India

તહેવારોની ખુશીઓમાં જ મોંઘવારીનું ગ્રહણ: છૂટક ફુગાવો વધીને 5.54 ટકા, ડુંગળીએ લોકોને આંસુ કઢાવ્યા!

By GS Team
12 Oct 20262 mins read
TukuTouch Logo
દેશમાં સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર 5.54% થયો છે, જે ઓગસ્ટમાં 4.82% હતો. ખાસ કરીને ખાદ્ય મોંઘવારી 7.74% પર પહોંચી, જે સામાન્ય જનતા માટે ચિંતાનો વિષય છે. ડુંગળીના ભાવમાં 108.09%નો જંગી વધારો થયો છે, જ્યારે બટાકા અને ટામેટાં સહેજ સસ્તા થયા છે. આ આંકડા MoSPI દ્વારા જાહેર કરાયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

તહેવારોની ખુશીઓમાં જ મોંઘવારીનું ગ્રહણ: છૂટક ફુગાવો વધીને 5.54 ટકા, ડુંગળીએ લોકોને આંસુ કઢાવ્યા!

Retail Inflation India : દેશમાં તહેવારોની સિઝન શરૂ થાય તે પહેલાં જ સામાન્ય જનતાને મોંઘવારીના મોરચે મોટો ઝટકો લાગ્યો છે. સોમવારે જાહેર કરાયેલા આંકડા ચિંતા વધારનારા છે. સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી દર ઝડપથી વધીને 5.54% પર પહોંચી ગયો છે. અગાઉ ઓગસ્ટ મહિનામાં આ દર 4.82% નોંધાયો હતો, એટલે કે માત્ર એક જ મહિનામાં તેમાં 0.72%નો વધારો થયો છે. ખાસ કરીને ખાવા-પીવાની ચીજવસ્તુઓના ભાવ વધારાને કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

ખાદ્ય મોંઘવારી દર 8%ની નજીક

સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા જાહેર કરાયેલા કામચલાઉ આંકડા અનુસાર, સપ્ટેમ્બર મહિનામાં છૂટક મોંઘવારી વધીને 5.54% અને ખાદ્ય મોંઘવારી દર વધીને 7.74% પર પહોંચી ગયો છે. આ આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે, ખાવા-પીવાની ચીજોના વધતા ભાવોએ સામાન્ય પરિવારોના માસિક બજેટને ખોરવી નાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.

મોંઘવારીની ગણતરી કેવી રીતે થાય છે?

છૂટક મોંઘવારીનો વાર્ષિક દર કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(CPI) પર આધારિત હોય છે, જ્યારે ખાદ્ય મોંઘવારીને કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઇન્ડેક્સ(CFPI) દ્વારા માપવામાં આવે છે. આ બંને સૂચકાંકોમાં સપ્ટેમ્બર 2026ના ડેટાની સરખામણી પાછલા વર્ષના સમાન મહિના સાથે કરવામાં આવે છે.

ગ્રામીણ અને શહેરી વિસ્તારોની સ્થિતિ

ગ્રામીણ ભારતમાં કિંમતોનું દબાણ ઘણું વધારે નોંધાયું છે. સપ્ટેમ્બરમાં ગ્રામીણ વિસ્તારોમાં છૂટક મોંઘવારી 6.08% રહી, જ્યારે શહેરી વિસ્તારોમાં તે 4.88% નોંધાઈ હતી. ખાદ્ય મોંઘવારીની વાત કરીએ તો તે ગ્રામીણ વિસ્તારોમાં 8.06% અને શહેરી વિસ્તારોમાં 7.18% રહી હતી. સમગ્ર દેશમાં સરેરાશ ખાદ્ય મોંઘવારી દર 7.74% નોંધાયો છે.

ડુંગળીના ભાવ આસમાને, ચાંદીની ચમક વધી

સપ્ટેમ્બર મહિનામાં મોંઘવારીનો સૌથી મોટો માર ડુંગળી પર પડ્યો છે. વાર્ષિક ધોરણે ડુંગળીના ભાવમાં 108.09%નો જંગી વધારો નોંધાયો છે, જે અગાઉ ઑગસ્ટમાં 48.78% હતો. આ ઉપરાંત ચાંદીના ઘરેણાં પર મોંઘવારી દર 87.80% રહ્યો છે. આદુના ભાવમાં 62.85%નો ઉછાળો આવ્યો છે, જ્યારે લસણનો મોંઘવારી દર અગાઉના મહિનાના 43.60%થી વધીને 54.62% થઈ ગયો છે. લીંબુના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે અને તેના પર મોંઘવારી દર 36.41% પર પહોંચી ગયો છે.

બટાકા અને ટામેટાંમાં રાહત

બીજી તરફ, સામાન્ય ગ્રાહકો માટે કેટલીક ચીજોમાં રાહતના સમાચાર પણ સામે આવ્યા છે. વાર્ષિક ધોરણે બટાકાના ભાવમાં 11.50%નો ઘટાડો નોંધાયો છે, જ્યારે ટામેટાંના ભાવમાં 8.62%નો ઘટાડો જોવા મળ્યો છે. સપ્ટેમ્બરમાં મોટર કાર, જીપ, ભીંડા અને નાળિયેરના ભાવમાં પણ મોંઘવારી દર નકારાત્મક રહ્યો છે.

MoSPIના જણાવ્યા અનુસાર, આ ડેટા ઓનલાઇન બજારો સહિત દેશભરના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 1,407 શહેરી બજારો તેમજ 1,465 ગામડાઓમાંથી એકત્રિત કરવામાં આવ્યા છે. સપ્ટેમ્બર મહિના દરમિયાન ગ્રામીણ અને શહેરી બંને બજારોમાં પ્રતિભાવ દર 100% રહ્યો હતો.