Get The App

નવા વર્ષે BSNLની 'ગિફ્ટ' : મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ન લેતા, હવે Wi-Fiથી થશે કોલિંગ

Updated: Jan 2nd, 2026

GS TEAM

Google News
Google News
BSNL Launched VoWiFi Service Nationwide


(IMAGE - IANS)

BSNL Launched VoWiFi Service Nationwide: ભારતની સરકારી ટેલિકોમ કંપની BSNLએ તેના ગ્રાહકો માટે નવા વર્ષની મોટી ભેટ આપતા 1 જાન્યુઆરી, 2026થી દેશભરમાં Voice over WiFi(VoWiFi) સેવા સત્તાવાર રીતે શરૂ કરી દીધી છે. આ સુવિધા BSNLના કરોડો યુઝર્સ માટે ગેમ-ચેન્જર સાબિત થશે, કારણ કે હવે ગ્રાહકો નબળા અથવા બિલકુલ નેટવર્ક ન હોય તેવા વિસ્તારોમાં પણ માત્ર Wi-Fi કનેક્શનની મદદથી હાઈ-ક્વોલિટી વૉઇસ કોલ અને મેસેજ કરી શકશે. 

ખાસ વાત એ છે કે આ સેવા ભારતભરના તમામ સર્કલોમાં ઉપલબ્ધ કરાવી દેવામાં આવી છે, જેનાથી યુઝર્સ તેમના હાલના મોબાઈલ નંબર પર જ વાઈ-ફાઈ કોલિંગનો લાભ ઉઠાવી શકશે અને તેના માટે કોઈ વધારાની થર્ડ-પાર્ટી એપ્લિકેશનની જરૂર પડશે નહીં.

સિગ્નલ વગર પણ થશે વાત, નબળા નેટવર્કની સમસ્યાનો કાયમી ઉકેલ

સામાન્ય રીતે ગ્રામીણ વિસ્તારો અથવા શહેરોમાં ઘરની અંદર, બેઝમેન્ટ કે ઓફિસના એવા ભાગો જ્યાં મોબાઈલ સિગ્નલ પહોંચતા નથી, ત્યાં કોલિંગની મોટી સમસ્યા સર્જાતી હોય છે. BSNLની VoWiFi સેવા આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે. આ ટેકનોલોજી ઈન્ટરનેટ આધારિત વાઈ-ફાઈ નેટવર્કનો ઉપયોગ કરીને કામ કરે છે, જે નેટવર્ક સિગ્નલ ન હોવા છતાં પણ એકદમ સ્પષ્ટ અવાજ(HD ક્વોલિટી) પ્રદાન કરે છે. વધુમાં, આ સુવિધા મોબાઈલ નેટવર્ક અને વાઈ-ફાઈ વચ્ચે સીમલેસ હેન્ડઓવરને સપોર્ટ કરે છે, જેથી જો તમે ચાલુ કોલે વાઈ-ફાઈ રેન્જની બહાર નીકળો તો પણ કોલ કટ થવાની શક્યતા નહિવત રહે છે.

આ પણ વાંચો: કર્ણાટકમાં બેનર મુદ્દે વિવાદ, બે ધારાસભ્યોના સમર્થકો વચ્ચે લોહિયાળ સંઘર્ષ, એકનું મોત

અંતરિયાળ વિસ્તારોને ફાયદો

આ આધુનિક સુવિધાનો લાભ લેવો પણ ખૂબ સરળ છે. મોટાભાગના લેટેસ્ટ સ્માર્ટફોન આ ફીચરને ડિફોલ્ટ રીતે સપોર્ટ કરે છે. ગ્રાહકોએ તેમના ફોનની સેટિંગ્સમાં જઈને 'Mobile Network' અથવા 'Wi-Fi Calling'ના વિકલ્પમાં જઈને તેને માત્ર 'On' કરવાનું રહેશે. એકવાર આ સેટિંગ એક્ટિવ થઈ જાય અને ફોન વાઈ-ફાઈ સાથે કનેક્ટેડ હોય, એટલે તમે તમારા સામાન્ય ડાયલરથી જ કોલ કરી શકશો. BSNLના આ પગલાથી ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં રહેતા અને વર્ક-ફ્રોમ-હોમ કરતા લોકોના કોલિંગ અનુભવમાં મોટો સુધારો જોવા મળશે.

નવા વર્ષે BSNLની 'ગિફ્ટ' : મોબાઈલ સિગ્નલ નહીં હોય તો ટેન્શન ન લેતા, હવે Wi-Fiથી થશે કોલિંગ 2 - image