Explainer: ભારતનું સુદર્શન ચક્ર, દુશ્મનના આક્રમણ સામે અમોઘ સાબિત થતી ભારતની અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ
IADWS Missiles: તાજેતરમાં ઓડિશાના દરિયાકાંઠે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશને (DRDO) ‘ઇન્ટિગ્રેટેડ એર ડિફેન્સ વેપન સિસ્ટમ’ (IADWS) નું પ્રથમ ફ્લાઇટ પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું. બહુસ્તરીય સર્વેલન્સ એટલે કે મલ્ટી લેયર્ડ સર્વેઇલન્સ, લેસર-ગાઈડેડ હુમલા કરવાની ક્ષમતા સહિતની વિશિષ્ટ સુરક્ષા ખાસિયત ધરાવતી આ સિસ્ટમ ભારત માટે સીમાચિહ્નરૂપ સફળતા છે. ભારતના મહત્ત્વપૂર્ણ થાણાને હવાઈ હુમલાથી બચાવવા માટે બનાવાયેલી આ સિસ્ટમ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વતંત્રતા દિવસે જાહેર કરાયેલા 'સુદર્શન ચક્ર' સંરક્ષણ કવચનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો મનાય છે.
IADWS મલ્ટી લેયર્ડ સર્વેઇલન્સ સિસ્ટમ
IADWS એક મલ્ટી લેયર્ડ સર્વેઇલન્સ સિસ્ટમ છે, જે સંપૂર્ણપણે સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે. આ સિસ્ટમ ત્રણ મુખ્ય શસ્ત્રોનો સમન્વય છે.
1) QRSAM - ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ
- ટૂંકા અંતરની આ સરફેસ ટુ એર મિસાઈલ ઝડપી પ્રતિક્રિયા આપે છે.
- તેનું મુખ્ય કાર્ય સૈનિકોને દુશ્મનના હવાઈ હુમલાથી બચાવવાનું છે.
- તે ત્રણથી 30 કિ.મી. સુધીના અંતરે આવેલા લક્ષ્યોને નિષ્ક્રિય કરવાની ક્ષમતા ધરાવે છે.
- આ પ્રણાલી ગતિશીલ અવસ્થામાં પણ હુમલો કરી શકે છે.
- ‘એક્ટિવ એરે બેટરી સર્વેલન્સ રડાર’ અને ‘એક્ટિવ એરે બેટરી મલ્ટિફંક્શન રડાર’ એમ બે રડાર ધરાવતી આ પ્રણાલી 360 ડિગ્રી સર્વેઇલન્સ અને ટ્રેકિંગ કરી શકે છે.
આ પણ વાંચોઃ ડ્રગ્સ પર અંકુશ મેળવવા માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવાશે
2) VSHORADS - વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ
- VSHORADS વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ પેઢીની ડિફેન્સ સિસ્ટમ છે.
- તે MANPADS મેન પોર્ટેબલ એર ડિફેન્સ સિસ્ટમને સૈનિકો સરળતાથી તેમના ખભા પર લઈ જઈ શકે છે.
- તે 300 મીટરથી 6 કિ.મી.ના અંતરે ડ્રોન, હેલિકોપ્ટર અને નાના હવાઈ લક્ષ્યોનો નાશ કરવાની ક્ષમતા ધરાવે છે.
- સેના, નૌસેના અને વાયુસેના એમ ત્રણે પાંખની જરૂરિયાતોને પૂર્ણ કરે છે
3) DEW - ડાયરેક્ટેડ એનર્જી વેપન
- DEW લેસર આધારિત હાઇ પાવર શસ્ત્ર છે, જે અત્યાધુનિક લેસરથી 3 કિમીથી ઓછા અંતરના ડ્રોન અને અન્ય હવાઈ લક્ષ્યોને નષ્ટ કરી શકે છે.
- તે ડ્રોનની સર્વેલન્સ સિસ્ટમને અક્ષમ કરવાની ક્ષમતા ધરાવે છે.
- વિશ્વના જૂજ દેશો પાસે આ ટેકનોલોજી છે, જેમાં અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, જર્મની, ઇઝરાયલ અને હવે ભારત સામેલ છે.
સંયુક્ત પરીક્ષણની વિશેષતા
23 ઓગસ્ટ 2025ના રોજ ઓડિશાના તટીય પ્રદેશમાં આયોજિત પરીક્ષણમાં IADWS ના સામર્થ્યનું સફળતાપૂર્વક પ્રદર્શન કરાયું હતું. આ પરીક્ષણ દરમિયાન બે UAV (અનમેન્ડ એરિયન વ્હિકલ, હાઇ સ્પીડ ફિક્સ્ડ વિંગ તથા એક મલ્ટિ-કોપ્ટર ડ્રોનને એકસાથે, વિવિધ અંતરે અને ઊંચાઈએ સફળતાપૂર્વક નષ્ટ કરવામાં આવ્યા હતા. ચાંદીપુરમાં ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (ITR) પર તહેનાત ઉપકરણોએ ફ્લાઇટ ડેટા રેકોર્ડ કર્યો હતો, જે પુષ્ટિ કરે છે કે આ સિસ્ટમ રડાર, ડ્રોન ટ્રેકિંગ સિસ્ટમ અને કમાન્ડ-કંટ્રોલ સિસ્ટમમાં ભૂલ વગર કામ કરી શકે છે. ભવિષ્યમાં આ સિસ્ટમને વધુ અદ્યતન બનાવવાની શક્યતાઓ છે.
સુદર્શન ચક્રનો મહત્ત્વપૂર્ણ ઘટક
આ સંપૂર્ણ સ્વદેશી સિસ્ટમ ભારતના સંવેદનશીલ સૈન્ય થાણાને હવાઈ હુમલાથી સુરક્ષિત રાખવા માટે છે. તે ડ્રોન, ક્રુઝ મિસાઇલ, હેલિકોપ્ટર અને નીચી ઉડાન ભરતાં વિમાનો જેવા ટૂંકા અને મધ્યમ અંતરના વિવિધ હવાઈ ખતરાને નિષ્ક્રિય કરવા સક્ષમ છે. તેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વાતંત્ર્ય દિને જાહેર કરાયેલા 'સુદર્શન ચક્ર' સંરક્ષણ કવચનો મહત્ત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે, જેનો હેતુ 2035 સુધીમાં એક મજબૂત, સ્વદેશી સંરક્ષણ કવચ વિકસાવવાનો છે.
આધુનિક યુદ્ધકળાનું અનિવાર્ય અંગ- લેસર શસ્ત્રો
IADWSનું સૌથી નોંધપાત્ર પાસું તેનું લેસર-આધારિત શસ્ત્ર ‘DEW’ છે, જે પ્રકાશની ગતિએ હુમલો કરવાની ક્ષમતા ધરાવે છે અને તે અત્યંત સચોટ છે. તેનો પુનઃઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત પરંપરાગત શસ્ત્રો કરતાં તે ઓછું ખર્ચાળ છે. આ ભારત માટે એક મોટી સિદ્ધિ છે, કારણ કે તે હવે લેસર શસ્ત્રો ટેકનોલોજીમાં નિપુણતા મેળવનારા દેશોની યાદીમાં જોડાઈ ગયું છે.
રાષ્ટ્રીય સુરક્ષામાં IADWS નું મહત્ત્વ
IADWS ભારત માટે અનેક રીતે મહત્ત્વપૂર્ણ છે:
- સંપૂર્ણ સ્વદેશી ટેકનોલોજી પર આધારિત છે, જે આત્મનિર્ભર ભારતના ધ્યેયને મજબૂત બનાવે છે.
- ડ્રોનથી લઈને હાઇ-સ્પીડ એરક્રાફ્ટ સુધીના દરેક પ્રકારના હવાઈ ખતરાનો સામનો કરીને બહુસ્તરીય સુરક્ષા પ્રદાન કરે છે.
- અસરકારક અને ઉચ્ચ કાર્યક્ષમતા ધરાવે છે.
- ઓછી ખર્ચાળ છે.
- વૈશ્વિક સંરક્ષણ ટેકનોલોજીમાં ભારતની સ્થિતિ મજબૂત કરે છે.