ભાજપ MLAના પુત્રના લગ્નમાં રૂ.70 લાખના ફટાકડાં! મંદિરના ગર્ભગૃહમાં વરમાળા પહેરાવતા વિવાદ

Indore MLA Golu Shukla' Son Wedding Controversy: મધ્ય પ્રદેશના ઇન્દોરમાં ભાજપના ધારાસભ્ય રાકેશ ઉર્ફે ગોલુ શુક્લાના પુત્ર અંજનેશના લગ્ન હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ લગ્નમાં જોવા મળેલી ભવ્યતા અને શાન-ઓ-શૌકત એવી હતી કે લોકો જોતા જ રહી ગયા. જોકે, ભવ્યતાની સાથે સાથે હવે આ લગ્ન એક મોટા વિવાદમાં પણ ફસાયા છે.
₹70 લાખની આતશબાજી અને CMની હાજરી
આ લગ્ન સમારોહમાં મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ સહિત ભાજપના અનેક મોટા નેતાઓ હાજર રહ્યા હતા. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસના પણ ઘણાં નેતાઓ નવદંપતીને આશીર્વાદ આપવા પહોંચ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ લગ્નમાં માત્ર આતશબાજી પાછળ જ ₹70 લાખનો ધૂમ ખર્ચ કરવામાં આવ્યો હતો. આકાશને રોશનીથી ભરી દેનારી આ આતશબાજીના વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યા છે.
ખજરાના ગણેશ મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશનો વિવાદ
લગ્નની ભવ્યતા બાદ હવે અંજનેશ શુક્લાના લગ્નને લઈને એક નવો વિવાદ સામે આવ્યો છે. 11 ડિસેમ્બરે લગ્ન કર્યા બાદ, અંજનેશ પોતાની પત્ની સિમરન સાથે ઇન્દોરના પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિરમાં દર્શન કરવા પહોંચ્યો હતો. મંદિરમાં સામાન્ય લોકો માટે ગર્ભગૃહમાં પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં, ધારાસભ્યના પુત્રએ માત્ર ગર્ભગૃહમાં એન્ટ્રી જ ન કરી, પરંતુ ગણેશજીની પ્રતિમા સામે એકબીજાને વરમાળા પણ પહેરાવી.
શું વહીવટી તંત્ર કાર્યવાહી કરશે?
કોરોના કાળ બાદ વહીવટી તંત્ર અને મંદિર સમિતિએ ગર્ભગૃહમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ પર રોક લગાવી છે. ત્યારે ધારાસભ્યના પુત્ર દ્વારા નિયમોના ભંગ બદલ સોશિયલ મીડિયા પર લોકો આકરા પ્રહારો કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર અને મંદિર સમિતિ આ મામલે શું ઍક્શન લે છે, કારણ કે આ ઘટનાએ 'નિયમો બધા માટે સમાન' હોવા પર સવાલ ઊભા કર્યા છે.
આ પણ વાંચો: ભારતની તમામ કૉલેજ-યુનિવર્સિટીઓ પર 'નજર' રખાશે! નવા નિયમોથી કોને કેટલો લાભ?
અગાઉ પણ વિવાદો સાથે જોડાયેલું છે ભાજપના ધારાસભ્યનું નામ
ગોલુ શુક્લાનો પરિવાર અગાઉ પણ આવા વિવાદોમાં આવી ચૂક્યો છે:
મહાકાલ મંદિર: ઉજ્જૈનના મહાકાલ મંદિરના ગર્ભગૃહમાં પણ જબરદસ્તી પ્રવેશ કરવા બદલ વિવાદ થયો હતો.
ચામુંડા માતા મંદિર: નાના પુત્ર રુદ્રાક્ષ શુક્લા પર દેવાસના મંદિરના પટ જબરદસ્તી ખોલાવવા અને પુજારીઓને ધમકાવવાનો આરોપ લાગ્યો હતો. આ તમામ વિવાદો બાદ અગાઉ ગોલુ શુક્લાએ જાહેરમાં માફી પણ માંગવી પડી હતી, ત્યારે ફરી એકવાર તેમના પુત્રની હરકતે તેમને ચર્ચામાં લાવી દીધા છે.

