મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન ક્યારે શરુ થશે? સરકારે સંસદમાં આપી માહિતી
Bullet Train Project Updates: ભારતમાં વર્ષોથી રાહ જોઈ રહેલા બુલેટ ટ્રેન મુદ્દે સરકારે મોટી અપડેટ આપી છે. દેશમાં ટૂંક સમયમાં જ બુલેટ ટ્રેન દોડશે. જાપાનની મદદથી ભારતમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે ચાલનારી હાઇ સ્પીડ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.
રેલવે મંત્રાલય દ્વારા લોકસભામાં લેખિત પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત તરફના હિસ્સાનું કામકાજ ડિસેમ્બર 2027 સુધીમાં પૂરું થશે. રૂ. 1.08 લાખ કરોડના ખર્ચે શરુ થનારા આ પ્રોજેક્ટનો 81 ટકા ખર્ચ જાપાનની એક કંપની કરી રહી છે. બાકીનો ખર્ચ રેલવે મંત્રાલય, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને ભોગવશે.
રેલવે મંત્રાલયે આપી અપડેટ
રેલવે મંત્રાલય દ્વારા લોકસભામાં એક લેખિત પ્રશ્નના જવાબમાં જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં વાપીથી સાબરમતી વચ્ચેના હિસ્સાનું કામકાજ ડિસેમ્બર, 2027 સુધી પૂરુ થવાની યોજના છે. જ્યારે સંપૂર્ણ પ્રોજેક્ટ ડિસેમ્બર, 2029માં પૂર્ણ થશે. આ હાઈ સ્પીડ રેલવે પ્રોજેક્ટ કુલ 508 કિ.મી. લાંબો છે. જાપાનની સરકાર નાણાકીય અને ટેક્નિકલ સહાય પૂરી પાડી રહી છે. બુલેટ ટ્રેન મહારાષ્ટ્ર, ગુજરાત, દાદરા નગર હવેલીમાં પસાર થશે. આ રૂટ પર કુલ 12 સ્ટેશન બનાવાશે, જેમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર, વાપી, બિલિમોરા, સુરત, ભરુચ, વડોદરા, આણંદ, અમદાવાદ અને સાબરમતી સામેલ છે.
અત્યંત જટિલ પ્રોજેક્ટ
મંત્રાલયે આગળ જણાવ્યું હતું કે, બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અત્યંત જટિલ છે. સિવિલ વર્ક, ટ્રેક, વીજ, સિગ્નલ, ટેલિકોમ્યુનિકેશન અને ટ્રેનના સેટ મળ્યા બાદ તેનું સંપૂર્ણ કામકાજ પૂર્ણ થશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે જરૂરી જમીનનું હસ્તાંતરણ પૂર્ણ થઈ ચૂક્યું છે. ભારતમાં એમએએચએસઆર કોરિડોરથી આગળ બુલેટ ટ્રેન નેટવર્કનું વિસ્તરણ અને કોમર્શિયલાઇઝેશન, આર્થિક અને પ્રવાસનની રીતે મહત્ત્વ ધરાવતા શહેરો વચ્ચે વધતી મુસાફરોની માગ પૂરી કરશે. આ માટે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિ. વિસ્તૃત પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરી રહ્યું છે.