ઈલોન મસ્કે 'અમેરિકા પાર્ટી' બનાવવાની જાહેરાત તો કરી પણ શું રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લડી શકશે? ઉઠ્યા 5 સવાલ
Elon Musk America Party: વિશ્વના પ્રસિદ્ધ ઉદ્યોગપતિ અને ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક હવે રાજકારણમાં ઉતર્યા છે. તેમણે ગઈકાલે શનિવારે (5 જુલાઈ, 2025) પોતાની નવી પાર્ટી 'અમેરિકા પાર્ટી' શરૂ કરવાની જાહેરાત કરી છે. નવી પાર્ટીની જાહેરાતથી તેઓ ટ્રમ્પને ખુલ્લેઆમ પડકારવા તૈયાર હોય તેવો સંકેત મળ્યો છે. આ પાર્ટીના નિર્માણ પહેલાં તેમણે X પર પૉલ કરી લોકોને પૂછ્યું હતું કે, શું અમેરિકાને એક નવી રાજકીય પાર્ટી જોઈએ? મોટાભાગના લોકોએ તેનો 'હા'માં જવાબ આપતાં ઈલોન મસ્કે નવી પાર્ટીની રચના કરી. તેમણે આ મામલે સોશિયલ મીડિયા X પર જાણકારી આપી હતી કે, 'આજે 'અમેરિકા પાર્ટી'ની રચના કરી છે. જેથી તમને તમારી આઝાદી પાછી મળી શકે.'
1. શા માટે રાજકારણમાં ઉતર્યા?
મસ્ક અમેરિકાની બે ટોચની રાજકીય પાર્ટીથી નારાજ છે. તેમણે કહ્યું હતું કે, ડેમોક્રેટ અને રિપબ્લિકન બંને પાર્ટી હવે જનતા માટે કામ કરતી નથી. જનતા હવે પરિવર્તન ઈચ્છે છે. મસ્કે બંનેને 'યુનિપાર્ટી' તરીકે સંબોધિત કરી હતી. અમેરિકાના લોકોની આઝાદી પાછી અપાવવાના હેતુ સાથે નવી પાર્ટીની રચના કરી છે. મસ્કની નવી રાજકીય પાર્ટીની જાહેરાતથી અટકળો વહી રહી છે કે, આગામી રાષ્ટ્રપ્રમુખની ચૂંટણીમાં મસ્ક ઉમેદવારી નોંધાવશે. આવો જાણીએ શું મસ્ક ચૂંટણી લડી શકશે?
2. શું રાષ્ટ્રપ્રમુખ પદની ચૂંટણી લડશે?
ઈલોન મસ્કે રાજકારણમાં ખુલ્લેઆમ પ્રવેશ તો લીધો છે. પરંતુ તે અમેરિકાના પ્રમુખની ચૂંટણી લડી શકશે નહીં. કારણકે, અમેરિકાના બંધારણ અનુસાર, અમેરિકામાં જન્મેલા લોકો જ રાષ્ટ્રપ્રમુખ બની શકે છે. ઈલોન મસ્કનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. 2002માં અમેરિકાનું નાગરિકત્વ લીધુ હતું. તેમણે પોતે પણ અગાઉ કહ્યું હતું કે, હું રાષ્ટ્રપ્રમુખ બની શકીશ નહીં, કારણકે મારો જન્મ આફ્રિકામાં થયો છે.
3. પાર્ટીને કેવી રીતે કરશે મદદ?
ઈલોન મસ્ક વિશ્વના સૌથી વધુ ધાનાઢ્ય વ્યક્તિ છે. ફોર્બ્સ અનુસાર, મસ્ક આશરે 405 અબજ ડોલરની નેટવર્થ ધરાવે છે. પોતાની નવી રાજકીય પાર્ટીને તે સૌથી વધુ ફંડિંગ આપનારા નેતા બની શકે છે. મસ્કનું અમેરિકા PAC નામનું ગ્રૂપ અગાઉ 2024માં ટ્રમ્પની ચૂંટણી પાછળ 337 કરોડ ખર્ચ કરી ચૂક્યું છે. હવે માનવામાં આવી રહ્યું છે કે, આ પૈસા મસ્કની નવી પાર્ટીને મદદરૂપ બનશે. 2025માં નવી પાર્ટી પાછળ કેટલો ખર્ચ કરશે તેની સ્પષ્ટતા કરી નથી.
4. મસ્કની પાર્ટીમાં કયાં નેતાઓ જોડાશે?
ઈલોન મસ્કની નવી પાર્ટીમાં હાલ મસ્ક સિવાય અન્ય કોઈ નેતાની સત્તાવાર જાહેરાત થઈ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર અનેક નામો પર અટકળો ચાલી રહી છે. જેમાં અમેરિકાના સાંસદ થોમસ મેસી જોડાઈ શકે છે. થોમસ મેસીએ હાલમાં ટ્રમ્પના ન્યૂ બિગ વ્યૂટીફૂલ બિલનો વિરોધ કર્યો હતો. ફોરવર્ડ પાર્ટીના કો-ફાઉન્ડર એન્ડ્રયુ યાંગ પણ મસ્કને સમર્થન આપી શકે છે. તે બંને ડેમોક્રેટ અને રિપબ્લિકન પાર્ટીથી અસંતુષ્ટ છે. પાર્ટીની કમાન ટકર કાર્લસન, મેર્જોરી ટેલર ગ્રીન અને થોમસ મેસી જેવા ચર્ચિત નેતાઓ સંભાળી શકશે. આ ત્રણેય નેતા મસ્કની નવી રાજકીય પાર્ટીમાં જોડાઈ તેનું નેતૃત્વ કરી શકે છે.
5. શું આગામી વર્ષે લડશે ચૂંટણી?
X પર મસ્કને એક યુઝરે પૂછ્યું હતું કે, 2026ની મીડટર્મ ચૂંટણી લડશે કે, પછી સીધી 2028ની રાષ્ટ્રપ્રમુખ ચૂંટણી. જેનો જવાબ આપતાં મસ્કે કહ્યું કે, આગામી વર્ષે. મસ્કની અમેરિકા પાર્ટી 2026ના મીડટર્મ ચૂંટણીમાં ભાગ લેશે. આ ચૂંટણી નવેમ્બર, 2026માં યોજાશે. અમેરિકાના હાઉસ અને સેનેટની અનેક બેઠકો પર વોટિંગ થશે.