'ચીન ગમે તે બોલે, અરૂણાચલ ભારતનું અભિન્ન અંગ', મહિલા સાથે દુર્વ્યવહાર મામલે વિદેશ મંત્રાલયનો ડ્રેગનને આકરો જવાબ

India's Response to China on Arunachal Pradesh : ચીન દ્વારા અરૂણાચલ પ્રદેશ અંગે કરવામાં આવેલા ઉશ્કેરણીજનક નિવેદન પર ભારતીય વિદેશ મંત્રાલયે (MEA) સખત વાંધો વ્યક્ત કર્યો છે. ભારતે સ્પષ્ટ કર્યું છે કે, ‘અરૂણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને ચીનનું કોઈ પણ નિવેદન આ સત્યને બદલી શકે નહીં.’
ભારતીય નાગરિકની અટકાયત મુદ્દે ચીન પર પ્રહાર
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે અરૂણાચલ પ્રદેશની એક ભારતીય નાગરિકને અટકાયતમાં લેવા પણ ચીન પર પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, ‘મહિલા પાસે માન્ય પાસપોર્ટ હતો અને તે શાંઘાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટથી જાપાન મુસાફરી પર જઈ રહી હતી. ચીને ભારતીય મહિલા નાગરિકને એરપોર્ટ પર મનમાનીથી રોકી હતી. અમે આ અટકાયતનો મુદ્દો ચીન સમક્ષ સખત રીતે ઉઠાવ્યો છે. જો કે, ચીનના અધિકારીઓએ હજી પણ આ અંગે સ્પષ્ટતા આપી નથી, જે આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીને નિયંત્રિત કરતા નિયમોનું ઉલ્લંઘન છે.’
નોંધનીય છે કે, બ્રિટનમાં રહેતી ભારતીય નાગરિક પેમા વાંગજોમ થોંગડોક 21 નવેમ્બરે લંડનથી જાપાન જઈ રહી હતી. આ દરમિયાન શાંઘાઇ એરપોર્ટ પર મહિલાને ચીનના ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા હેરાનગતિ કરાઇ હતી અને તેને 18 કલાકથી વધુ સમય સુધી રોકી રખાઇ હતી. મહિલાએ દાવો કર્યો કે, ‘ઇમિગ્રેશન અધિકારીઓએ તેના પાસપોર્ટને માત્ર એટલા માટે ગેરકાયદે જાહેર કરી દીધો કારણ કે તેમાં તેનું જન્મસ્થળ અરૂણાચલ પ્રદેશ લખેલું હતું.’
ચીનનો જવાબ
આ ઘટના અંગે પૂછવામાં આવતા, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે દાવો કર્યો કે, ‘થોંગડોક સાથે કોઈ પણ પ્રકારનું ઉત્પીડન કરાયું નથી. અમને જાણવા મળ્યું છે કે ચીનના અધિકારીઓએ કાયદાઓ અને નિયમો અનુસાર તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરી છે.’
આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ અંગે જવાબ આપતા ચીને કહ્યું કે, ‘જંગનાન ચીનનો ભાગ છે. ભારત દ્વારા ત્યાં ગેરકાયદે રીતે સ્થાપિત અરૂણાચલ પ્રદેશને ચીને ક્યારેય માન્યતા આપી નથી.’
આ પણ વાંચોઃ ચીન વિરૂદ્ધ કંઈક મોટું કરવાનું છે યુરોપિયન યુનિયન! રેર અર્થ મિનરલ્સને લઈને આપી ચેતવણી

