દેશની પહેલી ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ ટ્રેનની ઉત્તર પ્રદેશમાં શરુઆત, માત્ર રૂ. 275માં જંગલ સફરનો આનંદ
Vistadom Jungle Safari: ઉત્તરપ્રદેશમાં ઈકો-ટુરિઝમ અને પર્યટનને પ્રોત્સાહન આપવા માટે વિસ્ટાડોમ ટ્રેન સેવા શરુ કરવામાં આવી છે. આ વિશેષ ટ્રેન દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન, કતર્નિયાઘાટ અને કિશનપુર એમ ત્રણ અભયારણ્યને જોડે છે. આ સાથે જ ઉત્તરપ્રદેશ દેશનું પહેલું એવું રાજ્ય છે જ્યાં ‘વિસ્ટાડોમ જંગલ સફારી’ની સુવિધા શરુ કરાઈ હોય. આ ટ્રેનમાં બેસીને પ્રવાસીઓ જંગલ સફારીનો રોમાંચક અનુભવ લઈ શકશે. હાલ આ સેવા ફક્ત શનિ અને રવિવારે જ ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં તે અઠવાડિયાના સાતેય દિવસો માટે શરુ કરાશે.
વિસ્ટાડોમ જંગલ સફારીના એકથી વધુ ફાયદા
ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા ‘વન ડેસ્ટિનેશન, થ્રી ફોરેસ્ટ’ યોજના હેઠળ ત્રણ અભયારણ્ય – દુધવા રાષ્ટ્રીય ઉદ્યાન, કતર્નિયાઘાટ અને કિશનપુર વન્યજીવન અભયારણ્યને જોડી દેવાયા છે. વિસ્ટાડોમ જંગલ સફારી ટ્રેન એ જ હેતુથી શરુ કરાઈ છે. તેનાથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે અને સ્થાનિક સ્તરે રોજગારીની તકો પણ વધશે. આ ટ્રેન-સેવા હોમ સ્ટે માલિકો, રિસોર્ટ સંચાલકો અને ટ્રાવેલ એજન્ટોની ભાગીદારીથી સ્થાનિક અર્થતંત્રને સશક્ત બનાવશે. આ ટ્રેનના માધ્યમથી કુદરતી સંસાધનો અને જૈવ વૈવિધ્યના સંરક્ષણનો સંદેશ પણ ફેલાવવામાં આવશે.
ટ્રેન ક્યાંથી શરુ થઈને ક્યાં પહોંચશે?
આ ટ્રેનનું નામ ‘બિચિયા ટુ મૈલાની ટુરિસ્ટ પેસેન્જર ટ્રેન’ (નં. 52259) રાખવામાં આવ્યું છે. તે બહરાઈચના બિચિયા સ્ટેશનથી સવારે 11:45 વાગ્યે ઉપડે છે અને વિવિધ સ્ટેશનોમાંથી પસાર થઈને લખીમપુર ખેરીના મૈલાની સ્ટેશન પર સાંજે 4:10 વાગ્યે પહોંચે છે. પરત ફરતી વખતની આ ટ્રેન ‘મૈલાની ટુ બિચિયા ટુરિસ્ટ પેસેન્જર ટ્રેન’ (નં. 52260) તરીકે ઓળખાશે, જે સવારે 6:05 વાગ્યે માલાણીથી ઉપડે છે અને સવારે 10:30 વાગ્યે બિછિયા સ્ટેશન પહોંચે છે.
વિસ્ટાડોમ કોચ એટલે શું?
વિસ્ટાડોમ કોચ એક ખાસ પ્રકારનો ટ્રેન કોચ છે, જેમાં સામાન્ય કોચમાં હોય એના કરતાં ઘણી મોટી બારી હોય છે, જેથી મુસાફરો બહારનો નજારો વધુ સારી રીતે જોઈ શકે. ઘણાં વિસ્ટાડોમ કોચના છતમાં પણ કાચ હોય છે. કેટલાક વિસ્ટાડોમ કોચમાં સીટ પણ 180 ડિગ્રી સુધી ફેરવી શકાય એવી હોય છે, જેનાથી મુસાફરો પોતાની સીટ ફેરવીને ઇચ્છે તે દિશામાં જોઈ શકે છે. વિસ્ટાડોમ કોચમાં મુસાફરી કરવી એ એક અદ્ભુત અનુભવ બની જાય છે. ભારતમાં ‘અમદાવાદ-કેવડિયા એક્સપ્રેસ’, ‘યશવંતપુર-મેંગલોર એક્સપ્રેસ’, ‘ગુવાહાટી-બદરપુર એક્સપ્રેસ’ જેવી અનેક ટ્રેનોમાં વિસ્ટાડોમ કોચની સુવિધા ઉપલબ્ધ છે. જો કે, ઉત્તર ભારતમાં દેશની પહેલી ‘જંગલ સફારી વિસ્ટાડોમ ટ્રેન’ શરૂ થઈ છે.
107 કિલોમીટર લાંબી આ જંગલ મુસાફરીમાં પ્રવાસીઓ કુદરતી દૃશ્યો, જૈવવિવિધતા અને વન્યજીવનનો નજીકથી અનુભવ કરી શકશે. 4 કલાક અને 25 મિનિટ લાંબી આ યાત્રા કરવા માટેનો ટિકિટ દર રૂ. 275 રૂપિયા રખાયો છે. પ્રવાસીઓને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌથી કતર્નિયાઘાટ સુધી લઈ જવા માટે એક પેકેજ પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે, જેમાં પ્રવાસીઓને ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
ચોમાસામાં ઘણાં પ્રવાસીઓને આકર્ષશે
દેશમાં ચોમાસું શરુ થવાની ઘડીઓ ગણાઈ રહી છે એવામાં આ ટ્રેન શરુ કરાતાં જંગલ સફારીના શોખીનો આ પ્રયાસને વધાવી લેશે. એવું અનુમાન છે કે, ચોમાસામાં જંગલ વધુ હરિયાળું થઈ જતું હોવાથી એની સુંદરતા વધુ ખીલી ઊઠતી હોય છે. તેથી ચોમાસાના ચાર મહિના દરમિયાન આ ટ્રેન પ્રવાસીઓને મોટા પાયે આકર્ષિત કરશે.
સ્કૂલના વિદ્યાર્થીઓ માટે વિશેષ પ્રવાસનું આયોજન
સ્કૂલના વિદ્યાર્થીઓ આ ટ્રેનમાં બેસીને જંગલ સફારીનો આનંદ લે એ માટે વિશેષ પ્રવાસનું આયોજન કરાઈ રહ્યું છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સ અને ટ્રાવેલ બ્લોગર્સ માટે પણ ‘ફેમ ટૂર’નું આયોજન કરાઈ રહ્યું છે, જેથી વિસ્ટાડોમ કોચ અને આ જંગલ સફારીનું પ્રમોશન ડિજિટલ માધ્યમોમાં કરી શકાય.