mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

'હીટ સ્ટ્રોકથી બચજો...', દેશમાં ભયંકર ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર સરકારની રાજ્યોને એડવાઈઝરી

Updated: Apr 3rd, 2024

'હીટ સ્ટ્રોકથી બચજો...', દેશમાં ભયંકર ગરમીની ચેતવણી વચ્ચે કેન્દ્ર સરકારની રાજ્યોને એડવાઈઝરી 1 - image


Heat Wave Forecast : હવામાન વિભાગે (IMD) આ વર્ષ માટે આકરી ગરમીની આગાહી જાહેર કરી છે. જેને લઈને કેન્દ્ર સરકાર પણ અત્યારથી એક્ટિવ મોડમાં છે. હવામાન વિભાગની ચેતવણી બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે મોટી બેઠક યોજી. જેમાં IMD, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારી હાજર હતા. સમીક્ષા બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને એડવાઈઝરી જાહેર કરવા કહ્યું છે.

બેઠક બાદ મનસુખ માંડવિયાએ કહ્યું કે, 'IMDએ આ વર્ષ માટે અલ-નીનોની ભવિષ્યવાણી કરી છે અને તેના માટે આ વર્ષે હીટવેવની સંભાવના વધારે છે. IMDના અનુસાર આ ગરમીમાં તાપમાન સામાન્યથી વધારે રહેશે. આ વર્ષે ચૂંટણીનું વર્ષ છે અને હીટવેવને લઈને હીટ સ્ટ્રોક ન થાય તેનાથી બચવા માટે મેં IMD, સ્વાસ્થ્ય વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિકારીઓ સાથે વિસ્તૃત સમીક્ષઆ કરી અને કેન્દ્ર તરફથી રાજ્યસરકારોને એડવાઈઝરી જાહેર કરવા કહેવાયું છે.'

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, 'હીટ વેવ ક્યાંક હીટ સ્ટ્રોકનું રૂપ ન લઈ લે તેને લઈને કેટલાક દિશાનિર્દેશ જાહેર કરાયા છે. હીટ સ્ટ્રોક ગરમીના કારણે થનારી ગંભીર બીમારી છે. આ ત્યારે થાય છે જ્યારે શરીર પોતાના તાપમાનને નિયંત્રિત ન કરી શકે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, દર વર્ષે ઉનાળામાં જે તાપમાન રહે છે તેનાથી આ વર્ષે વધુ તાપમાન રહેવાનો અંદાજ છે. જેને જોતા લોકોને ખાસ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. આ વર્ષે તમે ચૂંટણી અભિયાનો માટે જાઓ તો તમે પાણી પીતા રહો અને સાથે પાણીની બોટલ રાખો. લોકોને વારંવાર પાણી પીવાની સાથે જ્યૂસ પણ પીવું જોઈએ. આ સિવાય લીંબુ પાણી પણ પીવું જોઈએ. ઉનાળામાં ફળ પણ ખાઈ શકો છો.'

કયા રાજ્યોમાં પડી શકે છે ભયંકર ગરમી?

હવામાન વિભાગના અનુસાર, ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિસા, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં ગરમીની સૌથી ખરાબ અસર થવાની શક્યતા છે. એપ્રિલ અને જૂન વચ્ચે દેશના વધુ પડતા વિસ્તારોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેવાની સંભાવના છે, પૂર્વ અને ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં અને ઉત્તર-પશ્ચિમ ભારતના કેટલાક ભાગોને છોડીને જ્યાંથી સામાન્યથી સામાન્યથી નીચે મહત્તમ તાપમાન રહેવાનું અનુમાન છે.

'...તો પ્રદૂષણની સાથે ગરમી પણ વધશે'

એકતરફ વીજળીની માંગ પૂરી કરવા માટે ભારત સંઘર્ષ કરી રહ્યો છે, તો બીજીતરફ ગરમીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભારતનું હાઇડ્રોપાવર ઉત્પાદન છેલ્લા 38 વર્ષમાં ઝડપથી ઘટી ગયું છે. આગામી મહિનામાં પણ હાઈડ્રોપાવર ઉત્પાદન ઓછું થવાની સંભાવના છે. આ કારણે કોલસા પર નિર્ભરતા વધી જશે. જો કોલસાનું ઉત્પાદન વધશે તો પ્રદૂષણની સાથે ગરમીમાં પણ વધારો થશે.

કૃષિ ઉત્પાદન પ્રભાવિત થશે, પાણીની અછત સર્જાશે

ગરમી વધવાના કારણે લોકો ગરમી સંબંધિત બીમારીઓમાં સપડાઈ શકે છે. કૃષિ ઉત્પાદન પ્રભાવિત થઈ શકે છે, પાણીની અછત થઈ શકે છે, ઉર્જાની માંગ વધી શકે છે અને ઇકોસિસ્ટમ અને હવાની ગુણવત્તાને અસર થઈ શકે છે.

ભારતમાં ઓછો વરસાદ અને વધુ ગરમીનું કારણ અલ નીનો

ભારતમાં ઓછો વરસાદ અને વધુ ગરમીનું કારણ અલ નીનો છે. હાલ ભૂમધ્યરેખા પાસેના પ્રશાંત ક્ષેત્રમાં અલ નીનોની મધ્યમ સ્થિતિ છે, જેના કારણે સમુદ્ર પરની સપાટીનું તાપમાન સતત વધી રહ્યું છે. સમુદ્ર પરની સપાટીની ગરમી હવાના પ્રવાહને અસર કરે છે. પ્રશાંત મહાસાગર પૃથ્વીના ત્રીજા ભાગને આવરી લે છે, તેથી ત્યાં તાપમાનમાં ફેરફાર થવાથી અથવા પવનની પેટર્ન બદલાવાથી, તેની અસર સમગ્ર વિશ્વમાં થાય છે.

ગરમીની લહેર એટલે કે હિટવેવમાં વૃદ્ધિ કેમ થઈ રહી છે?

2023માં પીએલઓએસ ક્લાઈમેટ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, વિશ્વભરમાં ગરમીની લહેરો જળવાયુ પરિવર્તનના કારણે ‘તીવ્ર અને ઘાતક’ બની રહી છે. 2022ના ડેટામાં જાણવા મળ્યું છે કે, ભારતના 90 ટકાથી વધુ ભાગોમાં જળવાયુ પરિવર્તનની ગંભીર અસર પડી શકે છે. અભ્યાસમાં એમ પણ કહેવાયું છે કે, ગરમીના દિવસોની સંખ્યા અને તેની તિવ્રતામાં વધારો થવાથી ભારતની જાહેર આરોગ્ય સેવા અને કૃષિ ઉત્પાદન કથળી શકે છે. આ કારણે ખાદ્ય ઉત્પાદન ઘટવાની સાથે બિમારી ફેલાઈ શકે છે.

Gujarat