પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ધનખડને હજુ સરકારી બંગલો ન ફાળવાયો, પ્રાઈવેટ ઘરમાં શિફ્ટ થવાનો વારો
Jagdeep Dhankhar News : દેશના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ રાજીનામું આપ્યા પછી પણ ઉપરાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાને રહે છે. તેમને હજુ સુધી નવો સરકારી બંગલો મળ્યો નથી. તેની પ્રક્રિયા હજુ પણ ચાલુ છે. આ દરમિયાન એવા સમાચાર મળ્યા છે કે તેઓ ટૂંક સમયમાં દક્ષિણ દિલ્હીના છતરપુર એન્ક્લેવમાં એક ખાનગી નિવાસસ્થાને શિફ્ટ થઈ શકે છે.
સ્વાસ્થ્ય કારણોસર રાજીનામુ આપ્યુ હતું
ઉલ્લેખનીય છે કે ધનખડે 21 જુલાઈના રોજ સ્વાસ્થ્ય કારણોસર પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું. ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી 9 સપ્ટેમ્બરના રોજ યોજાવાની છે અને તે પહેલાં તેમણે સંસદ ભવન સંકુલ નજીક ચર્ચ રોડ પર સ્થિત ઉપરાષ્ટ્રપતિનું નિવાસસ્થાન ખાલી કરવું પડશે.
હવે નવુ સરનામુ કયું?
ધનખડ ગયા વર્ષે એપ્રિલથી ઉપરાષ્ટ્રપતિના નિવાસસ્થાને રહેતા હતા. પરંતુ અત્યાર સુધી તેમને સરકારી નિવાસસ્થાન ફાળવવામાં આવ્યું નથી. નિયમો અનુસાર, ટાઇપ-8 બંગલો ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાનને આપવામાં આવે છે. તેનું સંચાલન ગૃહ અને શહેરી બાબતો મંત્રાલય (એસ્ટેટ ડિરેક્ટોરેટ) દ્વારા કરવામાં આવે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે મંત્રાલયના અધિકારીઓ ધનખડને મળ્યા હતા, પરંતુ આગામી નિવાસસ્થાન અંગે ચર્ચા આગળ વધી શકી નથી. આવી સ્થિતિમાં, ધનખડે છતરપુર એન્ક્લેવમાં એક ખાનગી ઘરને વચગાળાની વ્યવસ્થા તરીકે પસંદ કર્યું છે.