20 મિનિટ પહેલા જ આગની જાણ કરી હતી પણ ડૉક્ટરો ભાગી ગયા, જયપુર અગ્નિકાંડના પ્રત્યક્ષદર્શીની આંખોદેખી
Jaipur Hospital Fire: રાજસ્થાનના જયપુરની સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUમાં ભીષણ આગ લાગી હતી, જેમાં આઠ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. આ ભયાનક અગ્નિકાંડ બાદ હોસ્પિટલની વ્યવસ્થા અને સ્ટાફની બેદરકારી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
સમયસર ધ્યાન ન આપવાનો આરોપ
આ અકસ્માતના એક પ્રત્યક્ષદર્શી, જેમણે તેમની માતાને બચાવી હતી, તેવા શેરુ એ સ્ટાફની ગંભીર બેદરકારીનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે, '20 મિનિટ પહેલા જ ધુમાડો નીકળવા લાગ્યો હતો. અમે સ્ટાફને કહ્યું, પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં. ધીરે ધીરે પ્લાસ્ટિકની નળીઓ ઓગળવા લાગી, અને વોર્ડ બોય ભાગી ગયા. મેં અમારી માતાને બહાર કાઢી હતી. અકસ્માતના બે કલાક પછી પણ મારી માતાને ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમની સ્થિતિ શું છે તે કહેવામાં આવ્યું નથી.'
ઝેરી ગેસને કારણે બચાવ કાર્ય મુશ્કેલ
ફાયર ફાઇટર અવધેશ પાંડેએ આગના ભયાનક દ્રશ્યનું વર્ણન કરતા જણાવ્યું કે, 'એલાર્મ વાગતાની સાથે જ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ આખો વોર્ડ ધુમાડાથી ભરાઈ ગયો હતો અને અંદર પ્રવેશવું અશક્ય હતું.'
ટ્રોમા સેન્ટરના નોડલ ઓફિસર ડૉ. અનુરાગ ધાકડે જણાવ્યું કે, 'હોસ્પિટલ પાસે પોતાના અગ્નિશામક સાધનો હોવા છતાં, ઝેરી ગેસ એટલી ઝડપથી ફેલાઈ ગયો કે સ્ટાફ માટે અંદર રહેવું અશક્ય બની ગયું. કેટલાક દર્દીઓને કોઈક રીતે બચાવી લેવામાં આવ્યા, પરંતુ બાકીના આઠ દર્દીઓને બચાવી શકાયા નહીં.'
આ પણ વાંચો: ભારતના અનેક રાજ્યો સહિત નેપાળમાં વરસાદનું તાંડવ, 105 લોકોના મોત, જનજીવન અસ્ત-વ્યસ્ત
મૃતકોમાં સીકર, ભરતપુર અને આગ્રાના દર્દીઓ
•પિન્ટુ (સીકર)
•દિલીપ (આંધી, જયપુર)
•શ્રીનાથ, રૂકમણી, કુષ્મા (ત્રણેય ભરતપુર)
•સર્વેશ (આગ્રા)
•બહાદુર (સાંગાનેર)
•દિગંબર વર્મા
પરિવારજનોમાં આક્રોશ અને પ્રદર્શન
આગ લાગ્યા પછી પીડિત પરિવારોના સભ્યો ટ્રોમા સેન્ટરની બહાર ગુસ્સે ભરાયા હતા. લોકો રડી રહ્યા હતા અને ડોક્ટરો ક્યાં છે તે અંગે બૂમો પાડી રહ્યા હતા. જ્યારે ગૃહ રાજ્યમંત્રી જવાહર સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમને પણ ટોળાએ ઘેરી લીધા હતા. પીડિત પરિવારના સભ્યોનો સીધો આક્ષેપ છે કે, 'અમે 20 મિનિટ પહેલા સ્ટાફને આગ વિશે જાણ કરી હતી, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું ન હતું. જો સમયસર પગલાં લેવામાં આવ્યા હોત, તો કદાચ અમારા પ્રિયજનો બચી ગયા હોત.' આ ગંભીર બેદરકારી બદલ હોસ્પિટલ પ્રશાસન અને સ્ટાફ સામે શું કાર્યવાહી કરવામાં આવે છે તે જોવું રહ્યું.