મેક્સિકોના 50 ટકા ટેરિફથી ભારતની રૂ. 80 હજાર કરોડની નિકાસ જોખમમાં

ટ્રમ્પને ખુશ કરવા મેક્સિકોએ ભારત પર ટેક્સ નાંખ્યો
મેક્સિકોની એક તરફી ટેરિફ જાહેરાત સામે ભારતની પોતાના નિકાસકારોના હિતોની સુરક્ષા માટે આકરાં પગલાંની ચેતવણી
ભારતે મુક્ત વેપાર સમજૂતી ના હોય તેવા દેશો પર ઈમ્પોર્ટ ડયુટી વધારવાના મેક્સિકોના નિર્ણયનો આકરો વિરોધ કર્યો છે. આ સાથે ભારતે પોતાના નિકાસકારો માટે સંભવિત સુરક્ષાત્મક કાર્યવાહીના સંકેત આપ્યા છે. મેક્સિકોના ટેરિફ હિટ લિસ્ટમાં ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ, ઈન્ડોનેશિયા અને યુએઈ જેવા બ્રિક્સ દેશો તેમજ દક્ષિણ કોરિયા અને થાઈલેન્ડ જેવા એશિયન દેશોનો પણ સમાવેશ થાય છે.
ભારત અને મેક્સિકોના વેપારના આંકડા મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતની મેક્સિકોમાં નિકાસ ૮.૯૦ અબજ ડોલર એટલે કે અંદાજે રૂ. ૮૦,૬૦૭ કરોડથી વધુની હતી જ્યારે મેક્સિકોમાંથી આયાત ૨.૯ અબજ ડોલર હતી. ૧ જાન્યુઆરી ૨૦૨૬થી મેક્સિકોનો ૫૦ ટકા ટેરિફ લાગુ પડે તો ભારતની આ નિકાસ પર ગંભીર અસર પડી શકે છે.
ભારતે મેક્સિકોની એક તરફી જાહેરાત અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ઉપરાંત પોતાના નિકાસકારોના હિતોની સુરક્ષા માટે આકરાં પગલાં લેવાની ચેતવણી આપવાની સાથે આ મુદ્દાનો વાતચીતના માધ્યમથી ઉકેલ લાવવા માટે રાજકીય પ્રયત્નો પણ ચાલુ રાખ્યા છે. ભારતીય અધિકારીએ કહ્યું કે, અગાઉથી ચર્ચા-વિચારણા કર્યા વિના મોસ્ટ ફેવર્ડ નેશન ટેરિફ વધારવા એ સહયોગાત્મક આર્થિક જોડાણની ભાવના અને બહુપક્ષીય વેપાર વ્યવસ્થાના મૂળ સિદ્ધાંતોથી વિપરિત છે.
મીડિયા અહેવાલો મુજબ વ્યાપારિક ભાગીદારો અને ઘરેલુ ઉદ્યોગ જૂથોએ વ્યક્ત કરેલી ચિંતાના પગલે મેક્સિકોના અર્થવ્યવસ્થા મંત્રાલયે શરૂઆતમાં આ પ્રસ્તાવને ઑગસ્ટ ૨૦૨૬ સુધી પાછો ઠેલ્યો હતો, પરંતુ તાજેતરમાં જ તેને અસાધારણ રીતે ફરીથી સેનેટમાં રજૂ કરાયો અને સંસદીય પ્રક્રિયાના માધ્યમથી તિવ્ર ગતિએ તેને પસાર પણ કરી દેવાયો. મેક્સિકોની ટેરિફની જાહેરાત મુજબ શિનબામ સરકાર લગભગ ૧૪૬૩ સામાન પર પાંચ ટકાથી લઈને ૫૦ ટકા સુધીનો ટેરિફ નાંખશે. જોકે, તેનાથી પ્રભાવિસ વસ્તુઓની સત્તાવાર યાદી હજુ સુધી જાહેર કરાઈ નથી.

