્યાઓથી પીડાતા હતા અને હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા. BNPએ ગઈકાલે (30 ડિસેમ્બર) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર માહિતી આપી હતી કે, ફજરની નમાઝ બાદ સવારે 6 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અવસાનથી બાંગ્લાદેશમાં એક રાજકીય યુગનો અંત આવ્યો છે.

આ પણ વાંચો : પુતિનને મારવા 91 ડ્રોન મોકલાયા હોવાનો રશિયાનો દાવો, જાહેર કર્યો VIDEO