ખાવાના શોખીનો માટે જાણીતું છે આ શહેર, જ્યાં સ્વાદ અને સંસ્કૃતિનું જોવા મળે છે મિલન
Indore: ખાવાના શોખીનો હંમેશા ખાવા માટે નવી-નવી જગ્યાઓ શોધતા રહે છે. આમ તો ભારતના દરેક શહેર અને ઘરની શેરીમાં ખાવાની સુગંધ તમને તેના તરફ ખેંચી લઈ જશે. પરંતુ મધ્યપ્રદેશનું ઈન્દોર પોતાની સ્વાદિષ્ટ વાનગીઓ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ શહેર પોતાની ઐતિહાસિક પૃષ્ઠભૂમિના કારણે તો પ્રખ્યાત છે જ પરંતુ આ સાથે જ અહીંની વાનગીઓનો સ્વાદ એક વાર ચાખી લીધો તો તેનો ભૂલવો મુશ્કેલ છે.
જો તમે ભારતના એ શહોરોની તલાશમાં છો જે માત્ર સ્વાદ જ નહીં પરંતુ સંસ્કૃતિ અને ઈતિહાસની ઝલક પણ પીરસે છે, તો મધ્યપ્રદેશનું ઈન્દોર તમારું ખુલ્લા દિલથી સ્વાગત કરશે. ઈન્દોર જે પોતાની સ્વચ્છતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તે પોતાના સ્ટ્રીટ ફૂડ અને પરંપરાગત વાનગીઓ માટે પણ ખાવાના શોખીનોનું દિલ જીતી રહ્યું છે. પ્રવાસીઓ વચ્ચે તેનું સ્ટ્રીટ ફૂડ એક અલગ જ ઓળખ ધરાવે છે.
ઈન્દોરના ફૂડની શું છે વિશેષતા
ઈન્દોરનું ભોજન માત્ર સ્વાદ પૂરતું જ મર્યાદિત નથી. તે શહેરની જીવંત સંસ્કૃતિ, માલવા સંસ્કૃતિની મીઠાશ અને મધ્ય ભારતીય મસાલાઓનો તડકો છે. અહીંનું સ્ટ્રીટ ફૂડ મસાલેદાર, ચટપટું અને મીઠા-તીખાનું અનોખું મિશ્રણ છે. ઈન્દોરની સૌથી મોટી વિશેષતા તેની પોહા-જલેબી છે. હળવા મસાલા, સેવ, દાડમના બીજ અને લીંબુના રસ સાથે પીરસવામાં આવતા પોહા અને તેની સાથે ગરમ-ગરમ જલેબીનો મીઠો સ્વાદ ઈન્દોરની સવારને વધુ ખાસ બનાવે છે.
ઈન્દોરની શેરીઓમાં દરેક પગલે ભુટ્ટે કા કીસ, ગરાડુ અને ખોપરા પેટીસ જેવી વાનગીઓ તમને મળી જશે. નોનવેજના દિવાના માટે ભોપાલી સ્ટાઈલ મટન બિરયાની અને કીમા પરાઠાનો સ્વાદ પણ અનોખો છે. ઈન્દોરનું ભોજન માલવા અને રાજસ્થાની પ્રભાવનું મિશ્રણ છે, જે તેને દિલ્હી અથવા મુંબઈ જેવા અન્ય મોટા શહેરો કરતા અલગ બનાવે છે.
ઈન્દોરમાં ખાવાની પ્રખ્યાત જગ્યા
સર્રાફા બજાર
આ એ બજાર છે જે આખી રાત ગુંજતુ રહે છે, તે માત્ર મધ્યપ્રદેશમાં જ નહીં પરંતુ આખા દેશમાં પ્રખ્યાત છે, જે કોઈ પણ ઈન્દોર જાય છે, તે એકવાર સર્રાફા બજાર ન જાય તો તેની ટ્રીપ અધૂરી માનવામાં આવે છે. આ એક એવી જગ્યા છે જ્યાં તમને ઈન્દોરનો વાસ્તવિક સ્વાદ મળશે. રાત્રે 8:00 વાગ્યાથી મોડી રાત સર્રાફા અને છપ્પન દુકાનમાં રોનક રહે છે. સર્રાફામાં જોશી દહીં વડાની મસાલેદાર દહીં પુરી અથવા સવાઈ રામની કચોરીનો સ્વાદ અવિસ્મરણીય છે.
છપ્પન દુકાન
આ ઈન્દોરનું સૌથી પ્રખ્યાત ફૂડ હબ છે. અહીં 56 દુકાનો એક સાથે તમને દરેક પ્રકારનો સ્વાદ પીરસે છે. પોહા-જલેબીથી લઈને દહીં વડા, કચોરી અને ઢોસા અહીં બધુ જ મળી જાય છે.
આ પણ વાંચો: રાજ્યની 8 મોટી દુર્ઘટના, જેમાં સરકારના 'કડક પગલાં' માત્ર કાગળ પર જ રહ્યા
જોની હોટ ડોગ
અહીંનું વેજ બર્ગર અને હોટ ડોગ ખૂબ જ લોકપ્રિય છે.
વિજય ચાટ હાઉસ
ચટપટી દહીં પૂરી અને ભેલ પૂરી માટે પ્રખ્યાત આ દુકાન પર તમે 100 રૂપિયામાં પેટ ભરીને ખાઈ શકો છો.
મુંબઈ, દિલ્હી અને કોલકાતા જેવા મોટા શહેરોની તુલનામાં ઈન્દોર માત્ર તેના સ્વાદ માટે જ નહીં, પરંતુ પોતાની સાદગી અને આતિથ્ય માટે પણ જાણીતું છે. પ્રવાસીઓ માટે ઈન્દોરના રાજવાડા, હોલકર પેલેસ અને લાલ બાગ જેવા સ્થળો ફરવાની સાથે-સાથે ખાવાનો અનુભવ તેને એક પરફેક્ટ ડેસ્ટિનેશન બનાવે છે. ઈન્દોરનું સ્ટ્રીટ ફૂડ સીન આખું વર્ષ ખુલ્લું રહે છે, પરંતુ શિયાળા (ઓક્ટોબર-ફેબ્રુઆરી)માં અહીંનું હવામાન અને ખાવાની મજા બમણી થઈ જાય છે.