Get The App

પાકિસ્તાનનું પાણી રોકવું હોય તો ભારતને ભાખરા નાંગલ જેવા 22 ડેમની જરૂર પડશે : નિષ્ણાતો

Updated: Apr 30th, 2025

GS TEAM


Google News
Google News
પાકિસ્તાનનું પાણી રોકવું હોય તો ભારતને ભાખરા નાંગલ જેવા 22 ડેમની જરૂર પડશે : નિષ્ણાતો 1 - image


Pahalgam Terrorist Attack: પહેલગામ આતંકવાદી હુમલાને પગલે તાજેતરમાં ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલો તણાવ સિંધુ નદી પ્રણાલીની જળસંધિ બાબતે ખાસ્સો ગરમાયો છે. ભારત જો સિંધુ નદીનું પાણી રોકી દે તો પાકિસ્તાન તરસે મરી જાય, એવી થિયરી વ્યક્ત કરનારા એ હકીકત નથી સમજતાં કે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિના કોઈપણ નદીનું પાણી રોકી દેવું શક્ય નથી. પાકિસ્તાનમાં વહી જતાં પાણીને સંગ્રહિત કરવું હોય તો ભારતે ભાખરા નાંગલ બંધના કદ જેટલા ઓછામાં ઓછા 22 ડેમ બાંધવા પડે એમ છે. 

આ પણ વાંચો: CCS ની બેઠકમાં કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડમાં ફેરફાર

બધું પાણી રોકી દેવાય તો આખેઆખું જમ્મુ-કાશ્મીર જળમગ્ન થઈ જાય?

સરકારી રૅકોર્ડ મુજબ, પશ્ચિમી નદીઓમાંથી દર વર્ષે સરેરાશ 136 MAF (મિલિયન એકર ફૂટ) પાણી વહે છે. 1 MAF પાણી 10 લાખ એકર જમીન એટલે કે દિલ્હી-NCR પ્રદેશ કરતાં ત્રણ ગણા વિસ્તારને 1 ફૂટ ઊંડા પાણીમાં ડુબાડી શકે છે. જો પશ્ચિમી નદીઓમાંથી વહેતું બધું પાણી રોકી દેવામાં આવે તો એટલું પાણી 42241 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા સમગ્ર જમ્મુ-કાશ્મીરને 13 ફૂટ પાણીમાં ડુબાડી દે.

બંધ બનાવવાનો ઉપાય વ્યવહારુ છે, પણ…

નદી પર બંધ બાંધીને પાણીનો સંગ્રહ કરાય તો એમાંથી વીજળી પણ ઉત્પન્ન કરી શકાય અને સિંચાઈ પણ કરી શકાય. જોકે, સિંધુ નદી જળ સંધિ ભારતને પાકિસ્તાનને ફાળવવામાં આવેલી પશ્ચિમી નદીઓ પર બંધ બનાવવાની મંજૂરી આપતી નથી. તેથી, હાલમાં સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીઓ પર ભારતનો એક પણ બંધ નથી. હા, આ નદીઓ પર ભારતને ‘રન ઑફ ધ રિવર’ પ્રોજેક્ટ ચલાવવાની છૂટ છે અને ભારત એવા પ્રોજેક્ટ્સ ચલાવે પણ છે. જોકે, એના જળાશયોમાં પણ ભારતને 3.6 MAFથી વધુ પાણી સંગ્રહવાની છૂટ નથી.

પાકિસ્તાનનું પાણી રોકવું હોય તો ભારતને ભાખરા નાંગલ જેવા 22 ડેમની જરૂર પડશે : નિષ્ણાતો 2 - image
પ્રતિકાત્મક તસવીર

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાખરા નાંગલ બંધ સિંધુ જળ સંધિ (IWT) દ્વારા સંચાલિત નદીઓ પરનો સૌથી મોટો બંધ છે. તેની જળસંચય ક્ષમતા 6.122 MAF ની છે.

‘રન ઑફ ધ રિવર’ પ્રોજેક્ટ એટલે શું?

‘રન ઑફ ધ રિવર’ પ્રોજેક્ટ એ એક પ્રકારની હાઇડ્રોઈલેક્ટ્રિક પાવર ઉત્પાદન યોજના છે. એમાં વીજળી ઉત્પન્ન કરવા માટે નદીના કુદરતી પ્રવાહ, ઊંચેથી આવતા પાણીના પ્રવાહનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં મોટા બંધ કે જળાશય બાંધવાના હોતા નથી. નદીના કુદરતી પ્રવાહને જ સીધા ટર્બાઇન તરફ વાળવામાં આવે છે. આવા પ્રોજેક્ટમાં અમુક હદ સુધીના નાના બંધ બાંધવાની છૂટ હોય છે. 

પશ્ચિમી નદીઓનો ફાયદો ભારત ઉઠાવે તો છે

હાલમાં સ્થિત એવી છે કે જમ્મુ અને કાશ્મીરના તમામ જળાશયો મળીને પણ સિંધુ, ચિનાબ અને ઝેલમ નદીના વાર્ષિક પ્રવાહનો એક ટકા પાણી પણ સમાવી શકતા નથી. પશ્ચિમી નદીઓ પર હાલમાં ભારતના છ જળવિદ્યુત પ્રોજેક્ટ— સલાલ, કિશનગંગા, બાગલીહાર, ઉરી, દુલ્હસ્તી અને નિમુ બાઝગો— ચાલી રહ્યા છે. જોકે, તેમાંથી કોઈ પણ બંધ તરીકે વર્ગીકૃત થયેલ નથી, દરેક પ્રોજેક્ટ તેના જળાશયમાં સતત કામગીરી માટે થોડું પાણી રાખે છે.

જળસંચયની માત્રામાં વધારો થશે

ઉપર જણાવ્યા એ છ બંધ હાલમાં ત્રણ નદીઓમાં વહેતા પાણીના વાર્ષિક જથ્થાના માત્ર 0.4 ટકા પાણી ધરાવે છે. રાજ્યમાં નિર્માણાધીન તમામ જળવિદ્યુત પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા પછી આ ક્ષમતામાં 2 ટકાનો વધારો થવાની ધારણા છે. 

કિશ્તવાડ જિલ્લામાં ચિનાબ નદીની ઉપનદી પર ભારત હાલમાં ‘પાકલ દુલ’ પ્રોજેક્ટ બનાવી રહ્યું છે. આ ‘રન ઑફ ધ રિવર’ પ્રોજેક્ટમાં ભારતને 125.4 મિલિયન ઘન મીટર અથવા 0.1 MAF પાણી સમાવવાની છૂટ છે.

એ ઉપરાંત રટલે, ક્વાર અને કિરુ હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સ પણ હાલમાં નિર્માણાધીન છે. તેમનું બાંધકામ નવેમ્બર 2021 અને મે 2022ની વચ્ચે શરુ થયું હતું અને આવતા વર્ષે ફેબ્રુઆરી અને નવેમ્બરની વચ્ચે પૂર્ણ થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: પાકિસ્તાની સેનાની નાપાક હરકત, પરાગવાલ આંતરરાષ્ટ્રીય સીમા પર સીઝફાયરનું ઉલ્લંઘન

ભારતની ભવિષ્યની જળયોજનાઓ પાકિસ્તાનને પ્રભાવિત કરશે

નજીકના ભવિષ્યમાં ઓછામાં ઓછા ત્રણ વધુ બંધ સાવલકોટ, બુરસર અને કિરાથાઈ-2 બનાવવાની ભારતની યોજના છે. આ બંધો સંયુક્તપણે પાણીનો જે જથ્થો સંગ્રહ કરશે એના લીધે પાકિસ્તાનમાં પાણીનો પ્રવાહ ચોક્કસપણે પ્રભાવિત થશે. 

પાકિસ્તાનને મળતું પાણી રોકવામાં ભારતને પણ નુકસાન થશે

નિષ્ણાતો કહે છે કે પશ્ચિમી નદીઓ પર બંધ બાંધવાથી ભારતને મોટી આર્થિક અને પર્યાવરણીય કિંમત ચૂકવવી પડશે. પર્યાવરણીય રીતે સંવેદનશીલ એવું જમ્મુ અને કાશ્મીર કુદરતી આફતોમાં ઘેરાઈ જશે. આવી આફતોમાં ભૂસ્ખલન, ભૂકંપ અને હિમનદી તળાવ ફાટવાથી પૂરનું જોખમ સર્જાઈ શકે એમ છે.

રોકેલા પાણીનું કરવું શું?

બંધ જેવું તોતિંગ બાંધકામ ગમે ત્યાં ઊભું નથી કરી દેવાતું. એના માટે ભૌગોલિક અનુકૂળતા, આસપાસના પર્યાવરણ પર પડનારી અસરો, જમીનનું બંધારણ, ડૂબમાં જતો વિસ્તાર અને જનવિસ્થાપન જેવી ઘણી બાબતો ધ્યાનમાં લેવી પડે છે. પાકિસ્તાનને ફાળે ગયેલી ત્રણ નદીઓ પૈકી ચિનાબ પર બંધ બાંધવાના અનુકૂળ સ્થળો પ્રમાણમાં વધુ છે. બંધ બાંધીને રોકેલા પાણીનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થતો હોય છે. જમ્મુ અને કાશ્મીરમાં હાલમાં પણ નદીઓ અને ઉપનદીઓ દ્વારા ખેતી માટેના પાણીની સારી વ્યવસ્થા ઉપલબ્ધ હોવાથી નવા બંધોએ રોકેલા પાણીનું કરવું શું? એવો પ્રશ્ન ઊભો થશે. 

Tags :