'કોઈના દબાણમાં નહીં આવીએ...', ભારત-અમેરિકા ટ્રેડ ડીલ મામલે ગોયલ બાદ શિવરાજ સિંહની આડકતરી ચેતવણી
India USA Trade Deal: ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપાર મંત્રણા મુદ્દે અમેરિકા ગયેલી ભારતીય પ્રતિનિધિની ટીમ પરત આવી ચૂકી છે. થોડા સમયમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર મુદ્દે સકારાત્મક ચર્ચાઓ ચાલી રહી હતી. પરંતુ અમુક મુદ્દાઓ પર વાત અટવાતા અંતિમ સહમતિ થઈ નથી. આ મામલે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ બાદ કૃષિ મંત્રી શિવરાજ સિંહે પણ આડકતરી રીતે અમેરિકાને ચેતવણી આપી દીધી છે કે, 'ભારત કોઈના પણ દબાણમાં આવશે નહીં. પોતાના મૂળ હિતો સાથે ક્યારેય સમાધાન કરીશું નહીં.'
નેશન ફર્સ્ટ અમારો મૂળ મંત્રઃ શિવરાજસિંહ
ભારત અને અમેરિકા વચ્ચે થઈ રહેલી વેપાર મંત્રણા અંતિમ તબક્કામાં છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારત સરકારનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે, દેશ પોતાના મૂળ હિતો સાથે સમાધાન કરશે નહીં. નેશન ફર્સ્ટ અમારો મૂળ મંત્ર છે. કોઈપણ પ્રકારની કોઈ વાતચીત દબાણમાં આવીને કરીશું નહીં. ભારતીય ખેડૂતોના હિતોને ધ્યાનમાં વાતચીત થશે. અમે કોઈપણ પ્રકારના દબાણમાં આવીશું નહીં.
ઉતાવળે નિર્ણય લઈશું નહીંઃ ગોયલ
શિવરાજ સિંહ ચૌહાણ પહેલાં કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલે સરકારના આ વલણ સ્પષ્ટ કર્યા હતાં. તેમણે ગત શુક્રવારે જણાવ્યું હતું કે, ભારત વેપાર કરારમાં ઉતાવળ કરશે નહીં. એફટીએ બંને પક્ષો માટે જીતની સ્થિતિ હોવી જોઈએ. ક્યારેય પણ ડેડલાઈનના આધારે ટ્રેડ ડીલ પર વાતચીત નહીં કરીએ. ઉલ્લેખનીય છે, અમેરિકા ભારતને પોતાનું કૃષિ અને ડેરી ક્ષેત્ર ખોલવા દબાણ કરી રહ્યું છે. જેથી ટ્રેડ ડીલ અંત સુધી પહોંચી નથી. ભારત પોતાના અત્યંત મહત્ત્વના ક્ષેત્ર માટે મર્યાદાઓ જાળવી રાખવા માગે છે.
ભારતની ખાદ્ય સુરક્ષા નબળી બનશે?
ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાદ્યો હતો. તેમાં આપવામાં આવેલી 90 દિવસની રાહત 9 જુલાઈના રોજ પૂર્ણ થઈ રહી છે. અમેરિકા ઔદ્યોગિક પ્રોડક્ટ્સ, ઈવી, પેટ્રોકેમિકલ્સ, કૃષિ, અને ડેરી પ્રોડક્ટ્સ પર ટેરિફ ઘટાડવાની માગ કરી રહ્યું છે. જ્યારે ભારતે કાપડ, જેમ્સ-જ્વેલરી, ચામડું, કેળા, દ્રાક્ષ સહિત અન્ય પ્રોડક્ટ્સ પર ટેરિફમાં રાહતને પ્રાથમિકતા આપી છે. જો અમેરિકાની માગને ભારત માને અને કૃષિ પ્રોડક્ટ્સ પર ટેરિફ કપાત લાગુ કરે તો ભારતની ખાદ્ય સુરક્ષા નબળી બનવાની ભીતિ વધશે. નાના ખેડૂતોને સસ્તી, સબસિડી આધારિત આયાત અને વૈશ્વિક મૂલ્યમાં અસ્થિરતાનો સામનો કરવો પડી શકે.