ખડગેને બોલવા દીધા અને નડ્ડાને બેસાડી દીધા... જગદીપ ધનખડના રાજીનામાનું આ પણ એક કારણ?
Jagdeep Dhankhar Resignation: જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ વિપક્ષ દ્વારા વિવિધ અટકળો લગાવાઈ રહી છે. તેમણે સ્વાસ્થ્યનું કારણ આપી રાજીનામું આપ્યું હોવા છતાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમાં એક એવી ચર્ચા ચાલી રહી છે કે, તેઓ સદનમાં અને સદનની બહાર વિપક્ષના નેતાઓને મહત્ત્વ આપી રહ્યા હતા. સરકારના નિર્દેશો હોવા છતાં તેમણે જસ્ટિસ યશવંત વર્મા સામે વિપક્ષના મહાભિયોગ પ્રસ્તાવને સ્વીકાર્યો હતો. સરકાર લાંબા સમયથી ધનખડના બદલાયેલા વલણથી નાખુશ હતી, તેમાં પણ મહાભિયોગનો ઇન્કાર કર્યો હોવા છતાં તેનો પ્રસ્તાવ સ્વીકારતાં અંતર વધ્યું હતું.
ખડગેને તક, નડ્ડાને બેસી જવા હુકમ
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સરકાર પોતે ધનખડ સામે મહાભિયોગ લાવવાનું વિચારી રહી હતી. જ્યારે જગદીપ ધનખડને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પોતે રાજીનામું આપ્યું. અહેવાલ છે કે જગદીપ ધનખડે સંસદમાં વિપક્ષી નેતા મલ્લિકાર્જુન ખડગેને પહલગામ આતંકવાદી હુમલા પર બોલવાની તક આપી હતી, પરંતુ જ્યારે જેપી નડ્ડા ઊભા થયા, ત્યારે તેમને બેસી જવા સૂચન કર્યું. જગદીપ ધનખડે નડ્ડાને હાથના ઈશારાથી બેસવા કહ્યું હતું. જે નડ્ડાને પસંદ આવ્યું ન હતું. વાસ્તવમાં નિયમો અનુસાર, જો કોઈ વિપક્ષી નેતા કોઈ પ્રશ્ન ઉઠાવે છે, તો ગૃહના નેતાને જવાબ આપવાનો અધિકાર છે.
આ પણ વાંચોઃ ચૂંટણી પંચ બચી જશે તેવા ભ્રમમાં ન રહે, મારી પાસે પાક્કા પૂરાવા છે: રાહુલ ગાંધીનો પડકાર
નિર્દેશ બાદ પણ મહાભિયોગ પ્રસ્તાવ સ્વીકાર્યો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જેમ પ્રોટોકોલની માંગ, મંત્રાલયો પર પોતાની તસવીર લગાવવાની માગ જેવી ઘણી વાતો ધનખડે કરી હતી. જેથી તેઓ જેપી નડ્ડાથી ગુસ્સે હતા. એટલે જ તેમણે નડ્ડાને જવાબ આપતાં અટકાવ્યા હોવાના અહેવાલ છે. સામાન્ય રીતે જેપી નડ્ડા શાંત દેખાય છે, પરંતુ જ્યારે તેમને રોકવામાં આવ્યા ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા હતા. વધુમાં સરકારના નિર્દેશો હોવા છતાં ધનખડેએ વિપક્ષનો મહાભિયોગ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. ધનખડનું આ વલણ જ તેમના રાજીનામાનું કારણ બન્યું.
ધનખડ તેમના વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ
આ બાબતથી વાકેફ સૂત્રોએ જણાવ્યું કે, ગયા વર્ષે ડિસેમ્બરમાં વિપક્ષ તરફથી જગદીપ ધનખડ સામે અવિશ્વાસ પ્રસ્તાવ આવ્યો હતો. ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ત્યારબાદથી જગદીપ ધનખડનું વલણ બદલાયું હતું. એક સમયે વસ્તી અસંતુલન પર ખુલ્લેઆમ બોલતા અને ધર્માંતરણ પર ચિંતા વ્યક્ત કરતાં ધનખડ વિપક્ષી નેતાઓ સાથે મિત્રતા કરવા લાગ્યા. તેમણે વિપક્ષી નેતાઓ સાથે ખાનગી બેઠકો કરવાનું શરુ કર્યું અને તેમાં સરકારની ટીકા પણ કરી. એટલું જ નહીં, સરકારને ઘણા મુદ્દાઓ પર તેમનું વલણ પસંદ નહોતું. તેમણે માંગ કરી હતી કે તેમને યુએસ ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે પણ મુલાકાત કરાવવામાં આવે કારણ કે તેઓ તેમના સમકક્ષ છે.