નેપાળમાં ફસાયેલા 37 અમદાવાદીઓ મહામુસીબતે પરત ફર્યા, મિત્રો-પરિવારજનોએ કર્યું સ્વાગત
Ahmedabad Tourist Returned from Nepal: નેપાળમાં ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા ઉપર પ્રતિબંધ સહિતના પ્રશ્નોને લઈ યુવાનોએ Gen-Z નામે આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલને બીજા દિવસે હિંસક સ્વરૂપ ધારણ કરતા પશુપતિનાથ અને અન્ય ધાર્મિક સ્થળોએ યાત્રામાં ગયેલા અમદાવાદના 37 પ્રવાસીઓ ફસાયા હતા. જે શુક્રવારે (12મી સપ્ટેમ્બર) વતન પરત ફરતા મિત્રો-પરિવારજનોએ કર્યું તેમનું સ્વાગત કર્યું હતું.
અમદાવાદના પ્રવાસીઓ 4 દિવસથી નેપાળમાં ફસાયેલા હતા
મળતી માહિતી અનુસાર, નેપાળમાં ચાલી રહેલી હિંસામા ફસાયેલા અમદાવાદના 37 મુસાફરોઓ વતન પરત ફર્યા છે. આ લોકો નેપાળના પશુપતિનાથ, મુક્તિધામ, પોખરા જેવા વિવિધ સ્થળોએ દર્શને ગયા હતા. જેમાં વસ્ત્રાલ વિસ્તારના આકૃતિ સોસાયટીમાં રહેતા ત્રણ પરિવારોના સભ્યોનો સમાવેશ થાય છે. આ પ્રવાસીઓ ચાર દિવસથી નેપાળમાં ફસાયેલા હતા અને હવે તેઓ તેમના નિવાસસ્થાને પહોંચી ગયા છે. સ્થાનિક રહીશો અને આકૃતિ સોસાયટીના રહીશોએ તેમનું ફૂલહારથી ભવ્ય સ્વાગત કર્યું હતું.
ભાવનગરના 87 પ્રવાસીઓ સુરક્ષિત ભારત પહોંચ્યા
ઉલ્લેખનીય છે કે, ભાવનગર જિલ્લાના નારી ગામ, સિહોર, વરતેજ સહિતના ગામોમાંથી કુલ 36 પ્રવાસી, રસોયા, આયોજન મળી કુલ 43થી વધુ લોકો નેપાળમાં ફાટી નીકળેલા તોફાનના કારણે પોખરાની એક હોટલમાં ફસાયા હતા. ટૂર એન્ડ ટ્રાવેલ્સ દ્વારા આયોજીત પ્રવાસમાં મોટાભાગના વૃદ્ધો હતાં, જે વિસ્ફોટક સ્થિતિથી ગભરાઈ ગયા હતા. આ દરમિયાનમાં ભાવનગરના રાજકીય નેતાઓ, સ્થાનિક વહીવટી તંત્રએ તેઓનો સંપર્ક કરી વહેલી તકે નેપાળમાંથી બહાર કાઢવા આશ્વાસન આપ્યું હતું. બુધવારે (10મી સપ્ટેમ્બર) સવારે નેટવર્ક ઈસ્યુના કારણે તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો. બાદમાં બપોરે સંપર્ક થતાં તેઓ ટુરિસ્ટ બસમાં જ બેસી પોખરાથી નીકળી ગયા હતા અને રાત સુધીમાં ઉત્તરપ્રદેશના ગોરખપુર ખાતે સુરક્ષિત રીતે પહોંચ્યા હોવાનું જિલ્લા વહીવટી તંત્રએ સત્તાવાર રીતે જણાવ્યું હતું.