Gold and Silver Latest Rates: સોનું લેવું હવે સપનું આ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી કારણ કે દિવસે ને દિવસે સોનાના ભાવ નવો રેકોર્ડ સ્થાપી રહ્યા છે. તેવા તમને જાણીને નવાઈ લાગશે કે ભારતીય ઘરોમાં એટલું સોનું પડેલું છે કે અનેક દેશોની GDP કરતાં પણ વધારે છે. ગયા વર્ષના ઓકટોબર મહિનામાં જ વિશ્વ વિખ્યાત રોકાણ બેંક મોર્ગન સ્ટેનલીએ અંદાજો લગાવ્યો હતો કે ભારતીય પરિવારો પાસે લગભગ 34 હજાર 600 ટન સોનું પડ્યું છે. હાલની બજાર પ્રમાણે તેની કિંમત લગભગ 5 ટ્રિલિયન ડોલર એટલે કે 450 લાખ કરોડ છે.
ભારતની GDP કરતાં વધુ..?
અહીં તમને એક સવાલ થશે કે શું શું લોકોના તિજોરીઓમાં પડેલા સોનાનું મૂલ્ય ભારતના GDP કરતાં વધુ છે? તો કદાચ હા, કારણ કે ભારતની GDP હજુ પણ 5 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી નથી જે 2027માં પહોંચી જશે તેવો સરકારનો દાવો છે. હાલ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ $4,500 પ્રતિ ઔંસ (અંગ્રેજી વજન) ભારતીય વજન મુજબ 1,42,700 પ્રતિ 10 ગ્રામ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં સોના જંગી ભાવ વધારાના કારણે સોનું ભારતના ઘરોમાં પડેલું સોનું ભારતની GDP અને અનેક દેશોની GDP કરતાં આગળ વધી ગયું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) અનુસાર, ભારતની GDP હાલમાં લગભગ 4.1 ટ્રિલિયન ડોલર (લગભગ ₹370 લાખ કરોડ) છે. જેથી કહી શકાય કે દેશની સંપૂર્ણ અર્થવ્યવસ્થા કરતાં વધુ છે.
RBI પાસે કેટલું સોનું?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ પણ તેના સોનાના ભંડારમાં સારો એવો વધારો કર્યો છે. 2024થી RBI એ આશરે 75 ટન સોનું ખરીદ્યું છે. આનાથી RBI પાસે કુલ સોનાનો ભંડાર 880 ટન થયો છે. મોર્ગન સ્ટેનલીના મતે, સોનાનો હિસ્સો હવે ભારતના કુલ વિદેશી હૂંડિયામણ ભંડારમાં આશરે 14 ટકા છે.
ભારત બીજો મોટો ખરીદદાર દેશ
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC) ના ડેટા મુજબ ભારત દુનિયામાં સોનાનો બીજો સૌથી મોટો સોનાનો ખરીદદાર દેશ છે, ચીન 28 ટકા સાથે પ્રથમ સ્થાને છે તો ભારત 26 ટકા સાથે બીજા સ્થાને છે
'લોકો નાણાકીય ગોલ્ડમાં રોકાણ કરે તે સારું'
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ઘરમાં રાખેલું સોનું એ બેકાર પૈસા કહી શકાય કારણ કે એ સોનું એક 'આઇડલ એસેટ' (એવી સંપત્તિ કે જેનાથી કોઈ કમાણી ન થાય) એવું છે. હાલમાં સરકારે ગોલ્ડ બોન્ડ (SGB), ગોલ્ડ ETF અને ડિજિટલ ગોલ્ડ જેવા વિકલ્પ લોકોને આપ્યા છે, કેમ કે લોકો સોનું સંગ્રહ કરવાને બદલે નાણાકીય ગોલ્ડ થકી તેમાં રોકાણ કરે, પણ ભારતીય લોકો ઘરેણાં અને સિક્કાના ચાહક છે જે પ્રેમનો ઓછો કરવો સરકાર માટે પડકાર સમાન છે.
આ પણ વાંચો: આધાર કાર્ડ વિના ટ્રેનની ટિકિટ મળવી મુશ્કેલ! ઓનલાઈન બુકિંગ માટે IRCTCનો નવો આદેશ
સોના-ચાંદીમાં રોકાણ કરનારા રોકાણકારોને જોરદાર નફો મળી રહ્યો છે. ખાસ કરીને ચાંદીમાં ઐતિહાસિક તેજીનો દોર હજુ પણ યથાવત્ છે. MCXની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદી આજે ઐતિહાસિક 14,387 રૂપિયાના ઉછાળા સાથે તમામ રૅકોર્ડ તોડતાં 2,54,174ની નવી ઓલ ટાઇમ હાઇ સપાટીને સ્પર્શી ગઈ હતી. ત્યારબાદ ટ્રેડિંગ સેશન દરમિયાન એમસીએક્સ પર ચાંદીમાં એકઝાટકે 21,054 રૂપિયાનો કડાકો બતાવ્યો હતો. આ કડાકો પ્રોફિટ બુકિંગને કારણે આવ્યો હોવાની ચર્ચા છે. હાલમાં ચાંદી 2,37,669 રૂપિયા પર ટ્રેડ થઈ રહી છે. ગત શુક્રવારે સોનું 1,39,873ના ભાવે વાયદા બજારમાં બંધ થયું હતું ત્યારે સોમવારે નવા વેપાર અઠવાડિયાની શરુઆત સાથે જ 571 રૂપિયાનો ઉછાળો આવતાં સોનાએ 1,40,444 રૂપિયાની સપાટીનો નવો રૅકોર્ડ બનાવ્યો હતો. જોકે દિવસના ટ્રેડ દરમિયાન જ અચાનક જ સોનામાં કડાકો આવતાં 2,798 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો અને તે 1,37,646 રૂપિયાના આજના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો હતો.
નવા વર્ષે સોના-ચાંદીના ભાવ શું હશે?
નિષ્ણાતો કહે છે કે આવનારા નવા વર્ષ 2026માં પણ સોના અને ચાંદીમાં રૅરેકોર્ડ તેજીનો દોર યથાવત્ રહેશે. ચાંદીનો ભાવ 3,00,000 પ્રતિ કિલોગ્રામ તો સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામનો ભાવ 1,60,000ને પાર થઈ શકે છે. નિષ્ણાતોનું કહેવું છે કે હાલમાં ચાંદીમાં નવી રૅકોર્ડ સપાટી બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગનો દોર જોવાઈ શકે છે. સોનામાં પણ આવી જ સ્થિતિ દેખાશે પરંતુ લાંબા ગાળે બંને ધાતુઓ ફરી એકવાર નવી ટોચે પહોંચે તેવી શક્યતા છે.


