Get The App

જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણો હટાવાયા

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
Jaipur Chomu Bulldozer Action


(IMAGE - IANS)

Jaipur Chomu Bulldozer Action: રાજસ્થાનના જયપુર સ્થિત ચોમુ નગરમાં અતિક્રમણ હટાવવા ગયેલા પોલીસ દળ પર ભીડ દ્વારા કરાયેલા પથરાવની ઘટના બાદ, આજે વહીવટી તંત્ર ફરી એક્શનમાં આવ્યું છે. શુક્રવાર સવારથી જ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં બુલડોઝરની મદદથી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.

શું છે સમગ્ર વિવાદ?

ડિસેમ્બર 2025ના છેલ્લા અઠવાડિયામાં ચોમુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં કલંદરી મસ્જિદ પાસે વર્ષોથી પડેલા પથ્થરો અને લોખંડની રેલિંગ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તંત્રના જણાવ્યા અનુસાર, આ દબાણોને કારણે સતત ટ્રાફિકજામની સમસ્યા રહેતી હતી. 25 ડિસેમ્બરની રાત્રે મસ્જિદ સમિતિ અને નગર નિગમ વચ્ચે વાતચીત બાદ પથ્થરો હટાવવા પર સહમતી બની હતી.

સહમતી છતાં પોલીસ પર થયો હતો હિંસક હુમલો

26 ડિસેમ્બરની સવારે જ્યારે પોલીસે રેલિંગ હટાવવાની કામગીરી શરૂ કરી, ત્યારે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જોતજોતામાં સ્થિતિ તણાવપૂર્ણ બની ગઈ અને ટોળાએ પોલીસ પર પથરાવ શરૂ કરી દીધો. આ હિંસામાં અનેક પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે ટીયરગેસ છોડ્યો હતો અને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સ્થિતિ વધુ ન બગડે તે માટે ઈન્ટરનેટ સેવાઓ પણ સ્થગિત કરી દેવામાં આવી હતી.

24 પથ્થરબાજોના ઘર પર નોટિસ અને આજની કાર્યવાહી

પોલીસ પર હુમલો કરનારા 110થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી હતી, જ્યારે 24 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી. વહીવટી તંત્રએ આ 24 આરોપીઓના ઘર પર નોટિસ ફટકારીને ત્રણ દિવસમાં જવાબ માંગ્યો હતો. સાથે જ 20 ગેરકાયદે કતલખાના અને 4 અન્ય બાંધકામોને પણ હટાવવા માટે 31 ડિસેમ્બર સુધીની મુદત આપી હતી.

આ પણ વાંચો: નવા વર્ષે BSNLની 'ગિફ્ટ' : મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ન લેતા, હવે Wi-Fiથી થશે કોલિંગ

નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ જવાબ ન મળતા અને દબાણ ન હટાવતા, આજે વહીવટી તંત્રએ બુલડોઝરની મદદથી ગેરકાયદે સીડીઓ, રેમ્પ અને પ્લેટફોર્મ તોડી પાડવાની ઝુંબેશ શરૂ કરી છે.

તંત્ર અને સ્થાનિકોનો પક્ષ

તંત્ર અધિકારીઓનું કહેવું છે કે આ કાર્યવાહી સંપૂર્ણપણે કાયદેસર અને કોર્ટના નિર્દેશો મુજબ કરવામાં આવી રહી છે. વારંવાર ચેતવણી આપવા છતાં અતિક્રમણ હટાવવામાં આવ્યું નહોતું. બીજી તરફ, સ્થાનિક લોકોનો આરોપ છે કે તંત્ર પૂરતો સમય આપ્યા વગર બાંધકામો તોડી રહ્યું છે, જેના કારણે મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

હાલમાં કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર ચોમુ નગરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ કાઢવામાં આવી રહી છે અને સ્થિતિ પર ચુસ્ત દેખરેખ રાખવામાં આવી રહી છે.

જયપુરમાં જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં બુલડોઝર એક્શન, ગેરકાયદે દબાણો હટાવાયા 2 - image