પ્રવાસીઓ માટે 30 દિવસના મફત વિઝા: મેડિકલથી લઈને ખાતર સુધી ભારત અને રશિયા વચ્ચે 7 કરાર

India-Russia Agreements: રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પુતિને સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને દ્વિપક્ષીય સહયોગને મજબૂત બનાવવા માટે 7 મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષરની જાહેરાત કરી હતી. આ કરારોમાં પ્રવાસન, હેલ્થકેયર, ખાદ્ય સુરક્ષા, યુરિયા ઉત્પાદન જેવા ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરી છે કે રશિયાના પ્રવાસીઓને ભારત મફત ઈ-ટુરિસ્ટ વિઝા આપશે જે 30 દિવસ માટે માન્ય ગણાશે.
બંને દેશો વચ્ચે જે કરારો પર હસ્તાક્ષર થયા છે તેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે
•કોઑપરેશન અને માઇગ્રેશન એગ્રીમેન્ટ
•અસ્થાયી શ્રમિક ગતિવિધિ પર કરાર
•હેલ્થકેર અને મેડિકલ એજ્યુકેશન પર કરાર
•ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ પર કરાર
•પોલર શિપ (Polar Ship) પર કરાર
•મેરિટાઇમ કોઑપરેશન પર કરાર
•ફર્ટિલાઇઝર (ખાતરો) પર કરાર
આ પણ વાંચો: ભારતની મુલાકાત દરમિયાન પુતિને મહાત્મા ગાંધીજી વિશે સંદેશ લખી સૌના દિલ જીતી લીધાં
યુરિયા ઉત્પાદનમાં આત્મનિર્ભરતા તરફ
ફર્ટિલાઇઝર અંગેના કરારને ભારત માટે મોટો ફાયદો માનવામાં આવે છે. આ કરાર હેઠળ, ભારત અને રશિયા સંયુક્ત રીતે યુરિયાનું ઉત્પાદન કરશે. ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પાયે યુરિયાની આયાત કરે છે. સંયુક્ત ઉત્પાદન શરુ થવાથી ભારતને યુરિયાની આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ મળશે.
ભારતીય શ્રમિકો અને રશિયનોને લાભ
ભારતીય શ્રમિકો માટે આ કરાર ખૂબ સારા સમાચાર છે. આનાથી ભારતીય શ્રમિકો વ્યવસ્થિત રીતે રશિયા મુસાફરી કરી શકશે અને વધુ સારા પગાર મેળવી શકશે. યુરોપિયન દેશોમાં નિયમો કડક થતાં આ કરાર મહત્ત્વપૂર્ણ બન્યો છે. વડાપ્રધાન મોદીએ રશિયાના લોકો માટે એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી કે ભારતે રશિયનો માટે મફત ઈ-ટૂરિસ્ટ વિઝા શરુ કર્યા છે, જે 30 દિવસ માટે માન્ય રહેશે. નોંધનીય છે કે, કેનેડા અને યુકે જેવા યુરોપિયન દેશોમાં વધતા કડક સ્થળાંતર નિયમો વચ્ચે આ કરાર રાહત પૂરી પાડે છે.
યુક્રેન સંકટ પર વડાપ્રધાન મોદીનું મોટું નિવેદન
પુતિન સાથેની બેઠકમાં યુક્રેન સંકટ પર વાત કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કે 'યુક્રેન મુદ્દે આપણી વચ્ચે સતત ચર્ચા થતી રહે છે. એક સાચા મિત્રના રૂપે તમે પણ તમામ ઘટનાઓથી અમને પરિચિત કર્યા. મને વિશ્વાસ છે કે વિશ્વ ફરી શાંતિના માર્ગ પર પરત ફરશે. પાછલા દિવસોમાં જ્યારે પણ મારી દુનિયાના નેતાઓ સાથે વાત થઈ ત્યારે મેં વારંવાર કહ્યું છે કે ભારત ન્યૂટ્રલ ( તટસ્થ ) નથી, ભારત શાંતિના પક્ષમાં છે. શાંતિના તમામ પ્રયાસોમાં અમે તમારી સાથે ખભેથી ખભો મિલાવીને ઊભા છીએ. વિશ્વએ કોવિડથી લઈને અત્યાર સુધી ઘણા સંકટ જોયા છે, આશા છે કે હવે પ્રગતિની રાહ પર આગળ વધશે.' જેના જવાબમાં પુતિને પણ કહ્યું કે, રશિયા પણ શાંતિના જ પક્ષમાં છે. યુક્રેન સંઘર્ષ પર વાતચીત ચાલી રહી છે અને હું તમને આ વિષય અંગે સમય સમય પર અપડેટ આપતો રહીશ.
PM મોદીએ પુતિનને દીર્ઘદૃષ્ટા નેતા ગણાવ્યા
પુતિન સાથેની દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ કહ્યું, કે 2001માં તમે પદ સંભાળ્યું અને પહેલીવાર ભારત આવ્યા હતા, તે વાતને 25 વર્ષ થઈ ગયા. તે પહેલી ભારત મુલાકાતમાં તમે બંને દેશો વચ્ચેના મજબૂત સંબંધોનો પાયો નાંખ્યો હતો. મારા માટે પણ ખુશીની વાત છે કે તમારા અને મારા સંબંધોને પણ 25 વર્ષ થયા. તમે 2001માં જે ભૂમિકા નિભાવી તે એક દીર્ઘદૃષ્ટા નેતાનું ઉત્તમ ઉદાહરણ છે.

