Get The App

ભારતના અનેક રાજ્યો સહિત નેપાળમાં વરસાદનું તાંડવ, 105 લોકોના મોત, જનજીવન અસ્ત-વ્યસ્ત

Updated: Oct 6th, 2025

GS TEAM

Google News
Google News
ભારતના અનેક રાજ્યો સહિત નેપાળમાં વરસાદનું તાંડવ, 105 લોકોના મોત, જનજીવન અસ્ત-વ્યસ્ત 1 - image


- પશ્ચિમ બંગાળ, બિહાર, ભૂતાન, નેપાળ અને ઉ.પૂર્વ ભારતમાં તારાજી

- દાર્જીલિંગમાં ભૂસ્ખલનથી 20 સહિત બંગાળમાં વરસાદ-પૂરથી કુલ 40નાં મોત, બિહારમાં વરસાદે 10નો ભોગ લીધો

- તમિલનાડુમાં મૂશળધાર વરસાદથી હોનારત, ગુરુવાર સુધી ભારે વરસાદ અંગે હવામાન વિભાગની એલર્ટ 

- જલપાઈગુડી સહિત બંગાળના અનેક વિસ્તારોમાં જનજીવન ખોરવાયું ભૂતાનમાં વાંગચૂ નદીમાં જળસ્તર વધતા ઉત્તર બંગાળમાં પૂરનું જોખમ

- દાર્જીલિંગમાં રસ્તાઓ બંધ થઈ જવાના કારણે હજારો પ્રવાસીઓ ફસાયાની શક્યતા

Weather news: પશ્ચિમ બંગાળના દાર્જીલિંગમાં વિદાય લેતા વરસાદે રવિવારે વહેલી સવારે ભારે તારાજી ફેલાવી હતી. દાર્જીલિંગમાં પર્વતીય વિસ્તારમાં મૂશળધાર વરસાદના કારણે આવેલા ભૂસ્ખલન અને પૂરથી 20 લોકોનાં મોત થયા હતા. પશ્ચિમ બંગાળના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ - પૂરના કારણે 20 લોકોનો ભોગ લેવાયો હતો. બિહારમાં મૂશળધાર વરસાદના પગલે રોહતાસ જિલ્લામાં શનિવાર રાતથી વહેલી સવાર સુધી ઠેરઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. બિહારમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં કુલ 10 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તમિલનાડુમાં પણ વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું.બીજી બાજુ નેપાળમાં પણ ભારે વરસાદ અને પૂર સહિતની ઘટનાઓમાં 55 લોકોનો ભોગ લેવાયો હતો. 

ઉત્તરીય પશ્ચિમ બંગાળના પ્રવાસન સ્થળ દાર્જીલિંગમાં છેલ્લા કેટલાક દિવસથી આવતા અવિરત વરસાદના કારણે અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા. વરસાદના પગલે થયેલા ભૂસ્ખલનના કારણે અનેક ઘર તણાઈ ગયા હતા અને મિરિક તથા કુરસિયોગને જોડતો લોખંડનો 'ધૂદિયા આયરન' પૂલ તૂટી પડયો હતો. રસ્તાઓને પણ ભારે નુકસાન થયું હતું. અંતરિયાળ ગામોનો દુનિયા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હવામાન વિભાગે  દાર્જીલિંગ, કૂચ બેહાર, કાલિંપોંગ, જલપાઈગુડી અને અલીપુરદ્વાર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી છે.

નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને જિલ્લા સરકારની ટીમોએ રવિવારે દાર્જીલિંગમાં બચાવ કાર્ય શરૂ કર્યું હતું. મુખ્યમંત્રી મમતા બેનરજીએ પીડિતો માટે વળતરની જાહેરાત કરી છે. તેઓ 6 ઑક્ટોબરે ઉત્તર બંગાળનો પ્રવાસ કરશે. મમતાએ રાજ્યમાં 12 કલાકમાં જ 300 મીમીથી વધુ વરસાદ પડતા સાત જગ્યાએ પૂર અને ભૂસ્ખલન થયું હોવાનું જણાવ્યું છે. એનડીઆરએફ અને જિલ્લા તંત્રે જણાવ્યું કે, સરસલી, જસબીરગાંવ, મિરિક બસ્તી, ધાર ગાંવ, નાગરાકાટા અને મિરિક સરોવર જેવા અનેક ક્ષેત્રો ભારે વરસાદના કારણે જળબંબાકાર થઈ ગયા છે. હવામાન વિભાગે દાર્જીલિંગ અને કલિમ્પોંગમાં મંગળવારે પણ ભારે વરસાદની આગાહી કરી છે. દાર્જીલિંગમાં કુદરતી આપત્તિ વચ્ચે પશ્ચિમ બંગાળમાં હવે પૂરનું જોખમ સર્જાયું છે. ભૂતાનના અધિકારીઓએ ચેતવણી આપી છે કે વાંગચૂ નદીનું જળસ્તર એક બાંધથી ઉપર વહી રહ્યું છે. સતત વધતા જળસ્તરના કારણે ઉત્તરીય બંગાળમાં પૂરનું જોખમ વધી શકે છે. ભૂતાનના અધિકારીઓએ આ સંબંધમાં પશ્ચિમ બંગાળ સરકારને કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જણાવ્યું છે. દાર્જીલિંગમાં ભૂસ્ખલન અને રસ્તાઓ બંધ થઈ જવાના કારણે હજારો પ્રવાસીઓ ફસાયા હોવાના અહેવાલો છે. રાજ્ય સરકારે તેમને સુરક્ષિત પાછા લાવવાની વ્યવસ્થા કરવા તૈયારી કરી છે. 

દરમિયાન બિહારમાં મૂશળધાર વરસાદે રોહતાસ જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. શનિવાર-રવિવારની એક જ રાતમાં વરસાદે આખા જિલ્લાને જળમગ્ન કરી દીધો છે. રોહતાસ જિલ્લામાં શહેર હોય કે ગામ દરેક જગ્યાએ પાણી જ પાણી છે. મૂશળધાર વરસાદના કારણે અનેક કાચા મકાનો તૂટી પડયા હતા. બિહારમાં વૈશાલી, રોહતાસ, મુઝફ્ફરપુર, પશ્ચિમ ચંપારણ, ભોજપુર, જેહાનાબાદ, કિશનગંજ અને અરવાલ જેવા વિસ્તારોમાં વરસાદ સંબંધિત ઘટનાઓ તથા વીજળી પડવાના કારણે 10 લોકોનાં મોત થયા હતા તથા અન્ય 13ને ઈજા પહોંચી હતી. અધિકારીઓે કહ્યું કે ભોજપુરમાં મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખનું વળતર અપાયું છે.

દક્ષિણ ભારતમાં તમિલનાડુમાં પણ મૂશળધાર વરસાદે સામાન્ય જનજીવન ખોરવી નાંખ્યું છે. હવામાન વિભાગે તમિલનાડુના 23 શહેરોમાં 9 ઓક્ટોબર સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. અરબસાગરમાં સર્જાયેલા 'શક્તિ' વાવાઝોડાએ તમિલનાડુના વાતાવરણ પર વિપરિત અસર કરી છે.

- નેપાળની તમામ નદીઓ ભયજનક સપાટીએ

નેપાળમાં મેઘ તાંડવ : 55નાં મોત અનેક લોકો ગૂમ, હાઇ એલર્ટ જાહેર

- ભારે વરસાદ અને ભુસ્ખલનની ઘટનાઓને કારણે 20 લાખ લોકોને અસર, રોડ, નાળા ધોવાઇ ગયા હોવાથી રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારે અડચણો

કાઠમાંડુ: ઉત્તર ભારતની જેમ જ નેપાળમાં પણ છેલ્લાં કેટલાક દિવસોથી આવી રહેલી અવિરત વર્ષાએ શનિવાર રાતથી રૌદ્રરૂપ લઈ લીધું છે. દેશના સાતે સાત પ્રાંતો તરબોળ થયા છે. તે પૈકી કોશી, માઘેસ, બાગમતી, ગંડક અને લુમ્બીનીમાં અનારાધાર વર્ષાએ તબાહી બોલાવી દીધી છે. 

નેપાળ આર્મીના જવાનો બચાવ કાર્યમાં લાગી પડયા છે. પરંતુ અવિરત વર્ષાને લીધે બચાવ કાર્યમાં પણ અવરોધ ઉભો થાય છે. અનેક સ્થળોએ જમીન ધસી પડવાથી બચાવ કાર્ય માટે જવાનો તત્કાળ પહોંચી પણ શકતા નથી. જ્યારે મૃત્યુઆંક વધીને 55ને પાર પહોંચી ગયો છે. 

બાગમતી, હનુમંતે, મનોહરા, ધોબી ખોળા, બિષ્ણુમતી, નાખ્ખુ અને બાલ્ખુ નદીઓ તો બે કાંઠે ધમધમી રહી છે. કાંઠા તોડીને તેમનાં જળ આસપાસમાં પ્રસરી રહ્યાં છે. માર્ગો જળમગ્ન બન્યા છે. વાસ્તવમાં માર્ગો નદીઓમાં ફેરવાઈ ગયા છે. માર્ગોને અડીને ઊભેલા ઘરોમાં પાણી પહોંચી ગયાં છે.

 નાગરિકોને અને મોટર ચાલકોને કે રિક્ષા વાળાઓને પણ નદી તરફ નહીં જવા કહેવાઈ ગયું છે. હવામાન ખાતાનો વર્તારો હજી પણ વર્ષા ચાલુ રહેવાની ચેતવણી આપે છે. આ વર્ષે સરેરાશ કરતાં વધુ વર્ષા થવાની તો હવામાન ખાતાંએ ચેતવણી આપી જ દીધી હતી આથી તેઓને તમામ તૈયારીઓ તો શરૂ કરી જ દીધી હતી. 

પરંતુ આ વર્ષે તો ધાર્યાં કરતાં ઘણો વધુ વરસાદ થયો હોવાથી બધી તૈયારીઓ ઓછી પડી છે. ધી નેશનલ ડીઝાસ્ટર રિસ્ક રીડકશન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ કહ્યું હતું કે આ વરસાદ અને ભૂમિ ધસવાથી આશરે 20 લાખ લોકોને અસર થઈ છે. 4,57,145 કુટુંબોને મુશ્કેલી ઉભી થઈ છે. 

ભારત સરકાર એક તરફ દેશમાં જ વરસાદે વેરેલા વિનાશમાં જનતાને મદદ પહોંચાડવામાં વ્યસ્ત છે છતાં નેપાળને તમામ સહાય પહોંચાડવા ખાતરી આપી છે. નેપાળની તમામ નદીઓ તો ગંગાને જ મળે છે તેથી ગંગામાં પૂર આવી રહ્યું છે. તો બીજી તરફ ઉ.પૂ. ભારતમાં પણ ભારે વરસાદથી નદીઓમાં પૂર આવ્યાં છે. બ્રહ્મપુત્રા છલોછલ વહે છે. ગંગા, બ્રહ્મપુત્રા બાંગ્લાદેશનાં ગોવાબંદો પાસે મળે છે. તેથી અત્યારે જ ભારે વરસાદથી પૂરગ્રસ્ત અને બાંગ્લાદેશમાં તબાહી વેરાવાની પૂરી શક્યતા છે.

- મુખ્યમંત્રી મમતા બેનરજી આજે ઉત્તર બંગાળ જશે

- કેન્દ્ર અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવા કટિબદ્ધ : મોદી

- પ્રવાસન સ્થળોમાં ફસાયેલા પ્રવાસીઓને જ્યાં હોય ત્યાં જ રહેવા મુખ્યમંત્રી મમતાની સલાહ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના દાર્જીલિંગમાં ભૂસ્ખલન અને પૂરના કારણે થયેલી જાનહાનિ અને ભારે તારાજી ફેલાવા અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે અસરગ્રસ્ત લોકોને કેન્દ્ર સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. બીજીબાજુ મમતા બેનરજીએ દાર્જીલિંગ તથા આજુબાજુમાં ફસાયેલા લોકોને જ્યાં હોય ત્યાં જ રહેવા સલાહ આપી હતી. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે જણાવ્યું કે, દાર્જિલિંગમાં એક પુલ દુર્ઘટનામાં થયેલી જાનહાનિના સમાચારથી અત્યંત દુઃખી છું. જે લોકોએ પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમના પ્રત્યે સંવેદના છે. ઈજાગ્રસ્તોના ત્વરિત સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. ભારે વરસાદ અને ભૂસ્ખલના કારણે દાર્જીલિંગ અને આજુબાજુના વિસ્તારો પર ચાંપતિ નજર રાખવામાં આવી રહી છે. અમે અસરગ્રસ્ત લોકોને શક્ય તમામ મદદ કરવા માટે કટિબદ્ધ છીએ.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું કે, તેઓ સોમવારે કોલકાતાથી વિમાન માર્ગે સીધા જ ઉત્તર કન્યા પહોંચશે અને ત્યાં ઈમર્જન્સી બેઠક કરશે. તેમણે રવિવારે મુખ્ય સચિવ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ અને સિંચાઈ વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. દાર્જીલિંગ તથા આજુબાજુના પ્રવાસન સ્થળોની હોટેલો અને રિસોર્ટમાં અનેક પ્રવાસીઓ ફસાઈ ગયા છે. તેમને જ્યાં હોય ત્યાં જ રહેવા મમતા બેનરજીએ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રાજ્ય સરકાર કાર્યવાહી કરી રહી છે. 

Tags :