જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છોડ્યું, આ નેતાના ફાર્મહાઉસમાં શિફ્ટ થશે
Jagdeep Dhankhar: ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યાના એક મહિના પછી જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન છોડીને ધૌલા કુઆનમાં આર્મીના રિસર્ચ એન્ડ રેફરલ હોસ્પિટલમાં ડેન્ટિસ્ટને મળવા ગયા. પ્રાપ્ત માહિતી પ્રમાણે તેમણે ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન ખાલી કરીને છતરપુર એન્ક્લેવ સ્થિત INLD ચીફ અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેવાનો નિર્ણય લીધો છે.
એક અહેવાલ પ્રમાણે 21 જુલાઈના રોજ રાજીનામું આપ્યા પછી ધનખડ લોકોની નજરથી દૂર છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે, 'છેલ્લા એક મહિનાથી તેઓ ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાનની અંદર જ છે અને પોતાના નિવાસસ્થાને પોતાના સંબંધીઓ અને જૂના મિત્રોને મળી રહ્યા છે. આજે તેઓ ડૉક્ટરને મળવા માટે બહાર આવ્યા હતા.'
આ પણ વાંચો: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો
સૂત્રએ એ પણ જણાવ્યું કે, તેમણે સુરક્ષા એજન્સીઓને જાણ કરી છે કે તેઓ સાંજે 5:00 વાગ્યાની આસપાસ છત્તરપુર એન્ક્લેવના ગદાઈપુર ડીએલએફ ફાર્મ્સમાં એક ખાનગી નિવાસસ્થાનમાં શિફ્ટ થઈ જશે. ઘણો સામાન પહેલાથી જ શિફ્ટ કરી દેવામાં આવ્યો છે, જ્યારે ઘણો ઘરનો સામાન ઉપરાષ્ટ્રપતિના સરકારી નિવાસસ્થાનની અંદરના એક ફ્લેટમાં રાખી દેવામાં આવ્યો છે.'
અભય ચૌટાલાએ કરી પુષ્ટિ
અભય ચૌટાલાએ પુષ્ટિ કરી છે કે, ધનખડ ફાર્મહાઉસમાં શિફ્ટ થઈ રહ્યા છે. તેમણે કહ્યું, અમારા જૂના પારિવારિક સંબંધો છે અને તેમણે મારી પાસેથી ઘર માગ્યું નહોતું, મેં તેમને ઘર ઓફર કર્યું હતું.' ધનખડના પત્ની ગત અઠવાડિયે જયપુર ગયા હતા. તમને જણાવી દઈએ કે, ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી 9 સપ્ટેમ્બરે યોજાવાની છે અને જગદીપ ધનખડને ઉપરાષ્ટ્રપતિનું સત્તાવાર નિવાસસ્થાન ખાલી કરવું પડશે. તેઓ ગત વર્ષે એપ્રિલમાં ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનમાં રહેવા ગયા હતા અને સરકારી નિવાસસ્થાન ન મળે ત્યાં સુધી છતરપુર એન્ક્લેવમાં જ રહેશે. ગત અઠવાડિયે તેમણે પૂર્વ ધારાસભ્ય તરીકે પેન્શન માટે રાજસ્થાન વિધાનસભા સચિવાલયમાં ફરીથી અરજી પણ કરી હતી.