Get The App

ડ્રગ્સ પર અંકુશ મેળવવા માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવાશે

Updated: Aug 25th, 2025

GS TEAM

Google News
Google News
ડ્રગ્સ પર અંકુશ મેળવવા માટે રાજ્યભરમાં ઝોન વાઇઝ એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બનાવાશે 1 - image
AI IMAGE

Anti-Narcotics Task Force : ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) યુનિટ્સ શરૂ કરવામાં આવશે, જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે.

વર્તમાનમાં કાર્યરત નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે આ ANTF યુનિટ્સ ઊભા કરી તેમાં 1 એસ.પી., 6 ડીવાયએસપી અને 13 પીઆઇ સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ નાર્કોટિક્સ સેલમાં 34 અધિકારી કર્મચારીઓ હતા, જે હવે ANTF ઓપરેશનલ થતા 211 અધિકારી કર્મચારીનું મહેકમ થશે. આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અને માત્ર NDPS સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.

આ છ નવા ANTF યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે. 

ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું છે કે, આ યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે 'cutting edge level'ની કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે જણાવ્યું કે, આ ઝોન વાઇઝ પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ્સના ગુનાઓની તપાસમાં એકસૂત્રતા જળવાઈ રહેશે. ANTF યુનિટ્સ દ્વારા નોંધાયેલા ગુનાઓની તપાસ વ્યવસ્થિત રીતે થઈ શકશે, જેનાથી આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે. રાજ્યને ડ્રગ્સના દૂષણથી મુક્ત કરવાના સંકલ્પને સાર્થક કરવા માટે એ નિર્ણય મહત્ત્વપૂર્ણ સાબિત થશે.

ANTF યુનિટ્સની મુખ્ય વિશેષતાઓ

તપાસમાં સુપરવિઝન: સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા NDPS કેસોની તપાસમાં 'ટોપ ટુ બોટમ' અને 'બોટમ ટુ ટોપ' અભિગમ અપનાવવામાં આવશે, જેમાં ANTF યુનિટનું સુપરવિઝન અસરકારક સાબિત થશે.

ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ: આ નવા યુનિટ્સમાં ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ પણ કાર્યરત રહેશે. આ યુનિટ્સ વારંવાર NDPSના ગુના આચરતા તત્વો, સિન્ડિકેટ માળખું અને ઇન્ટર-સ્ટેટ નાર્કો ઓફેન્ડર્સની માહિતી એકત્રિત-સંકલિત કરીને ડેટા આધારે એનાલિસિસ કરી આ પ્રકારના ગુનેગારો સામે સઘન કાર્યવાહી કરવા ANTF યુનિટ મહત્વની ભૂમિકા ભજવશે.

PIT NDPS કાર્યવાહીને વેગ: જે રીતે અસામાજિક તત્વો સામે પાસા (PASA) હેઠળ કાર્યવાહી થાય છે, તે જ રીતે NDPSના ગુનેગારો સામે પીટ એનડીપીએસ (PIT NDPS) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે,  ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી હવે ANTF દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક પગલાં ભરવામાં વેગ મળશે.


Tags :