Get The App

ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના મોત

Updated: May 24th, 2026

GS TEAM

Google News
Google News
ગુજરાત સહિત ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં ગરમીનો પ્રકોપ, તેલંગાણામાં હીટસ્ટ્રોકથી 16ના મોત 1 - image

India Weather Update: દેશના મોટાભાગના રાજ્યો હાલમાં ભયાનક ગરમી અને અસહ્ય લૂ (હીટવેવ) ની ચપેટમાં આવી ગયા છે. શનિવારે દેશના અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સેલ્સિયસને પાર નોંધાયો હતો, જ્યારે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તાપમાન 45 ડિગ્રીને પણ વટાવી ગયું છે. હવામાન વિભાગે (IMD) ચેતવણી આપી છે કે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં રવિવારથી તાપમાનમાં હજુ પણ વધુ વધારો થવાની સંભાવના છે.

ગુજરાતમાં પણ ભારે ગરમી 

બીજી બાજુ ગુજરાતમાં પણ ભારે ગરમી પડી રહી છે. 8 શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જતું રહ્યું છે. જેમાં રાજકોટમાં તો 42.7 ડિગ્રી નોંધાયું હતું જે સૌથી ગરમ શહેર બની ગયું હતું. તેનાથી ઓછું તાપમાન અમદાવાદમાં 42.3 ડિગ્રી નોંધાયું હતું. જોકે પાંચ દિવસ બાદ તાપમાનમાં આંશિક ઘટાડો શરૂ થવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. 

તેલંગાણામાં ગરમીએ લીધો 16 લોકોનો ભોગ

ગરમીના કારણે દેશમાં સ્થિતિ ચિંતાજનક બની રહી છે. તેલંગાણાના મહેસૂલ મંત્રી પોંગુલેટી શ્રીનિવાસ રેડ્ડીએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે, રાજ્યના સાત જિલ્લાઓમાં લૂ લાગવાને (હીટસ્ટ્રોક) કારણે અત્યાર સુધીમાં 16 લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ ભયાનક સ્થિતિને જોતા પંજાબના સ્વાસ્થ્ય મંત્રી ડૉ. બલબીર સિંહે તમામ સરકારી હોસ્પિટલોને હીટસ્ટ્રોક મેનેજમેન્ટ માટે સમર્પિત વોર્ડ અથવા યુનિટ શરૂ કરવાના આદેશ આપ્યા છે, જ્યાં આઈસ પેક અને જરૂરી દવાઓનો પૂરતો સ્ટોક રાખવામાં આવે.

આ પણ વાંચો: ડિફોલ્ટર્સ પાસે રિકવરી માટે જનારા એજન્ટ્સ ગાળાગાળી નહીં કરી શકે, RBI એ બનાવ્યો નિયમ

દિલ્હી અને રાજસ્થાનમાં પારો 45 ડિગ્રીને પાર, હોસ્પિટલો ફૂલ

દિલ્હી-એનસીઆર (NCR) ની હોસ્પિટલોમાં ગરમી અને લૂ સંબંધિત બીમારીઓના દર્દીઓની સંખ્યામાં અચાનક મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં પણ ગરમીનો પારો આસમાને છે, જ્યાં છેલ્લી 24 કલાક દરમિયાન 44.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ચિત્તોડગઢ રાજ્યનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.

હરિયાણાના રોહતકમાં મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી સેલ્સિયસ, હિંસારમાં 42.4 ડિગ્રી અને અંબાલામાં 41.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પંજાબના ભટીંડામાં પારો 43.8 ડિગ્રી, લુધિયાણામાં 41.2 ડિગ્રી અને અમૃતસરમાં 40.5 ડિગ્રી નોંધાયો છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢમાં તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

પહાડી રાજ્ય હિમાચલમાં પણ લૂનું એલર્ટ, ઝારખંડમાં વરસાદની સંભાવના

ગરમીની અસર હવે પહાડી રાજ્યોમાં પણ જોવા મળી રહી છે. શિમલા હવામાન કેન્દ્ર દ્વારા 26 અને 27 મેના રોજ હિમાચલ પ્રદેશના ઊના, બિલાસપુર, હમીરપુર, કાંગડા, સોલન અને સિરમૌર જેવા જિલ્લાઓમાં લૂ ચાલવાની આશંકા વ્યક્ત કરીને 'યેલો એલર્ટ' જાહેર કરાયું છે. જોકે, પશ્ચિમી વિક્ષોભના (વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ) કારણે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે.

બીજી તરફ, હવામાન વિભાગે સોમવાર માટે ઝારખંડના ત્રણ જિલ્લાઓ - ગઢવા, પલામુ અને ચતરા માટે લૂનું એલર્ટ આપ્યું છે, જ્યારે ધનબાદ સહિતના અન્ય કેટલાક જિલ્લાઓમાં રવિવારે વરસાદને લઈને 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.