Explainer: ભારતથી 4500 કિ.મી. દૂર મહાદેવના મંદિર માટે બે દેશ વચ્ચે યુદ્ધ, 118 વર્ષ જૂનો છે વિવાદ
Preah Vihear Temple Triggers Cambodia-Thailand War : રશિયા-યુક્રેન અને ઇઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચેનું યુદ્ધ શાંત નથી થયું ત્યાં જગત એક નવા યુદ્ધનું સાક્ષી બની રહ્યું છે. દક્ષિણ-પૂર્વી એશિયાના બે પડોશી દેશ કંબોડિયા અને થાઇલૅલેન્ડે એકબીજા પર હુમલો કર્યો છે. ફક્ત ગોળીબારના છમકલાં નહીં, લશ્કરી ઠેકાણા પર હવાઈ હુમલા કરાયા છે, જે આ સંઘર્ષની ગંભીરતા દર્શાવે છે.
કોણે પહેલા હુમલો કર્યો?
કંબોડિયા અને થાઇલૅન્ડ વચ્ચે છેડાયેલી લડાઈ માટે બંને દેશો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. થાઇલૅન્ડની સેનાએ કહ્યું છે કે, પહેલો હુમલો કંબોડિયા તરફથી થયો હતો. જ્યારે કંબોડિયાનું એવું કહેવું છે કે થાઇલૅન્ડે પહેલો હુમલો કર્યો હતો. અમે તો ફક્ત સ્વરક્ષણ માટે વળતો હુમલો કર્યો હતો. બીજી તરફ, થાઇ સૈન્યે ગુરુવારે કંબોડિયાના લશ્કરી થાણાં પર હવાઈ હુમલા કર્યા હતા. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે થાઇલૅન્ડના વિમાનોએ ઐતિહાસિક પ્રીહ વિહાર મંદિર નજીક બોમ્બ ફેંક્યા હતા.
બંને દેશોને નુકસાન થયું, અથડામણો ચાલુ
બંને દેશ વચ્ચેની લડાઈમાં ઓછામાં ઓછા 9 નાગરિકોના મોત થયા હતા અને 14 લોકોને ઈજા થઈ છે. સૌથી વધુ જાનહાનિ થાઇલૅન્ડના ‘સી સા કેટ’ પ્રાંતમાં થઈ છે, જ્યાં છ લોકો માર્યા ગયા હતા. હવાઈ હુમલા શરુ થયા એના થોડા કલાકો પહેલા બંને દેશે એકબીજા સાથેના રાજદ્વારી સંબંધો પર પણ રોક લગાવી દીધી હતી. બંને દેશ વચ્ચે સરહદ પર છ વિસ્તારોમાં અથડામણ ચાલુ છે.
વિવાદના મૂળમાં ભગવાન શિવનું મંદિર
કંબોડિયા અને થાઇલૅન્ડ વચ્ચે લડાઈનું કારણ સરહદનો વિવાદ છે. બંને દેશ વચ્ચે 817 કિલોમીટરની જમીની સરહદ છે. 1863થી 1953 સુધી કંબોડિયા પર શાસન કરનાર ફ્રાન્સ દ્વારા 1907માં આ જમીન સરહદનો નકશો બનાવાયો હતો, જેને લીધે 11મી સદીમાં બંધાયેલું ‘પ્રીહ વિહાર મંદિર’ કંબોડિયાની હદમાં જતું રહ્યું હતું. મંદિરને કારણે થાઇલૅન્ડે આ નકશાનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિવાદ વધી જતાં 1962માં ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ દ્વારા નકશાનું સમર્થન કરાયું હતું. નોંધનીય છે કે, પ્રીહ વિહાર મંદિર ભગવાન શિવને સમર્પિત છે.
શિવ મંદિર વૈશ્વિક વારસાની યાદીમાં સામેલ
વર્ષ 2008માં કંબોડિયાએ પ્રીહ વિહાર મંદિરને યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનો દરજ્જો આપવાની માંગ કરી ત્યારે પણ થાઇલૅન્ડ ભડક્યું હતું. જુલાઈ 2008માં મંદિરને યુનેસ્કોની માન્યતા મળી, એ પછી સરહદી વિસ્તારમાં કંબોડિયન અને થાઇ સૈનિકો વચ્ચે અથડામણો શરુ થઈ હતી, જે વર્ષો સુધી ચાલુ રહી અને 2011માં ચરમસીમાએ પહોંચી.
આ અથડામણોને પગલે 36,000 લોકો વિસ્થાપિત
વર્ષ 2011માં સંઘર્ષ ચરમસીમાએ પહોંચ્યો, જેના કારણે 36,000 લોકો વિસ્થાપિત થયા હતા. કંબોડિયા ફરીથી 1962ના નિર્ણયને બહાલી આપવા માટે ફરી એકવાર ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં ગયું હતું. કોર્ટે બે વર્ષ પછી તેના અગાઉના નિર્ણયને ફરીથી સમર્થન આપ્યું હતું. આ નિર્ણયને થાઇલૅન્ડ આજે પણ સ્વીકારી શક્યું નથી. પરિણામે બંને દેશ વચ્ચે નાની-મોટી અથડામણ થયા કરતી હતી, જે હવે હવાઈ હુમલા સુધી પહોંચી ગઈ છે.
રાજદ્વારી સંબંધો અને આયાત પર રોક લગાવી
24 જુલાઈ, ગુરુવારે સવારે થયેલી અથડામણના કલાકો પહેલા કંબોડિયાએ જાહેરાત કરી હતી કે, તે થાઇલૅન્ડ સાથેના રાજદ્વારી સંબંધોને ‘સૌથી નીચા સ્તરે’ લઈ જઈ રહ્યું છે. કંબોડિયાએ થાઇલૅન્ડમાંથી તેના એક સિવાયના બધા રાજદ્વારીઓને પાછા બોલાવવાની પણ જાહેરાત કરી છે, તો કંબોડિયાએ થાઇ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. કંબોડિયાએ થાઇલૅન્ડમાંથી અમુક ચીજોની આયાત પણ અટકાવી દીધી છે.
સવારમાં મંદિર પાસે ગોળીબાર થયો
થાઇ સૈન્યના જણાવ્યા અનુસાર ગુરુવારે સવારે 7:35 વાગ્યે થાઇલૅન્ડના સુરીન પ્રાંત નજીક તા મુએન મંદિરની રક્ષા કરી રહેલા થાઇ સૈનિકોના એક યુનિટે કંબોડિયન ડ્રોનનો અવાજ સાંભળ્યો હતો. આ ઉપરાંત છ સશસ્ત્ર કંબોડિયન સૈનિકો થાઇલૅન્ડ ચોકીની સામે કાંટાળા તારની વાડ પાસે પહોંચ્યા હતા. થાઇ સૈનિકોએ તેમને ચેતવણી આપવા બૂમ પાડી હતી, પરંતુ એને કાને ન ધરતા કંબોડિયન સૈનિકોએ સવારે 8:20 વાગ્યે મંદિરની પૂર્વ બાજુ તરફ ગોળીબાર કર્યો હતો.
જમીન પર બિછાવેલી સુરંગોથી સૈનિકો ઘાયલ
થાઇ લશ્કરે કહ્યું હતું કે, કંબોડિયાએ વિવાદિત સરહદી વિસ્તારમાં નવી લેન્ડમાઇન બિછાવી છે, જેને લીધે લશ્કરી પેટ્રોલિંગ કરતી વખતે પાંચ થાઇ સૈનિકો ઘાયલ થયા હતા. કંબોડિયાએ લેન્ડમાઇન બિછાવી હોવાનો દાવો નકારી કાઢ્યો હતો. પરિણામે થાઇ સૈન્યએ કંબોડિયાના જમીની લશ્કરી થાણા પર હવાઈ હુમલા કરી દીધા હતા.