Reasons For Rising Silver Prices : બજારમાં અત્યારે સોના કરતાં પણ વધુ ચર્ચા ચાંદીની થઈ રહી છે. ચાંદીના ભાવ આકાશે પહોંચ્યા છે. આ તેજી પાછળ ઈલેક્ટ્રિક વાહનોની વધતી ડિમાન્ડ અને ટેકનોલોજી સેક્ટરમાં ચાંદીનો ઉપયોગ જવાબદાર હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આ તેજી સાથે કેટલીક એવી વાતો પણ વહેતી થઈ છે જે હકીકત કરતાં સોશિયલ મીડિયાની અફવા વધુ લાગે છે.
ચીનના નિર્ણયથી ચાંદીની અછત સર્જાવાની ભીતિ
ચાંદીના ભાવ વધવાનું એક મોટું કારણ ચીનનો નવો નિર્ણય છે. ચીને જાહેરાત કરી છે કે, 1 જાન્યુઆરી-2026થી ચાંદીના નિકાસ માટે સરકારી લાયસન્સ ફરજિયાત રહેશે. મેક્સિકો પછી ચીન વિશ્વમાં 13 ટકા સાથે ચાંદીનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે. ચીનના આ પ્રતિબંધના કારણે વૈશ્વિક બજારમાં ચાંદીની અછત સર્જાવાની ભીતિ છે, જેના પર ઈલોન મસ્કે પણ વાંધો ઉઠાવ્યો છે.
સેમસંગ બેટરી બનાવવા માટે એક કિલો ચાંદી વાપરશે, તેવો દાવો
સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સેમસંગ કંપની નવી ‘સોલિડ-સ્ટેટ બેટરી’ બનાવી રહી છે, જેમાં એક કિલો જેટલી ચાંદી વપરાશે. આ બેટરી 9 મિનિટમાં ફૂલ ચાર્જ થશે અને 900 કિમીની રેન્જ આપશે. અફવા એવી છે કે, સેમસંગની આ ટેકનોલોજી દુનિયાની બધી જ ચાંદી ખાઈ જશે અને તેના કારણે જ ભાવ વધી રહ્યા છે. આ માટે સેમસંગે મેક્સિકોની સિલ્વર સ્ટોર્મ કંપની સાથે ભાગીદારી કરી હોવાની પણ ચર્ચા છે.

હકીકત : એક બેટરીમાં એક કિલો ચાંદી વાપરવી અશક્ય
વાયરલ થઈ રહેલી વાતો અને હકીકત વચ્ચે ઘણો તફાવત છે. સેમસંગ સોલિડ-સ્ટેટ બેટરી પર કામ જરૂર કરી રહ્યું છે, પણ તે હજુ ટેસ્ટિંગ લેવલ પર છે. નિષ્ણાતો મુજબ, એક બેટરીમાં એક કિલો ચાંદી વાપરવી અશક્ય છે, કારણ કે જો એક કિલો ચાંદી વપરાય તો માત્ર બેટરીની કિંમત જ ત્રણ લાખ રૂપિયાથી વધી જાય, જે ઈલેક્ટ્રિક વાહનોને પોષાય તેમ નથી. હકીકતમાં, જો આ ટેકનોલોજી સફળ થાય તો પણ એક બેટરીમાં વધુમાં વધુ 200 ગ્રામ ચાંદી ઉપયોગ થવાની શક્યતા છે.
આ પણ વાંચો : ચીન-પાકિસ્તાનની ઊંઘ હરામ ! ભારતે 79,000 કરોડના સંરક્ષણ સોદાને આપી મંજૂરી
ચાંદીના ભાવ વધવા પાછળનું કારણ
ચાંદીના ભાવ વધવા પાછળનું અસલી કારણ ડિમાન્ડ અને સપ્લાયનો ગેપ છે. છેલ્લા પાંચ વર્ષથી સપ્લાય ઓછી છે અને ડિમાન્ડ સતત વધી રહી છે. માત્ર બેટરી જ નહીં, પણ સોલર પેનલ, 5G ટેકનોલોજી, મેડિકલ ઉપકરણો અને ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે ચાંદીનો કોઈ સસ્તો વિકલ્પ ન હોવાથી તેની માંગમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે.

ચાંદીની કિંમતોમાં ઐતિહાસિક વધ-ઘટ
MCX વાયદા બજારમાં ચાંદીએ આજે 2,54,174 રૂપિયાની ઐતિહાસિક સપાટી સ્પર્શીને નવો રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, આ ઉંચી સપાટીએ પહોંચ્યા બાદ અચાનક પ્રોફિટ બુકિંગ આવતા એક જ દિવસમાં 21,054 રૂપિયાનો મોટો કડાકો પણ જોવા મળ્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે વર્ષ 2026માં ચાંદી રૂ.3,00,000 પ્રતિ કિલોને પાર અને સોનું રૂ.1,60,000ને પાર જઈ શકે છે.


