અમેરિકા સાથે ટેરિફ વિવાદનો ટૂંક સમયમાં જ આવશે ઉકેલ! કેન્દ્ર સરકારે આપી માહિતી
US-India Tariff : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહિવટી તંત્રએ ભારત પર મસમોટો ટેરિફ ઝિંક્યો છે, તેને ઉકેલવા માટે બંને દેશો વચ્ચે બેઠકોનો દરો ચાલી રહ્યો છે, ત્યારે ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે 22 થી 24 સપ્ટેમ્બર દરમિયાન અમેરિકાનો પ્રવાસ કર્યો છે.
ગોયલની ટોચના અધિકારીઓ સાથે યોજાઈ બેઠક
અમેરિકામાં યોજાયેલી બેઠક દરમિયાન ગોયલે અમેરિકી રાજદૂત જેમીસન ગ્રીયર, યુનાઇટેડ સ્ટેટ્સ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ અને ભારતમાં નિયુક્ત અમેરિકી રાજદૂત સર્જિયો ગોર સહિતના ટોચના અધિકારીઓ સાથે મુલાકાત કરી છે. ગોયલના જણાવ્યા મુજબ બંને દેશો વચ્ચે સફળ બેઠક યોજાઈ છે, જે જોતા એવું લાગી રહ્યું છે કે, ટૂંક સમયમાં ટેરિફનો નિવેડો આવી જશે.
ભારત-અમેરિકા વચ્ચે સફળ બેઠક યોજાઈ
બંને દેશો વચ્ચે યોજાયેલી બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યાપારિક સંબંધોને મજબૂત કરવાનો અને રોકાણ વધારવાનો છે. ભારત સરકારે સત્તાવાર કહ્યું છે કે, ભારત-અમેરિકા પરસ્પર લાભદાયી વેપાર કરાર કરવા માટે વહેલી તકે નિષ્કર્ષ પર પહોંચવા માટે પ્રયાસ કરશે.
આ પણ વાંચો : ‘NATO પ્રમુખ ભવિષ્યમાં આવા નિવેદનો આપતા પહેલા વિચારે’, ભારતનો જડબાતોડ જવાબ
ભારતીય પ્રતિનિધિમંડળની મોટી કંપનીઓ અને રોકાણકારો સાથે મુલાકાત
બંને દેશો વચ્ચે સકારાત્મક બેઠક યોજાઈ છે, જેમાં સંભવિત વેપાર કરારના માળખા પર ચર્ચા કરવામાં આવી છે. ભારતીય પ્રતિનિધિમંડળે અમેરિકા સ્થિત મોટી કંપનીઓ અને રોકાણકારો સાથે પણ મુલાકાત કરી છે. તેમણે ભારતની વિકાસ યાત્રામાં વિશ્વાસ વ્યક્ત કરીને દેશમાં પોતાની વેપારી ગતિવિધિઓ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી છે.