ઍરપોર્ટ પર વિમાનોના ખડકલા સર્જાયા, આખરે ઇન્ડિગોની સિસ્ટમ કેવી રીતે ફેલ થઈ? જાણો વિવાદ

| (IMAGE - IANS) |
IndiGo Airline: ભારત હાલમાં હવાઈ મુસાફરીના ગંભીર સંકટનો સામનો કરી રહ્યું છે, જેના કેન્દ્રમાં દેશની સૌથી મોટી એરલાઇન IndiGo છે. છેલ્લા કેટલાક સમયમાં IndiGoએ 1000થી વધુ ફ્લાઇટ્સ રદ કરી દીધી છે, જેના કારણે દેશભરના ઍરપોર્ટ્સ પર અફરાતફરીનો માહોલ છે અને સામાન્ય મુસાફરો તથા સેલેબ્સ પણ ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ડોમેસ્ટિક ઉડાનોનું સૌથી મોટું નેટવર્ક ધરાવતી IndiGoમાં આટલા મોટા સંકટ માટે કોઈ એક કારણ નહીં, પરંતુ ઘણા પરિબળો જવાબદાર છે.
સંકટ કેવી રીતે વધ્યું?
શરુઆતથી જ IndiGo ફ્લાઇટ્સ લેટ પડવાની સમસ્યાનો સામનો કરી રહી હતી. શરુઆતમાં એરલાઇને આ માટે નાની તકનીકી ખામીઓ, શિયાળા માટેનું નવું ફ્લાઇટ ટાઇમિંગ, ઍરપોર્ટ પરની ભીડ અને હવામાનને જવાબદાર ઠેરવ્યા હતા. પરંતુ એરલાઇનને મોટો ઝટકો ત્યારે લાગ્યો જ્યારે સરકારે 'ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન'(FDTL) નામના નવા નિયમો લાગુ કર્યા, જેનો હેતુ પાયલોટ્સને થાકથી બચાવવાનો હતો.
પહેલેથી જ સ્ટાફની અછત સાથે વધુ ઉડાન સંચાલન કરી રહેલી IndiGo માટે આ નિયમો મુશ્કેલીરૂપ બન્યા. આ નિયમોના કારણે મોટી સંખ્યામાં પાયલોટ્સ ફરજિયાત આરામ પર જતા રહ્યા, જેનાથી સ્ટાફની ભારે અછત સર્જાઈ અને અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી.
એરબસ 320ની ચેતવણી
એરબસ A320 એરક્રાફ્ટના કોમ્પ્યુટરને અતિશય રેડિયેશન અને ઓવરહિટિંગથી બચાવવા માટે તાત્કાલિક સોફ્ટવેર અપડેટ જરૂરીની ચેતવણી આપી હતી. જેના કારણે વિશ્વભરના 6000થી વધુ અને ભારતના આશરે 250 A320 વિમાનો પ્રભાવિત છે. જૂના મોડેલોને અપડેટ થવામાં 1થી 2 દિવસ લાગી શકે છે, જેનાથી પ્રવાસન અને વેપાર પર અસર પડશે. DGCAએ IndiGo અને Air India સહિત તમામ એરલાઇન્સને સેફ્ટી ગાઇડલાઇનનું પાલન કરીને સુરક્ષા માપદંડો પૂરા કર્યા વિના વિમાનને સેવામાં ન મૂકવાનો નિર્દેશ આપ્યો હતો.
સરકારના નિયમો ઉપરાંત, એરબસ 320ની ચેતવણી બાદ મોડી રાતની ઉડાનો પણ પ્રભાવિત થવા લાગી. રાતના 12 વાગ્યા પછી નવા નિયમો સખ્તાઈથી લાગુ થતા હોવાથી મોટી સંખ્યામાં ફ્લાઇટ્સ રદ થવાનો સિલસિલો શરૂ થયો.
સરકારે આપી આંશિક રાહત
ભારતમાં સૌથી વધુ ઉડાન સંચાલન કરતી IndiGo માટે તેનું મોટું નેટવર્ક જ સંકટનું કારણ બની ગયું છે. જોકે, મુસાફરોની હાલાકી જોતા સરકારે નવા નિયમોમાં આંશિક રાહત આપી છે.
જોકે ડીજીસીએ(DGCA)એ શુક્રવારે નવો આદેશ જાહેર કરીને એક મહત્ત્વપૂર્ણ નિયમ પાછો ખેંચી લીધો. આ નિયમ મુજબ પાયલોટ્સના સાપ્તાહિક આરામને રજામાં બદલી શકાતો નહોતો. સરકાર દ્વારા આ નિયમ હટાવવાથી એરલાઇનને પાયલોટને રોટેટ કરવામાં સરળતા થશે, જેનાથી દબાણ ઓછું થવાની આશા છે.
આ પણ વાંચો: No Means No... : શશી થરુરે મેરિટલ રેપને ક્રાઈમ ગણાવતું બિલ રજૂ કરતાં ચર્ચા છંછેડાઈ
પાઇલટ્સ યુનિયનનો અસંતોષ
નિયમ હટાવ્યા બાદ IndiGo સ્થિરતાની આશા રાખી રહી છે, પરંતુ પાઇલટ્સ યુનિયન નારાજ છે તેમનો આરોપ છે કે, IndiGo મેનેજમેન્ટે સમયસર નવા નિયમો અને સમસ્યાઓ માટે તૈયારી કરી નહોતી, જ્યારે તેમને આ અંગેની જાણકારી હતી. નવી ભરતી કરવાને બદલે એરલાઇને પહેલાથી જ ઓછા સ્ટાફને વધુ ઘટાડ્યો, જેનાથી સમસ્યા વધુ વકરી.
ઘણા નિષ્ણાતોનું માનવું છે કે IndiGoએ સરકાર પર દબાણ લાવવા અને નિયમોમાં ઢીલ મેળવવા માટે આ સંકટને પ્રોત્સાહન આપ્યું છે. જોકે, પાઇલટ્સ યુનિયને તેને પાયલોટ અને હવાઈ મુસાફરોની સુરક્ષા સાથે જોડીને ગંભીર મુદ્દો ગણાવ્યો છે.
સ્થિરતાની આશા
કારણ ભલે ગમે તે હોય, ઍરપોર્ટ્સ પર સામાન્ય મુસાફરોને જ હાલાકી ભોગવવી પડી રહી છે. સરકારનું માનવું છે કે 10 ફેબ્રુઆરી, 2026 સુધીમાં સંપૂર્ણ સ્થિરતા લાવી શકાશે.

