ધીમે ધીમે ઈન્ડિગોના હાલ સુધરી રહ્યા છે, રાજકારણ ન કરે રાહુલ ગાંધી: કેન્દ્ર સરકારનો જવાબ

IndiGo Flight Cancellations Trigger Political Row Between Govt and Rahul Gandhi | છેલ્લા કેટલાક દિવસથી ભારતની સૌથી મોટી એરલાઈન કંપની ઈન્ડિગો સંકટમાં ફસાઈ છે. દરરોજ સેંકડોની સંખ્યામાં ફ્લાઈટ્સ રદ કરવામાં આવી રહી છે. જેના કારણે હજારો મુસાફરો એરપોર્ટ પર રઝળી રહ્યા છે. એવામાં કેન્દ્ર સરકાર અને વિપક્ષ એકબીજા પર આરોપ અને પ્રત્યારોપ કરી રહ્યા છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ એવિએશન સેક્ટરમાં મોનોપોલી ( ઈજારાશાહી ) મુદ્દે સવાલ ઉઠાવ્યા તો કેન્દ્રીય મંત્રીએ જવાબ આપ્યો છે કે આ મુદ્દે રાજકારણ કરવું જોઈએ નહીં.
રાહુલ ગાંધીને કેન્દ્ર સરકારનો જવાબ
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ કહ્યું છે, કે રાહુલ ગાંધીએ સમજવું જોઈએ કે આ જનતાથી જોડાયેલો મુદ્દો છે જેના પર રાજકારણ ન કરવું જોઈએ. સરકાર એવિએશન સેક્ટરમાં પ્રતિસ્પર્ધા વધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. જેના માટે સંસદથી કાયદો પણ પસાર કરાયો છે. છેલ્લા ત્રણ દિવસથી અમે ઈન્ડિગો સંકટ મામલે કામ કરી રહ્યા છે. અમે ઈન્ડિગો, એરપોર્ટ સંચાલકો સાથે સતત ચર્ચા કરી રહ્યા છીએ. મુસાફરોને એરપોર્ટ પર અસુવિધા ન થાય તેના પર અમારું ધ્યાન કેન્દ્રિત છે.
ધીમે ધીમે સ્થિતિ સામાન્ય થતી હોવાનો સરકારનો દાવો
રામ મોહન નાયડુએ દાવો કર્યો છે કે એરપોર્ટ સંચાલન હવે મોટા ભાગે સામાન્ય થઈ ગયું છે. તેમણે કહ્યું, કે તમે ખુદ જોઈ શકો છો કે સ્થિતિ સામાન્ય થઈ રહી છે. સરકારે ઈન્ડિગોને વહેલામાં વહેલી તકે સંચાલન સામાન્ય કરવા નિર્દેશ આપ્યા છે. મુસાફરોના હિતમાં બેગેજ ક્લેમ અને રિફંડ માટે પણ આદેશ અપાયા છે. આ સિવાય તમામ એરલાઈન્સ કંપનીઓને આદેશ આપી મહત્તમ ભાડું પણ નક્કી કરવામાં આવ્યું છે.
ઈન્ડિગો વિરુદ્ધ કાર્યવાહી મામલે તેમણે કહ્યું, કે DGCAના ચાર અધિકારી સમગ્ર મામલે વિસ્તૃત તપાસ કરશે. જેના આધારે સરકાર કડકમાં કડક પગલાં લેશે.

