IRCTC Train Ticket Booking New Rule : ભારતીય રેલવેએ ટિકિટ દલાલો અને નકલી સોફ્ટવેર દ્વારા થતી ગેરકાયદેસર બુકિંગ પર લગામ કસવા માટે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી IRCTC યૂઝર્સે જો બુકિંગના પહેલા જ દિવસે એટલે કે 60 દિવસ અગાઉ એડવાન્સ ટિકિટ બુક કરાવવી હશે, તો આધાર લિંક કરાવવું ફરજીયાત છે. રેલવે આ નવા નિયમોને ત્રણ તબક્કામાં લાગુ કરી રહ્યું છે, જેની શરૂઆત આજથી થઈ ગઈ છે.
ત્રણ તબક્કામાં અમલીકરણ
આજે 29 ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કા અંતર્ગત સવારે 8.00 થી બપોરે 12.00 વાગ્યા સુધી આધાર લિંક વગરના યૂઝર્સ ટિકિટ બુક કરાવી શક્યા નથી. જ્યારે બીજો તબક્કો પાંચમી જાન્યુઆરીથી અમલમાં આવશે, જેમાં સવારે 8.00 થી સાંજે 4.00 વાગ્યા સુધી આધાર વગર બુકિંગ પર પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત ત્રીજો તબક્કો 12 જાન્યુઆરીથી લાગુ થશે, જેમાં સવારે 8.00 થી રાત્રે 12.00 વાગ્યા સુધી આધાર લિંક વગરના યૂઝર્સ ટિકિટ બુક કરી શકશે નહીં.
સામાન્ય નાગરિકોને રાહત
આ નિયમ માત્ર રિઝર્વેશન ખુલવાના પ્રથમ દિવસે જ લાગુ પડશે. રેલવેને આ નિર્ણયના કારણે સામાન્ય નાગરિકોને ટિકિટ કન્ફર્મ કરવામાં સરળતા રહેશે. શરૂઆતના ચાર કલાક સુધી એજન્ટ ટિકિટ બુક નહીં કરાવી શકે, આ દરમિયાન યુઝર્સને પુરી તક મળશે. નોંધનીય છે કે પહેલી નવેમ્બર 2024થી રેલવેએ એડવાન્સ બુકિંગનો સમયગાળો 120 દિવસથી ઘટાડીને 60 દિવસ કરી દીધો છે.
આ પણ વાંચો : ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ ! ભારતે 79,000 કરોડના સંરક્ષણ સોદાને આપી મંજૂરી
ઓનલાઈન અને કાઉન્ટર બંને જગ્યાએ OTP જરૂરી
આ ફેરફાર માત્ર ઓનલાઈન બુકિંગ પૂરતો મર્યાદિત નથી. જો તમે રેલવે સ્ટેશનના કાઉન્ટર પર જઈને ટિકિટ લેશો, તો પણ ત્યાં આધાર સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર આવેલો OTP આપવો પડશે. જો તમે અન્ય કોઈ વ્યક્તિ માટે ટિકિટ બુક કરાવી રહ્યા છો, તો તે વ્યક્તિના આધાર અને OTPની પણ જરૂર પડશે. આધાર લિંક વગરના યુઝર્સ શરૂઆતના ચાર કલાક ટિકિટ બુક નહીં કરી શકે, તેમને પછી તક અપાશે, જોકે હાલ કોઈ વિકલ્પ અપાયો નથી.
આધાર લિંક કેવી રીતે કરવું?
IRCTC એકાઉન્ટને આધાર સાથે જોડવા માટે યૂઝર્સે એપ અથવા વેબસાઇટ પર લોગ-ઈન કરી 'My Profile' સેક્શનમાં જવાનું રહેશે. ત્યાં 'Aadhaar KYC' વિકલ્પ પસંદ કરીને જરૂરી વિગતો અપડેટ કરી શકાશે. જે યૂઝર્સનું આધાર લિંક નહીં હોય, તેઓ નિર્ધારિત સમય મર્યાદા પૂરી થયા પછી જ ટિકિટ બુક કરી શકશે. કોઈપણ સમસ્યાના કિસ્સામાં મુસાફરો રેલવે હેલ્પલાઈન નંબર 139 અથવા આધાર સંબંધી પૂછપરછ માટે 1947 પર સંપર્ક કરી શકે છે.
આ પણ વાંચો : શું બેટરીના લીધે ચાંદીના ભાવ વધી રહ્યા છે? ચીનના મોટા નિર્ણયથી ઈલોન મસ્ક પણ ચિંતિત


