પાકિસ્તાને છોડેલા તૂર્કિયેના ડ્રોન-ચીનની મિસાઇલ તોડી પાડી, ભારતની એર ડિફેન્સ સિસ્ટમ અભેદ્ય: સેના
India- Pakistan Tension DGMO Press Meet: ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા સંઘર્ષ વિશે વધુ માહિતી આપવા ભારતીય સેનાના ત્રણેય પાંખના DGએ મીડિયાને સંબોધન કર્યું હતું. આ તમામે ઓપરેશન સિંદૂર વિશે વિસ્તૃત માહિતી આપી. જેમાં ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું કે, 'અમારી લડાઈ આતંકવાદ વિરુદ્ધ હતી. અમે 7 મેના રોજ માત્ર આતંકવાદીઓને ટાર્ગેટ કર્યા હતા, પરંતુ પાકિસ્તાનની સેનાએ આતંકવાદનો સાથ આપ્યો. પહલગામ હુમલા બાદ આતંકવાદીઓના પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. જેનો જવાબ આપવો જરૂરી હતો.'
ડિરેક્ટર જનરલ એર ઓપરેશન્સ એર માર્શલ એ. કે. ભારતી, DGMO લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ અને ડિરેક્ટર જનરલ નેવલ ઓપરેશન્સ વાઈસ એડમિરલ એ. એન. પ્રમોદે પ્રેસ બ્રીફિંગમાં માહિતી આપી હતી. DGMOએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, અમે પાકિસ્તાન અને POKમાં કરેલા ઓપરેશનની વિસ્તૃત માહિતી આપી રહ્યા છીએ. અમારી લડત આતંકવાદીઓ સામે હતી. સાતમી મેએ અમે માત્ર આતંકવાદી ઠેકાણા પર જ હુમલા કર્યા હતા, પણ પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓનો સાથ આપ્યો, જે કમનસીબી છે. ત્યાર પછી પાકિસ્તાનને જે પણ નુકસાન થયું, તે માટે તે પોતે જ જવાબદાર છે.
ભારતના એરફિલ્ડ સંપૂર્ણપણે સુરક્ષિત
પાકિસ્તાનના ડ્રોનને અમારી શોલ્ડર ફાયર હથિયારો વડે નિષ્ફળ બનાવવામાં આવ્યા હતાં. બીએસએફ જવાનો પણ અમારા આ અભિયાનમાં મજબૂતપણે જોડાયા હતાં. તેઓની મદદથી પાકિસ્તાનની નાપાક હરકતોનો સામનો કરી શક્યા. ભારતીય નૌસેનાએ પણ એટલો જ સહકાર આપ્યો છે. અમે સતત સર્વેલન્સના આધારે પાકિસ્તાનની હિલચાલ પર નજર રાખતાં રહ્યા. ભારતીય સેનાની ત્રણેય પાંખની છાવણી, એરફિલ્ડ, ડિફેન્સ યુનિટ સુરક્ષિત છે. ભવિષ્યમાં જરૂર પડ્યે તો કાર્યવાહી કરવા માટે પણ સંપૂર્ણ સક્ષમ છે.
ચીનની PL-15 મિસાઇલ તોડી પાડવામાં આવી
ભારતની એર ડિફેન્સ સિસ્ટમ સુરક્ષિત રહી હતી. આકાશ એર ડિફેન્સ સિસ્ટમે શાનદાર દેખાવ કર્યો હતો. પાકિસ્તાન દ્વારા વાપરવામાં આવેલી ચીનની PL-15 મિસાઇલ તોડી પાડવામાં આવી હતી. તૂર્કિયેમાં નિર્મિત ડ્રોન અને ચીનની મિસાઇલને નિષ્ફળ બનાવવામાં આવી. તેના અમુક ટુકડાંઓ મળી આવ્યા છે. આતંકવાદીઓ પર હુમલાઓ અમે નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદને પાર કર્યા વિના જ કર્યા હતાં. અમે તેની સંપૂર્ણ તૈયારીઓ કરી હતી.
ક્રિકેટનું ઉદાહરણ આપી ડિફેન્સ સિસ્ટમની સુરક્ષા જણાવી
ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈએ જણાવ્યું હતું કે, 'આપણા એરફિલ્ડ અને લોજિસ્ટિક પર હુમલો કરવો અત્યંત મુશ્કેલ છે. આજે મેં સાંભળ્યું કે, વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તે મારો પણ ફેવરિટ ખેલાડી રહ્યો છે. 1970માં ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે ઓસ્ટ્રેલિયાના બે બોલરે ઇંગ્લૅન્ડને હંફાવી દીધી હતી. ત્યારે ઓસ્ટ્રેલિયા માટે એક રૂઢિપ્રયોગ હતો કે, એશિસ ટુ એશિસ, ડસ્ટ ટુ ડસ્ટ, ઇફ થોમો ડોન્ટ ગેટ યા, લીલી મસ્ટ. તેના પરથી હું કહેવા માગું છું કે, આપણી સિસ્ટમમાં અનેક લેયર્સ છે. જો તમે તમામ ભેદવાનો પ્રયાસ કરશો તો તેની ગ્રીડ સિસ્ટમનું એકાદ લેયર તમારા પર જ હુમલો કરશે.'
પાકિસ્તાની મિરાજ ફાઇટર જેટના કાટમાળના દૃશ્યો:
પાકિસ્તાને છોડેલી ચીની PL-15 મિસાઇલના કાટમાળના દૃશ્યો:
કરાચીથી ઈસ્લામાબાદ સુધી સમગ્ર પાકિસ્તાનમાં વાયુસેનાએ કર્યો હતો હુમલો, નૂરખાન એરબેઝ અને રહીમ યાર ખાન એરબેઝ પર સ્ટ્રાઇકનો વીડિયો
DGMOની પત્રકાર પરિષદ મહત્ત્વના મુદ્દા
● અમારી લડાઈ આતંકવાદ સામે છે, પાકિસ્તાની સેના સામે નહીં: ભારતીય સેના
● પાકિસ્તાની સેનાએ આતંકવાદીઓનો સાથ આપ્યો
● 7 મેએ ભારતે માત્ર આતંકવાદી ઠેકાણા પર પ્રહાર કર્યા
● પાકિસ્તાને જે પણ નુકસાન થયું તેના માટે પોતે જવાબદાર
● તણાવની સ્થિતિમાં અમારી જવાબી કાર્યવાહી જરૂરી હતી
● આતંકવાદ સામેની લડાઈ ચાલુ રહેશે
● ભારતની એર ડિફેન્સ સુવિધાની છે અભેદ્ય દીવાલ
● પાકિસ્તાને મોકલેલા તૂર્કિયેના ડ્રોન અને ચીનની મિસાઇલ અમે નષ્ટ કરી
● અમે આતંકવાદીઓના ઠેકાણાં પણ તબાહ કર્યા
● આપણી એર ડિફેન્સ સિસ્ટમનો સામનો કરવો મુશ્કેલ
● પાકિસ્તાનના લોન્ગ રેન્જ રોકેટને તોડી પડાયા