Get The App

ઈન્ડિગો સંકટ પર PMOની નજર, સરકારની કાર્યવાહી બાદ એરલાઈન્સે 10 દિવસનો સમય માગ્યો

Updated: Dec 6th, 2025

GS TEAM

Google News
Google News
ઈન્ડિગો સંકટ પર PMOની નજર, સરકારની કાર્યવાહી બાદ એરલાઈન્સે 10 દિવસનો સમય માગ્યો 1 - image


Indigo Crisis : છેલ્લા ચાર-પાંચ દિવસથી દેશભરમાં હવાઈ યાતાયાત સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે, જેમાં બજારમાં 60 ટકા હિસ્સો ધરાવતી ઈન્ડિગો એરલાઇન્સ સૌથી વધુ અસરગ્રસ્ત છે. નવા FDTL (ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન) નિયમોને કારણે ઈન્ડિગોની વ્યવસ્થા તૂટી પડતાં છેલ્લા ચાર દિવસમાં 2000થી વધુ ફ્લાઇટ્સ રદ થઈ છે. દિલ્હી, મુંબઈ, પુણે, બેંગલુરુ અને કોલકાતા જેવા તમામ મુખ્ય એરપોર્ટ પર મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ વિવાદ વધુ વકર્યા બાદ હવે PMO તરફથી દેખરેખ શરૂ કરી દેવાઈ છે.

ઈન્ડિગોના કારણે હેરા થતા મુસાફરોની સ્થિતિ પર PMOની નજર

સ્થિતિની ગંભીરતાને જોતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એરલાઇન સંબંધિત પરિસ્થિતિની તમામ વિગતો અપાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમઓ સતત ઈન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સ સાથે વાતચીત કરી રહ્યા છે. એલ્બર્સને હવાઈ સેવાઓ વહેલી તકે સામાન્ય કરવા માટે સ્પષ્ટ સંદેશ અપાયો છે. રિપોર્ટ મુજબ, સીઈઓએ નેટવર્કને સમાન્ય કરવા માટે સરકાર પાસેથી લગભગ 10 દિવસનો સમય માંગ્યો છે. સરકારે ચેતવણી આપી છે કે, નિયમનકારી ચૂક કે મુસાફરોને નુકસાનના કિસ્સામાં દંડ થઈ શકે છે.

મંત્રાલયનો ઈન્ડિગોને કડક આદેશ, સુપ્રીમ કોર્ટમાં PIL

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ઈન્ડિગોને કડક શબ્દોમાં આદેશ આપ્યો છે કે, તમામ પેન્ડિંગ મુસાફરોને રવિવાર રાત્રે 8.00 વાગ્યા સુધીમાં રિફંડ આપી દેવામાં આવે અને તેમનો સામાન પણ 48 કલાકમાં પરત કરવામાં આવે. જો આ આદેશનું પાલન નહીં થાય તો તાત્કાલિક કાર્યવાહીની ચેતવણી અપાઈ છે. આ સંકટને લઈને સુપ્રીમ કોર્ટમાં એક જાહેર હિતની અરજી (PIL) પણ દાખલ થઈ છે, જેમાં આ પરિસ્થિતિને માનવતાવાદી સંકટ ગણાવીને ફસાયેલા મુસાફરો માટે અન્ય એરલાઈન્સ કે ટ્રેનો દ્વારા મફત વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો આદેશ આપવા વિનંતી કરવામાં આવી છે.

આ પણ વાંચો : બાબરી મસ્જિદ બાદ હવે વધુ બે મસ્જિદ... જાણો શું કહ્યું CM યોગી આદિત્યનાથે

એરપોર્ટે પર અફરાતફરી, ચાર દિવસમાં 2000 ફ્લાઈટ કેન્સલ

રિપોર્ટ મુજબ મુંબઈ એરપોર્ટ પર ચાર દિવસથી લગેજ ન અપાતા મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત બેંગલુરુ, કોલકાતા સહિત અનેક એરપોર્ટો પર મુસાફરોને ભારે ભીડ અને લાંબી લાઈનો જોવા મળી રહી છે. બીજીતરફ પાંચ દિવસે પણ ઈન્ડિગોની ઓપરેશન ખામી યથાવત્ છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, દેશના ચાર મોટા એરપોર્ટ દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ અને બેંગલુરુ સહિત ઘણાં શહેરોમાં આજે ઈન્ડિગોની 400થી વધુ ફ્લાઈટો રદ થઈ છે. છેલ્લા ચાર દિવસમાં 2000થી વધુ ફ્લાઈટો કેન્સલ કરી દેવામાં આવી છે.

FDTL નિયમોમાં રાહત

DGCAના નવા FDTL નિયમો, જેનો બીજો તબક્કો પહેલી નવેમ્બરથી લાગુ થયો હતો, તેને કારણે પાયલોટ અને ક્રૂ મેમ્બર્સની તીવ્ર અછત ઊભી થઈ છે. મંત્રાલયે હાલ પૂરતી ઈન્ડિગોને 10 ફેબ્રુઆરી-2026 સુધી આ નિયમોના અમલમાં અસ્થાયી રાહત આપી છે.

આ પણ વાંચો : બાબરી મસ્જિદ નિર્માણ વિવાદ વચ્ચે મમતા બેનર્જીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

Tags :