Get The App

નેપાળની હિંસામાં ભારતીય મહિલાનું મોત, ભીડે આગ લગાવતા હોટલના ચોથા માળેથી પતિ-પત્નીની છલાંગ

Updated: Sep 12th, 2025

GS TEAM

Google News
Google News
નેપાળની હિંસામાં ભારતીય મહિલાનું મોત, ભીડે આગ લગાવતા હોટલના ચોથા માળેથી પતિ-પત્નીની છલાંગ 1 - image


Nepal Protests 2025: નેપાળમાં Gen-Z આંદોલનના કારણે શરૂ થયેલી હિંસાનો ભોગ એક ભારતીય પરિવાર બન્યો છે. આ હિંસામાં ગાઝિયાબાદના ટ્રાન્સપોર્ટર રામવીર સિંહ ગોલા અને તેની પત્ની રાજેશ દેવી પશુપતિનાથ મંદિરના દર્શન માટે કાઠમંડુ ગયા હતા. પરંતુ Gen-Z દેખાવકારોએ તે બંને જે હોટલમાં રોકાયા હતા તેમાં આગ લગાવી દીધી હતી. જેના કારણે રામવીર અને રાજેશ દેવીએ હોટલના ચોથા માળેથી કૂદી પડ્યા હતા. રામવીરને નાની ઈજાઓ પહોંચી હતી, પરંતુ તેની પત્નીને ગંભીર ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પરંતુ સારવાર દરમિયાન 10મી સપ્ટેમ્બરની રાત્રે તેનું મૃત્યુ નિપજ્યું હતું.

પીડિત પરિવારે શું કહ્યું....

મૃતક રાજેશ દેવીના મોટા દીકરા વિશાલે જણાવ્યું કે, 'આઠમી સપ્ટેમ્બરે પશુપતિનાથ મંદિરમાં પૂજા કર્યા પછી મારા માતા-પિતા ખૂબ ખુશ હતા. તેમણે અમને કાઠમંડુ બતાવવા માટે એક વીડિયો કોલ પણ કર્યો હતો. પરંતુ નવમી સપ્ટેમ્બરની રાત્રે હિંસા ફાટી નીકળી. ટોળાએ હોટલ પર હુમલો કર્યો અને તેને આગ લગાવી દીધી. જ્યારે સીડીઓ ધુમાડાથી ભરાઈ ગઈ, ત્યારે મારા પિતાએ બારીના કાચ તોડી નાખ્યા. બંનેનો રૂમ ચોથા માળે હતો. પિતાએ ચાદર બાંધી અને હોટલની નીચે મૂકેલા ગાદલા પર કૂદી પડ્યા. પરંતુ મારી માતા નીચે ઉતરવાનો પ્રયાસ કરતી વખતે લપસી ગઈ અને તેમની પીઠ પર ગંભીર ઈજાઓ પહોંચી હતી.'



આ પણ વાંચો: નેપાળમાં ફસાયેલા 37 અમદાવાદીઓ મહામુસીબતે પરત ફર્યા, મિત્રો-પરિવારજનોએ કર્યું સ્વાગત

પરિવારનો આરોપ છે કે સેનાના જવાનો રાજેશ દેવીને કારમાં હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ રામવીર સિંહ ગોલા દ્વારા વારંવાર વિનંતી કરવા છતાં, ઈજાગ્રસ્ત પત્ની સાથે બેસવા દેવામાં આવ્યા ન હતા. 2-3 કલાક શોધખોળ કર્યા પછી, રામવીર સિંહને તે હોસ્પિટલ મળી જ્યાં તેમની પત્ની દાખલ હતી. ત્યાં ગયા પછી, તેમને ખબર પડી કે તે હવે આ દુનિયામાં નથી. તેમનું મૃત્યુ નિપજ્યું હતું.



ઘણાં ભારતીયો હજુ પણ નેપાળમાં ફસાયેલા

અહેવાલો અનુસાર, ભારતીય શ્રદ્ધાળુઓના ઘણાં જૂથો નેપાળમાં ફસાયેલા છે. મહારાજગંજમાં ભારત-નેપાળ સરહદ પર પાછા ફરતા પ્રવાસીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે કારણ કે વધતી જતી હિંસા વચ્ચે ઘણાં પ્રવાસીઓએ તેમની યાત્રાઓ ટૂંકી કરી દીધી છે. સુરક્ષિત રીતે ભારત પરત ફરેલા એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, 'અમે નેપાળના પશુપતિનાથ મંદિર જઈ રહ્યા હતા. જોકે, તણાવપૂર્ણ પરિસ્થિતિને કારણે અમે ત્યાં જઈ શક્યા નહીં. ત્યાંની પરિસ્થિતિને કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. હવે અમે ઘરે પાછા ફરી રહ્યા છીએ.'

Tags :