Get The App

કોણ છે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા, એરસ્ટ્રાઈક બાદ સેનાએ બતાવી નારીશક્તિ

Updated: May 7th, 2025

GS TEAM

Google News
Google News
Who is Vyomika Singh and Colonel Sofia Qureshi


Who is Vyomika Singh and Colonel Sofia Qureshi: આજે, ભારતની બહાદુર દીકરીઓ ફક્ત સરહદોનું રક્ષણ જ નથી કરી રહી, પરંતુ આંતરરાષ્ટ્રીય મંચ પર દેશનો અવાજ પણ બની રહી છે. જ્યારે ઓપરેશન સિંદૂર હેઠળ વિશ્વભરના મીડિયાને માહિતી આપવાનો સમય આવ્યો, ત્યારે ભારતીય સેનાના કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને આ જવાબદારી માટે પસંદ કરવામાં આવ્યા. તેમની સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરીએ પણ આ મહત્ત્વપૂર્ણ પ્રેસ બ્રીફિંગમાં હાજરી આપી હતી. 

કોણ છે કર્નલ સોફિયા કુરેશી?

કર્નલ સોફિયા કુરેશી ભારતીય સેનામાં એક એવું નામ છે, જે જુસ્સા, મહેનત અને નેતૃત્વનું ઉદાહરણ બની ગયું છે. એક્સરસાઇઝ ફોર્સ 18 હેઠળ 18 દેશોની મલ્ટીનેશનલ આર્મી ડ્રીલમાં ભારતનું કમાન્ડિંગ કરવાની તક મળતાં તેઓ ચર્ચામાં આવ્યા હતા. તેમજ તે એકમાત્ર મહિલા હતા જે કોઈપણ દેશના સૈન્ય ટીમનું કમાન્ડિંગ કરી રહ્યા હોય. તેમણે 40 સૈનિકોની ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું.

કર્નલ સોફિયાની અત્યાર સુધીની સફર

ગુજરાતના વડોદરામાં જન્મેલા સોફિયાએ બાયોકેમિસ્ટ્રીમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ વર્ષ 1999માં તેઓ ઇન્ડિયન આર્મીમાં જોડાયા. તેઓ સિગ્નલ કોર્પ્સમાંથી છે, જે સેનાના સંદેશાવ્યવહાર અને માહિતી પ્રણાલી માટે જવાબદાર છે.

વર્ષ 2006 માં, તેમને યુએન પીસકીપિંગ મિશન હેઠળ કોંગોમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા અને 6 વર્ષથી વધુ સમયથી શાંતિ મિશનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે. તેમને પીસકીપિંગ ટ્રેનિંગ ગ્રુપમાંથી પસંદ કરવામાં આવ્યા હતા, જે આંતરરાષ્ટ્રીય મિશન માટે શ્રેષ્ઠ તાલીમ પૂરી પાડે છે. તેમનો સેના સાથે જૂનો સંબંધ છે. તેમના દાદા સેનામાં હતા અને તેના પતિ મિકેનાઇઝ્ડ ઇન્ફન્ટ્રીમાં ઓફિસર છે.

કોણ છે વ્યોમિકા સિંહ?

વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ભારતીય વાયુસેનામાં હેલિકોપ્ટર પાઇલટ તરીકે સેવા આપે છે. 18 ડિસેમ્બર 2004ના રોજ ભારતીય વાયુસેનામાં વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહને વર્તમાન સમયના શ્રેષ્ઠ વિંગ કમાન્ડરોમાંના એક માનવામાં આવે છે. જેમને લડાયક હેલિકોપ્ટર ઉડાવવાનો ઉત્તમ અનુભવ છે.

આ ઉપરાંત વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહ ચિત્તા, ચેતક જેવા લડાયક હેલિકોપ્ટર ઉડાવવામાં પણ કુશળતા ધરાવે છે. વાયુસેનામાં જોડાયાના 13 વર્ષ પછી વ્યોમિકા સિંહને વિંગ કમાન્ડરનું પદ મળ્યું અને 18 ડિસેમ્બર 2017 ના રોજ તેઓ વિંગ કમાન્ડર બન્યા. તેમની પાસે હાલમાં 2,500 કલાક ઉડાનનો અનુભવ છે, જે તેમને સૌથી સક્ષમ બનાવે છે. 

વ્યોમિકા સિંહને 18 ડિસેમ્બર 2004ના રોજ ભારતીય વાયુસેનામાં કમિશન આપવામાં આવ્યું હતું. તેમણે 21મા SSC (મહિલા) ફ્લાઈંગ પાયલટ કોર્સ હેઠળ તાલીમ મેળવી હતી. આ શોર્ટ સર્વિસ કમિશન કોર્સ છે જે ખાસ કરીને મહિલા અધિકારીઓ માટે જ બનાવવામાં આવ્યો છે.

વ્યમિકા સિંહે અનેક બચાવ કામગીરીમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમની ઓપરેશનલ ભૂમિકા ઉપરાંત, વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે ઉચ્ચ સહનશક્તિ મિશનમાં પણ ભાગ લીધો છે. 2021માં, તે 21,650 ફૂટની ઊંચાઈ પર સ્થિત માઉન્ટ મણિરંગ પર ત્રિ-સેવાઓની મહિલા પર્વતારોહણ અભિયાનમાં જોડાયા હતા. આ પ્રયાસને વાયુસેનાના વડા સહિત વરિષ્ઠ સંરક્ષણ અધિકારીઓએ માન્યતા આપી હતી.

પ્રેસ બ્રીફિંગ માટે ફક્ત મહિલા અધિકારીઓની પસંદગી જ કેમ?

પ્રેસ બ્રીફિંગ માટે મહિલા અધિકારીઓની પસંદગી કરવાનો નિર્ણય તેમના અસાધારણ લશ્કરી પ્રદર્શન અને નેતૃત્વ ક્ષમતાઓને ધ્યાનમાં લઈને લેવામાં આવ્યો છે. 

લેફ્ટનન્ટ કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકાએ ભારતીય સશસ્ત્ર દળો નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પહલગામ આતંકવાદી હુમલામાં, મોટાભાગની પરિણીત મહિલાઓએ પોતાના પતિઓને પોતાની નજર સામે બરબાદ થતા જોયા. આવી સ્થિતિમાં, મહિલાઓની પસંદગી એ સંદેશ પણ આપે છે કે ભારતીય સશસ્ત્ર દળોમાં મહિલાઓનું યોગદાન બીજા કોઈથી ઓછું નથી.

કોણ છે કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડર વ્યોમિકા, એરસ્ટ્રાઈક બાદ સેનાએ બતાવી નારીશક્તિ 2 - image

Tags :