UPના બરેલીમાં જુમ્માને લઈને એલર્ટ, બે દિવસ માટે ઈન્ટરનેટ બંધ, ચાર જિલ્લાઓમાં હાઈ એલર્ટ
Uttar Pradesh News: દશેરા ઉત્સવ દરમિયાન જુમ્માની નમાઝને લઈને તંત્ર દ્વારા ઉત્તરપ્રદેશના બરેલી મંડળના ચાર જિલ્લામાં કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ, પીએસી અને આરએએફના જવાનોને તૈનાત કરાયા છે. સાથે જ ડ્રોન દ્વારા દેખરેખ રખાઈ રહી છે. અધિકારીઓએ માહિતી આપી છે કે, ગુરૂવાર (2 ઓક્ટોબર) બપોરે 3 વાગ્યાથી ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે. આ પ્રતિબંધ શનિવાર બપોર સુધી રહેશે. આ અગાઉ પણ ઈન્ટરનેટ 48 કલાક માટે બંધ કરી દેવાયું હતું.
ઉત્તરપ્રદેશ સરકારના ગૃહ સચિવ ગૌરવ દયાલે આદેશ પણ જાહેર કર્યા છે. ગૃહ સચિવે આદેશમાં લખ્યું છે કે, બરેલીમાં કાયદો વ્યવસ્થા બગડવાની સ્થિતિ બની શકે છે. તેનાથી જાન-માલને નુકસાન પણ થઈ શકે છે. SMS અને વોટ્સએપની સાથે ફેસબુક અને યૂટ્યુબ સહિતના અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા લોકોની ભાવનાઓને ભડકાવવાનો પ્રયાસ કરાઈ શકે છે. તેને જોતા ઈન્ટરનેટના દુરુપયોગને રોકવા માટે ગુરૂવારથી 4 ઓક્ટોબર સુધી ટેલિકોમ સેવાઓ જેમ કે, મેસેજિંગ, ઇન્ટરનેટ અને બ્રોડબેન્ડ સેવાઓ સ્થગિત કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
ચાર જિલ્લાઓમાં હાઈએલર્ટ
ડિવિઝનલ કમિશ્નર ભૂપેન્દ્ર એસ. ચૌધરીએ જણાવ્યું કે, બરેલીમાં હાલમાં થયેલી હિંસા બાદ આજે દશેરાના તહેવારને ધ્યાને રાખીને બરેલી, શાહજહાંપુર, પીલીભીત અને બદાયૂ જિલ્લાઓ માટે હાઈએલર્ટ જાહેર કરી દેવાયું છે.
પોલીસ અધિકારીઓએ ભીડભાડ વાળા કાર્યક્રમો રામલીલા, દુર્ગા પૂજા મેળા અને રાવણ દહન કાર્યક્રમો દરમિયાન એલર્ટ રહેવાના વિશેષ નિર્દેશ અપાયા છે. વિજયાદશમી અને તેનાથી જોડાયેલા તહેવારોનું શાંતિપૂર્ણ આયોજન થઈ શકે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને દેખરેખ રખાઈ રહી છે.
આ પણ વાંચો: ભારતની લોકશાહી પર હુમલા, દેશમાં ધર્મના નામે તિરાડો... કોલંબિયામાં રાહુલ ગાંધીના પ્રહાર
ચૌધરીએ અધિકારીઓને અસામાજિક તત્ત્વોને યોગ્ય જવાબ આપવાના નિર્દેશ આપ્યા છે અને કર્તવ્યમાં કોઈપણ પ્રકારની બેદરકારી રાખનાર વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરાશે.
26 સપ્ટેમ્બરે બરેલીમાં થઈ હતી હિંસા
બરેલી સહિત અન્ય જિલ્લાઓમાં હાઈ એલર્ટ સંબંધી પગલા ગત 26 સપ્ટેમ્બરે બરેલીમાં પોલીસ અને ટોળા વચ્ચે થયેલી હિંસક અથડામણ બાદ લેવાયા હતા. ગત શુક્રવારે જુમ્માની નમાઝ બાદ કોતવાલી વિસ્તારની એક મસ્જિદની બહાર 2000થી વધુ લોકોની ભીટ એકઠી થઈ ગઈ હતી. આ દરમિયાન પથ્થરમારો અને લાઠીચાર્જમાં કેટલાક પોલીસ કર્મચારીઓ સહિત અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ હિંસા ઇત્તેહાદ-એ-મિલ્લત કાઉન્સિલના અધ્યક્ષ મૌલાના તૌકીર રઝા ખાં દ્વારા 'આઈ લવ મોહમ્મદ' પોસ્ટર વિવાદને લઈને જાહેર કરાયેલા વિરોધ પ્રદર્શનને રદ કરાયા બાદ શરૂ થઈ.
![]() |