ભારતની લોકશાહી પર હુમલા, દેશમાં ધર્મના નામે તિરાડો... કોલંબિયામાં રાહુલ ગાંધીના પ્રહાર
Rahul Gandhi: લોકસભામાં વિપક્ષ નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કોલંબિયામાંથી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, ભારતમાં લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. લોકશાહીમાં વિવિધ વિચારોને સમાવિષ્ટ કરવા જોઈએ. રાહુલ ગાંધીએ ભારત અને ચીન વચ્ચેના સંબંધો મુદ્દે પણ વાત કરી હતી.
રાહુલ ગાંધીના કેન્દ્ર સરકાર પર પ્રહાર
નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે ભારત માટે સૌથી મોટો ખતરો ‘લોકશાહી પર હુમલો’ છે. કોલંબિયાની EIA યુનિવર્સિટીમાં એક વાર્તાલાપમાં રાહુલ ગાંધીએ કહ્યું, 'ભારતમાં ઘણાં ધર્મ, પરંપરા અને ભાષા છે. લોકશાહી વ્યવસ્થા દરેક માટે સ્થાન પૂરું પાડે છે. પરંતુ હાલમાં, લોકશાહી વ્યવસ્થા પર ચારે બાજુથી હુમલો થઈ રહ્યો છે.' રાહુલ ગાંધીના આ આક્ષેપ પર ભાજપે આકરો જવાબ આપતાં તેમને 'પ્રોપેગેન્ડાના નેતા' કહ્યા છે. તેમના પર વિદેશી ધરતી પર ભારતીય લોકશાહીને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે.
ચીન સાથેના સંબંધો મુદ્દે પણ વાત કરી
આ કાર્યક્રમમાં રાહુલ ગાંધીને પૂછવામાં આવ્યું હતું કે શું ભારત અને ચીન આગામી 50 વર્ષમાં વિશ્વનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, 'મને ચીન વિશે ખબર નથી, પરંતુ મને નથી લાગતું કે ભારત પોતાને વિશ્વ નેતા માને છે. વૈશ્વિક પરિદૃશ્યમાં ભારતની વધતી જતી સુસંગતતા અંગેના પ્રશ્નના જવાબમાં રાહુલ ગાંધીએ કહ્યું, 'ભારતમાં તેના 1.4 અબજ લોકો સાથે પ્રચંડ ક્ષમતા છે. પરંતુ ભારતમાં ચીનથી સંપૂર્ણપણે અલગ વ્યવસ્થા છે. ચીન ખૂબ જ કેન્દ્રિય અને એકરૂપ છે. ભારત વિકેન્દ્રિત છે અને તેમાં અનેક ભાષાઓ, સંસ્કૃતિઓ, પરંપરાઓ અને ધર્મો છે. ભારતમાં ઘણી જટિલ વ્યવસ્થા છે.'
નોંધનીય છે, રાહુલ ગાંધી છેલ્લા કેટલાક સમયથી સતત મોદી સરકાર પર હુમલો કરી રહ્યા છે. વોટ ચોરી, બિહારમાં SIR પ્રક્રિયા તેમજ લદ્દાખમાં સોનમ વાંગચુકની ધરપકડ જેવા અનેક મુદ્દાઓ પર કોંગ્રેસના નેતા કેન્દ્ર સરકાર પર આક્ષેપો કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર લદ્દાખના લોકો સાથે દગો કરવાનો આરોપ મૂક્યો છે. લદ્દાખમાં પોલીસ ગોળીબારમાં માર્યા ગયેલા ચાર આંદોલનકારીઓના મોતની નિષ્પક્ષ ન્યાયિક તપાસની માંગ પણ કરી હતી.
ભારત વિશ્વને ઘણું બધું આપી શકે, પણ...
આગળ રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત વિશ્વને ઘણું બધું આપી શકે છે, અને તે ખૂબ જ આશાવાદી છે. પરંતુ હાલ ભારતીય માળખામાં ખામીઓ છે, એવા જોખમો છે જેને ભારતે દૂર કરવાના છે. સૌથી મોટું જોખમ લોકશાહી પર થઈ રહેલો હુમલો છે. ભારત તેના બધા લોકો વચ્ચે વાતચીતનું કેન્દ્ર છે. વિવિધ પરંપરાઓ, ધર્મો અને વિચારો માટે જગ્યાની જરૂર પડે છે. અને તે જગ્યા બનાવવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ લોકશાહી વ્યવસ્થા છે. અને હાલમાં, ભારતમાં લોકશાહી વ્યવસ્થા પર મોટા પાયે હુમલો થઈ રહ્યો છે.
બીજું જોખમ દેશના વિવિધ ભાગો વચ્ચે પડેલી તિરાડ છે. લગભગ 16-17 વિવિધ ભાષાઓ અને વિવિધ ધર્મ તથા વિવિધ પરંપરાઓને ખીલવા દેવી, અભિવ્યક્તિનું સ્વાતંત્ર્ય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. આપણે ચીન જે કરે છે તે કરી શકતા નથી લોકોને દબાવવા અને સરમુખત્યારશાહી વ્યવસ્થા ચલાવી શકીએ નહીં.