ભારત-અમેરિકાના સંબંધો સારા પણ ટ્રમ્પને એક જ મુદ્દો ખટકે છે, નવા રાજદૂત સર્જિયોનું સૂચક નિવેદન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India-US Relations: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતમાં આગામી રાજદૂત પદ માટે પસંદ કરાયેલા સર્જિયો ગોરે કહ્યું કે, 'ટેરિફને લઈને અમેરિકા અને ભારત વચ્ચે બહુ મતભેદ નથી. બંને દેશો વચ્ચે વેપાર સંબંધિત સમસ્યાઓ આગામી અઠવાડિયામાં ઉકેલાઈ શકે છે.' નોંધનીય છે કે, સર્જિયો ગોર વ્હાઇટ હાઉસના પ્રેસિડેન્શિયલ પર્સનલ ઓફિસના ડિરેક્ટર છે અને ટ્રમ્પના નજીકના સહયોગી માનવામાં આવે છે.
સર્જિયો ગોરે શું કહ્યું...
અમેરિકાના એમ્બેસેડર બનવા માટે સેનેટ કમિટીની સુનાવણીમાં સર્જિયો ગોરે કહ્યું કે, 'ટેરિફના મુદ્દા પર અમેરિકા અને ભારત વચ્ચે બહુ મતભેદ નથી. આગામી થોડા અઠવાડિયામાં તેનો ઉકેલ ટૂંક સમયમાં આવશે. અમેરિકા અને ભારતના લાંબા ગાળાના વ્યૂહાત્મક ધ્યેયો સમાન છે અને તેમના સંબંધો ચીન સાથેના સંબંધો કરતા સારા છે. આ ઉપરાંત ટ્રમ્પે સ્પષ્ટ કરી દીધું છે કે ભારતે રશિયાનું ક્રૂડ ખરીદવાનું બંધ કરવું પડશે. બ્રિક્સની અંદર વિવિધ મુદ્દાઓ પર ભારત અમારા પક્ષમાં રહ્યું છે.'
ભારતમાં અમેરિકાના ભાવિ એમ્બેસેડર સર્જિયો ગોરે કહ્યું છે કે ભારત અમેરિકા માટે મહત્ત્વપૂર્ણ પાર્ટનર છે. બંને દેશો વચ્ચે લાંબા સમયથી ટ્રેડ ડીલ અંગે ચર્ચા ચાલી રહી છે, જેના પરિણામ ટૂંકમાં આવશે.
સર્જિયો ગોરે અમેરિકાની સેનેટની વિદેશ મામલાની સમિતિ સામે સુનાવણી દરમિયાન કહ્યું છે કે તેઓ ભારત અને અમેરિકાના સંબંધો આગળ વધારવા માટે કામ કરશે. તેમણે વધુમાં કહ્યું કે ભારતને રશિયાથી પાસેથી ઓઈલ ખરીદતા રોકવું એ અમેરિકાની પ્રાથમિકતા છે.
તેમણે કહ્યું છે, કે 'ભારત અને અમેરિકા વચ્ચે થોડી અડચણો આવી રહી છે પરંતુ તેના સમાધાન માટે પ્રયાસો ચાલી રહ્યા છે. ભારત સરકાર અને ભારતના લોકો સાથે અમેરિકાના દાયકાઓ જૂના સંબંધ છે. જે ભારત અને ચીનના સંબંધ કરતાં વધુ સારા છે. હું પ્રયત્ન કરીશ કે ભારત ચીન સાથે હાથ ન મિલાવે અને અમેરિકાની પડખે આવે.
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટે શું કહ્યું?
અમેરિકાના સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ સેનેટ પેનલ સમક્ષ સર્જિયો ગોરનો પરિચય કરાવ્યો. માર્કો રુબિયોએ કહ્યું કે, 'ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મહત્ત્વપૂર્ણ છે, જે ભવિષ્યમાં વિશ્વનો નકશો નક્કી કરશે.સર્જિયો ગોરને ભારતમાં આગામી યુએસ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તે હાલમાં અમેરિકા માટે સૌથી મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય સંબંધોમાંનો એક છે. 21મી સદીમાં વિશ્વની વાર્તા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં લખાશે. ભારત આ ક્ષેત્રમાં કેન્દ્રમાં છે. એટલા માટે અમે ઈન્ડો-પેસિફિક કમાન્ડનું નામ બદલીને તેને વધુ મહત્ત્વ આપ્યું છે. ભારત સાથેના અમારા સંબંધો હાલમાં અસાધારણ પરિવર્તનના તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, અમારી પાસે કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ છે જેના પર અમારે ભારત સાથે મળીને કામ કરવું પડશે. આમાં યુક્રેનની પરિસ્થિતિ અને પ્રાદેશિક બાબતોની અસરનો સમાવેશ થાય છે.'
દ્વિપક્ષીય વાર્ષિક વેપાર કેટલો છે?
લાંબા સમયથીઅમેરિકા ચીનના પ્રભાવને સંતુલિત કરવા માટે ભારતને એક મહત્વપૂર્ણ ભાગીદાર માને છે. પરંતુ વેપાર પર વધતા તણાવે બંને દેશો વચ્ચેના સંબંધોની મજબૂતાઈ પર પ્રશ્નો ઊભા કર્યા છે. ભારતે તેના કૃષિ અને ડેરી ક્ષેત્રને ખોલવાનો ઈનકાર કર્યો હતો, જેના કારણે ટેરિફ પરની વાટાઘાટો પર અસર પડી હતી. હાલમાં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર વાર્ષિક 190 અબજ ડોલરથી વધુ છે.









